નવી દિલ્હીઃ આઇપીએલના પૂર્વ કમિશનર લલિત મોદી પ્રકરણમાં રોજ નવા પાત્રોના સામે આવી રહ્યા છે. લલિત મોદીએ ૧ જુલાઇએ ટ્વીટર પર વિસ્ફોટ કરતા જણાવ્યું છે કે, ભાજપના સાંસદ વરુણ ગાંધીએ કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધી સાથે ડીલ સેટલ કરાવવા માટે ઓફર કરી હતી. આ માટે ‘આન્ટી’એ રૂ. ૩૭૫ કરોડ જેવી જંગી રકમ માગી હતી. વરુણ ગાંધીએ લલિતને મળ્યા હોવાનું કબૂલ્યું છે, પરંતુ આક્ષેપો નકાર્યા છે.
મોદીએ એક પછી એક ટ્વીટ કરીને સ્ફોટક વાતો કરી. તેમણે આક્ષેપ કર્યો કે વરુણ ગાંધી થોડાં વર્ષો પહેલાં તેમને મળવા તેમના ઘરે આવ્યા હતા અને કહ્યું હતું કે તેઓ સોનિયા ગાંધી દ્વારા કોંગ્રેસમાં બધું થાળે પાડી દેશે. લલિતના ટ્વીટ મુજબ વરુણે કહ્યું હતું કે તેમની આન્ટી (સોનિયા ગાંધી) ૬૦ મિલિયન ડોલરમાગે છે. વરુણ ગાંધીએ લલિત મોદીને ત્રણ વર્ષ પહેલાં મળ્યા હોવાની કબૂલાત કરી હતી, પરંતુ તેના આક્ષેપો નકારી કાઢ્યા છે. વરુણે કહ્યું કે, ‘લલિતના આક્ષેપો પાયાવગરના છે અને આવા વાહિયાત આક્ષેપને નકારવા એ પણ હું મારી ગરિમાને લાયક નથી સમજતો.’