નવી દિલ્હીઃ પતંજલિની આયુર્વેદિક પ્રોડક્ટ્સ મારફત મોટી-મોટી કંપનીઓને પડકાર આપી રહેલા બાબા રામદેવે બુધવારે બધાને ચોંકાવી દીધા હતા. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે ફરિદાબાદમાં યોજાનારા પોતાના પાંચ દિવસના કાર્યક્રમનું આમંત્રણ આપવા રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના નવી દિલ્હી સ્થિત ઘરે પહોંચી ગયા હતા.
આ મુલાકાત દરમિયાન બાબા રામદેવે પોતાની પ્રોડક્ટની ગોલ્ડ ક્રીમ લાલુના ચહેરા પર લગાવી હતી અને તેમને એનર્જી બાર પણ ખવડાવી હતી. બાબા રામદેવે લાલુ પ્રસાદને યોગના બ્રાન્ડ એમ્બેસ્ડર ગણાવ્યા તો લાલુએ પણ કહ્યું કે બાબા ક્વોલિટી પ્રોડક્ટ આપે છે. તેમના ભ્રામરી યોગથી મારું બ્રેઇન સાફ થઈ ગયું છે. અમે તેમના બ્રાન્ડ એમ્બેસ્ડર છીએ. ઉલ્લેખનીય છે કે આ પહેલાં લાલુ પ્રસાદ યાદવ બાબા રામદેવને જાહેરમાં ઠગ કહી ચૂક્યા છે. તેમજ એવો પણ આક્ષેપ કર્યો હતો કે બાબા રામદેવ પતંજલિની પ્રોડ્ક્ટમાં હાડકાંનો ભૂક્કો ભેળવે છે.