નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની બીજી ટર્મની સરકારના છેલ્લા બજેટને આવકારતા કહ્યું હતું કે વંચિતોને પ્રાધાન્ય આપતું બજેટ સમાજના સપનાઓને સાકાર કરશે. અમૃત સમયગાળાનું પ્રથમ બજેટ વિકસિત ભારતના નિર્માણ માટે મજબૂત પાયો નાખશે. આ બજેટ ગરીબ, મધ્યમ વર્ગ, ખેડૂતો સહિત મહત્વાકાંક્ષી સમાજના સપનાઓને પૂર્ણ કરશે. પરંપરાગત રીતે ‘વિશ્વકર્મા’, જેમણે પોતાના હાથે દેશ માટે સખત મહેનત કરી છે તેઓ આ દેશના સર્જક છે. પ્રથમ વખત ‘વિશ્વકર્મા’ની તાલીમ અને સહાય સંબંધિત યોજના બજેટમાં લાવવામાં આવી છે. શિલ્પકારો, કારીગરો બધા જ દેશ માટે સખત મહેનત કરે છે. બજેટમાં પહેલી વાર આ વર્ગ માટે અનેક પ્રોત્સાહક યોજનાઓ લાવવામાં આવી છે. આવા લોકો માટે ટેકનોલોજી, ક્રેડિટ અને માર્કેટનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ વિશ્વકર્મા યોજના એટલે કે વિકાસ આ વિશ્વકર્માઓ માટે મોટો બદલાવ લાવશે.
વડા પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે ગામડામાં રહેતી મહિલાઓથી લઈને શહેરી મહિલાઓ સુધી, સરકારે ઘણા પગલાં લીધા છે. તેમને મજબૂત કરવા માટે બજેટમાં એક નવી પહેલ કરવામાં આવી છે. મહિલાઓ માટે ખાસ બજેટ યોજના પણ શરૂ કરવામાં આવી રહી છે. જન ધન પછી આ વિશેષ બચત યોજના સામાન્ય પરિવારોની માતાઓને ખૂબ જ લાભદાયી બનવાની છે.
મોદીએ કહ્યું કે સરકારે સૌથી મોટી ખાદ્ય સંગ્રહ યોજના બનાવી છે. હવે આપણે કૃષિ ક્ષેત્રમાં ડિજિટલ પેમેન્ટની સફ્ળતાનું પુનરાવર્તન કરવું પડશે. તેથી જ આ બજેટમાં એક મોટી યોજના રજૂ કરાઈ છે. એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વિશેષ ભાર મુકાયો છે. વડા પ્રધાને વધુમાં કહ્યું કે, અમૃતકાળનું પ્રથમ બજેટ વિકસિત ભારતના ભવ્ય વિઝનને પૂર્ણ કરવા માટે મજબૂત પાયો બનાવશે. આ બજેટમાં વંચિતોને પ્રાથમિકતા આપવામાં આવી છે.