નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીનના ચાર દિવસના પ્રવાસે પહોંચી ગયા છે. ૧૪થી ૧૯ મે સુધીને છ દિવસના પ્રવાસમાં તેઓ ચીન ઉપરાંત મોંગોલિયા અને સાઉથ કોરિયાની પણ મુલાકાત લેશે. નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી ૧૫ દેશોનો પ્રવાસ ખેડી ચૂક્યા છે. કાર્યકાળ દરમિયાન તેઓ લગભગ ૪૦ દિવસ વિદેશમાં રહ્યા, જ્યારે બાવન પ્રવાસ દેશમાં ખેડ્યા છે. તેઓ ૧૨ વાર મહારાષ્ટ્ર અને આઠ વખત જમ્મુ અને કાશ્મીર ગયા છે. નરેન્દ્ર મોદી જે ગતિએ વિદેશ પ્રવાસ કરી રહ્યા છે તે જોતાં લાગે છે કે તેઓ ડો. મનમોહન સિંહને પાછળ રાખીને સૌથી વધુ વિદેશ પ્રવાસ ખેડનારા વડા પ્રધાન બની રહેશે.
ચીનના સત્તાવાર મીડિયાએ ચીની સોશિયલ માઇક્રોબ્લોગિંગ સાઇટ વાઇબો પર વડા પ્રધાન મોદીએ એકાઉન્ટ ખોલવા કરેલી પહેલને આવકાર આપ્યો છે. મીડિયાએ જણાવ્યું કે પ્રવાસ પહેલાં મોદી હીટ થઇ ગયા. વડા પ્રધાન મોદીએ પણ મંગળવારે પ્રવાસ તારીખો વાઇબો પર જાહેર કરી હતી. ભારતીય મીડિયાને પણ ત્યાંથી પ્રવાસ કાર્યક્રમની જાણ થઇ હતી.
પ્રવાસનો કાર્યક્રમ
• પહેલા તબક્કામાં મોદી ૧૪થી ૧૬ મે સુધી ચીનમાં રહેશે. ત્યાં જિયાન, બૈજિંગ, શાંઘાઈ જશે.
• બીજા તબક્કામાં ૧૭મેના રોજ મોંગોલિયા પહોંચશે. કોઈ પણ ભારતીય વડા પ્રધાન પહેલી વખત મોંગોલિયા જશે.
• પ્રવાસના અંતિમ ચરણમાં તેઓ ૧૮ અને ૧૯મેના રોજ સાઉથ કોરિયાની મુલાકાત લેશે. તેઓ સિઉલમાં વડા પ્રધાન પાર્ક જિયુન હ્યે સાથે વાત કરશે.