નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિનાં પ્રવચનના આભાર પ્રસ્તાવ પરની ચર્ચા વેળા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસની આકરી ટીકા કરી હતી. મોદીએ કોંગ્રેસના જ નેતા અને પૂર્વ વડા પ્રધાનો ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીનાં ઉચ્ચારણો તથા વિવિધ સૂચનો ટાંકીને કોંગ્રેસને ભીંસમાં લીધી હતી. ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસી નેતાઓના ગૃહમાં નકારાત્મક વલણ તેમજ આ નેતાઓએ પોતાની તેમજ સરકારની કામગીરીની કરેલી ટીકાનો - વડા પ્રધાને કોઇનું પણ નામ ઉચ્ચાર્યા વગર - સણસણતો જવાબ આપ્યો હતો. બુધવારે રાહુલ ગાંધીએ વડા પ્રધાન મોદીને ભીંસમાં લીધા હતા તો ગુરુવાર નરેન્દ્ર મોદીનો હતો.
ગૃહની કાર્યવાહીમાં વિરોધ પક્ષ દ્વારા વારંવાર થતા વિક્ષેપનો ઉલ્લેખ કરતા તેમણે રાજીવ ગાંધીને ટાંકીને જણાવ્યું હતું કે, ‘જ્યારે સંસદમાં કામગીરી નથી થતી ત્યારે દેશને નુકસાન થતું હોય છે, ભોગવવું પડતું હોય છે, તેના કરતાં પણ વધારે સાંસદોને ભોગવવું પડે છે, કારણ કે તેઓ ચર્ચા કરી શકતા નથી. સંસદ એવું સ્થળ છે જ્યાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવે છે. આ ચર્ચા દરમિયાન દરેક વ્યક્તિ પોતાની સીમા જાણી લે અને તેને ઓળંગે નહીં તો આવી ચર્ચાઓ ફળદાયી બની શકે છે.'
બીજી તરફ, તેમણે મેક ઈન ઇન્ડિયાની મજાક કરવા બદલ પણ કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે વિપક્ષમાં કોઈ મજબૂત જણાતું નથી. તેઓ હાર બાદ લઘુતાગ્રંથિથી પીડિત હોય તેમ લાગી રહ્યું છે. તેમણે કોંગ્રેસ ઉપાધ્યક્ષનું નામ લીધા વગર કટાક્ષ કરી જણાવ્યું કે, કેટલાંક લોકો ઉંમરમાં તો મોટા થઈ જાય છે પણ તેમની બુદ્ધિનો વિકાસ થતો નથી. કેટલાંક લોકો સમય પસાર થઈ જવા છતાં બાબતોને સમજતા નથી અને પરાણે વિરોધ કર્યા કરે છે. કેટલાંક લોકોને એવી ગેરસમજ છે કે તેઓે લોકસભામાં કોઈ પણ કંઈ પણ સવાલ કરી શકે છે. કેટલાંક લોકો વાંચીને આવે છે અને મનોરંજન પૂરું પાડે છે.
… મોદીએ કોંગ્રેસની ઝાટકણી કાઢતાં જણાવ્યું કે, તમે કામ કર્યા નહીં અને અમને તક આપી ત્યારે અમે આ બધું કરી શક્યા. અમે સ્કૂલમાં ટોઇલેટ બનાવ્યા, તમે બનાવ્યાં હોત તો અમારે લાખોની સંખ્યામાં ન બનાવવાં પડ્યાં હોત. બાંગ્લાદેશ-વિવાદ તમારા સમયે પણ હતો. તમે તેનો ઉકેલ લાવ્યા હોત તો તેનું શ્રેય તેમને મળ્યું હોત.
મોદીએ સંસદમાં સ્ટાલિન અને ક્રુશ્વેવની વાર્તા કહી. તેમણે જણાવ્યું કે, સ્ટાલિન જ્યારે મૃત્યુ પામ્યો ત્યારબાદ ક્રુશ્વેવ દેશમાં જ્યાં પણ જતો ત્યાં સ્ટાલિનની ટીકા કરતો હતો. એક દિવસે ભાષણ દરમિયાન એક યુવકે ઊભા થઈને સવાલ કર્યો કે જ્યારે સ્ટાલિન જીવીત હતો ત્યારે તમે કેમ તેની ટીકા કરી નહોતી અને હવે ગમેતેમ બોલો છો. ક્રુશ્વેવે જવાબ આપ્યો કે, આ જ તફાવત છે. તું આજે મારી સામે ઊભો રહીને સવાલ કરી શકે છે. કારણ કે હું અહીંયા છું. સ્ટાલિન હોત તો આવી હિંમત ન કરી શક્યો હોત.
સ્થળઃ લોકસભા ગૃહ પ્રસંગઃ રાષ્ટ્રપતિ અભિભાષણ પર ચર્ચા
બુધવારે કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીએ શું કહ્યું હતું?
...હું જાણું છું કે, વડા પ્રધાન મોદી શક્તિશાળી અને પ્રભાવશાળી છે. તેમને (સાંસદો, મંત્રીઓને) તેમનો ભય લાગે છે, પણ તમારે બોલવું જોઈએ.
… મોદીજીએ નોકરીઓના વાયદા કર્યાં હતાં. બબ્બરસિંહ તો બનાવી દીધો પણ પછી શું?
…મોદી પાકિસ્તાન જતા રહ્યા, વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને ખ્યાલ નહોતો. તેવી જ રીતે નાગાસમજૂતિ કરવામાં આવી ત્યારે ગૃહમંત્રી રાજનાથસિંહને પણ જાણ નહોતી.
… મોદીજી કહે છે કે, મનરેગા અયોગ્ય છે પણ નાણામંત્રી અદભુત ગણાવે છે.
ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પલટવાર
...વિપક્ષમાં ઘણા પ્રભાવશાળી સાસંદો છે પણ તેમને ક્યારેય બોલવાનો અવસર જ નથી આપવામાં આવતો. વિપક્ષમાં હાલ કોી મજબૂત જણાતું નથી અને તેને કારણે જ તેઓ લઘુતાગ્રંથિનો ભોગ બનેલા છે.
… કેટલાક મેક ઇન ઇન્ડિયાની મજાક ઉડાવી રહ્યા છે. આપણે જ આપણા દેશની છબી એવી બનાવી છે કે જાણે આપણે હાથમાં ભીક માટે વાટકો લઈને નીકળ્યાં હોઈએ. આ વાત હું નથી કરતો. આ વાત ૧૯૭૪માં ઇન્દિરા ગાંધીજીએ કહ્યું હતું.
… ૨૯ સપ્ટેમ્બર, ૨૦૧૩ના દિવસે પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ અમેરિકામાં ઓબામા સાથે હતા, તે દરમિયાન અહીંયા કેબિનેટમાં એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તે પ્રસ્તાવને કેટલાક લોકો દ્વારા ફાડી નાખવામાં આવ્યો હતો. પોતાના કરતાં મોટાં લોકોનું સન્માન કરતાં આવડતું નથી.
… વાજપેયીજી દ્વારા સંપૂર્ણ ગ્રામીણ યોજના શરૂ કરવામાં આવી ત્યારબાદ ૨૦૦૪માં કામના બદલે અનાજની યોજના આવી. છેલ્લા ૬૦ વર્ષમાં ગરીબીનાં મૂળિયાં એટલે ઊંડે સુધી પહોંચી ગયા છે કે તેને દૂર કરવા અમારે સખત મહેનત કરવી પડે છે. ગરીબી દૂર થઈ હોય તો મનરેગા જેવી યોજનાઓની જરૂર જ નહોતી.
નરેન્દ્રી મોદી ઉવાચ્...
* ‘હું નવો છું મારે તમારા અનુભવની જરૂર છે.’
* ‘ઉપદેશ આપનારા ઘણા છે પણ તેનું આચરણ કરનાર ઘણા ઓછા છે.’
* ‘હેડલાઈનમાં આવવા માટે તુ-તુ-મૈં-મૈં ન કરવી જોઈએ.’
* ‘હું ૧૪ વર્ષથી આક્ષેપોનો જ સામનો કરતો આવ્યો છું.’
* ‘ઘણા લોકો છે જેમને વડીલોનું સન્માન કરતા શીખવું પડશે.’
* ‘દેશમાં આઠ રાજ્યોમાં ખાદ્યસુરક્ષા યોજના લાગુ નથી તેમાં ચાર કોંગ્રેસ શાસિત છે
* ‘અમે કામ કરી રહ્યા છીએ તેથી વિરોધ કરાઈ રહ્યો છે.’
* ‘બાંગ્લાદેશનો વિવાદ પડતર હતો, સ્કૂલોમાં ટોયલેટ બનાવ્યા નહોતા, ૧૮,૦૦૦ ગામડાંમાં વીજળી અમારી સરકારે પહોંચાડી.’
* ‘મેક ઈન ઈન્ડિયાની મજાક ઉડાવીને દેશની જ મજાક ઉડાવી રહ્યા છે.’
* ‘જીએસટી બિલ તમારું જ હોય તો પસાર કેમ નથી થવા દેતા?’
સંસદ માટે મોદીના ત્રણ સૂચન
• ૮ માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિન હોવાથી તે દિવસે સંસદમાં માત્ર મહિલાઓને જ બોલવા દેવામાં આવે.
• વર્ષભરનાં સેશનમાં એક અઠવાડિયું એવું હોવું જોઈએ જેમાં પહેલી વખત સાંસદ થયેલાં લોકોને બોલવાની તક આપવી જોઈએ. હું પોતે પહેલી વખત આવ્યો છું એટલે નથી કહેતો, પણ તેના દ્વારા નવા વિચારોનું સર્જન થશે.
• સાંસદો દ્વારા શનિવારે વિશેષ હાજરી આપીને ક્લાઇમેટ ચેન્જ સામે કેવી રીતે લડી શકાય તેની ચર્ચા થવી જોઈએ.