નવી દિલ્હીઃ ભારતમાં ડેસ્ટિનેશન વેડિંગનો ક્રેઝ વધી રહ્યો છે. વર્ષેદહાડે લગભગ 5,000 લગ્ન વિદેશી ધરતી પર સંપન્ન થઇ રહ્યા છે. એટલે કે વિદેશી ધરતી પર ભારતીય લોકોના એક લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. આટલી જંગી ભારતીય મુદ્રાનો વિદેશમાં જવાનો અર્થ સ્વદેશી અર્થતંત્રને નુકસાન થયા છે. આ સ્થિતિમાં કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએઆઇટી - ‘કેટ’) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વેડ ઈન ઈન્ડિયાના આહવાનને આગળ વધારવાનું કામ કરશે.
વેડ ઈન ઈન્ડિયાથી દેશના અર્થતંત્ર અને વેપારને મજબૂતી મળશે. સાથે જ ‘કેટ’ દ્વારા ભારતના વિવિધ રાજ્યોમાં લગભગ 100 મુખ્ય શહેરો અને તેની આસપાસના 2000 કરતાં વધારે એવા સ્થળોની ઓળખ કરી છે જ્યાં ડેસ્ટિનેશન વેડિંગ યોજવાનું શક્ય છે. તેનાથી લોકોનો ડેસ્ટિનેશન વેડિંગ કરવાનો શોખ પણ પૂરો થઇ જશે અને ભારતનું ધન બીજા દેશોમાં નહીં જાય. એટલે કે દર વર્ષે ભારતીય અર્થતંત્રને મજબૂતી પ્રાપ્ત થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ દહેરાદૂનમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટના ઉદઘાટન દરમિયાન દેશના ધનિકોને વિદેશમાં જઈને લગ્ન કરવાની જગ્યાએ ઉત્તરાખંડમાં આવીને ડેસ્ટિનેશન વેડિંગ કરવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે જો ઉત્તરાખંડમાં એક વર્ષમાં 5000 ડેસ્ટિનેશન વેડિંગ પણ થાય તો રાજ્યના અર્થતંત્રને ખૂબ મજબૂતી પ્રાપ્ત થશે.
ભારતીય નાણું બહાર જાય છે
‘કેટ’ના રાષ્ટ્રીય પ્રમુખ બી.સી. ભરતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલના અનુસાર વડાપ્રધાન મોદીએ વેડ ઇન ઇન્ડિયા આહવાન કર્યું છે. તેનાથી દેશના અર્થતંત્રને મજબૂતી પ્રાપ્ત થશે. ડેસ્ટિનેશન વેડિંગ પાછળ વર્ષે લગભગ એક લાખ કરોડ રૂપિયા વિદેશમાં ખર્ચાઇ જાય છે. તેના કારણે બિનજરૂરી રીતે ભારતીય નાણું વિદેશમાં જાય છે.
મોદીના આહવાન બાદથી ‘કેટ’ દ્વારા દેશમાં વેપારીઓ અને સિવિલ સોસાઇટી વચ્ચે ડેસ્ટિનેશન વેડિંગને પ્રોત્સાહિત કરવાનું અભિયાન હાથ ધરાયું છે. વિદેશમાં ભારતીયો દ્વારા ડેસ્ટિનેશન વેડિંગ માટે હજુ સુધી કોઇ અધિકૃત સર્વે થયો નથી. જોકે, અંદાજ મુજબ વર્ષે લગભગ 5000 જેટલા ડેસ્ટિનેશન વેડિંગ વિદેશમાં થાય છે.
2,000 કરતાં વધારે સ્થળ
‘કેટ’ના અનુસાર ભારતમાં 2000 કરતાં વધારે એવી જગ્યા છે જ્યાં ડેસ્ટિનેશન વેડિંગ થઇ શકે છે. જો, દેશનો સંપન્ન વર્ગ વિદેશની જગ્યાએ આ સ્થળો પર ડેસ્ટિનેશન વેડિંગ શરૂ કરી દે તો બાકી લોકો પણ વિદેશની ધરતી પર જવાનો મોહ છોડી દેશે. ભારતમાં મુખ્યત્વે ગોવા, મહારાષ્ટ્રનું લોનાવાલા, મહાબળેશ્વર, મુંબઇ, શિરડી, નાસિક, નાગપુર, ગુજરાતનું દ્વારકા, અમદાવાદ, સુરત, વડોદરા, મધ્ય પ્રદેશમાં ઓરછા, ગ્વાલિયર, ઉજ્જૈન, ભોપાલ, ઇન્દોર અને જબલપુર વગેરે જેવા સ્થળોએ ડેસ્ટિનેશન વેડિંગ થઇ શકે છે.
આ ઉપરાંત રાજસ્થાનમાં જયપુર, જોધપુર, ઉદયપુર, જેસલમેર, પુષ્કર અને ઉત્તર પ્રદેશમાં મથુરા, વૃંદાવન, આગરા, વારાણસી તો દક્ષિણ ભારતમાં યાદગિરી હિલ, ઊટી, બેંગલુરુ, હૈદારાબાદ, તિરુપતિ, કોચીન, ત્રિચી જેવા સ્થળો છે.
વિપુલ રોજગાર ઉપલબ્ધ થશે
આ તમામ સ્થળો મધ્યમ બજેટથી માંડીને કોઈ પણ મોટા બજેટના લગ્નને સંપન્ન કરાવવા માટે સક્ષમ છે. લગ્ન માટે સામાન્યથી માંડીને ખાસ સુવિધાઓ અને વ્યવસ્થા પ્રદાન કરનારી કંપનીઓ અથવા ગ્રૂપોનું એક મોટું નેટવર્ક છેલ્લા વર્ષોમાં ભારતમાં વિકસિત થયું છે. આ પ્રકારના લગ્નો સંબંધિત સામાન અને સેવાઓ આજે દેશમાં એક મોટા વેપારનું રૂપ ધારણ કરી ચૂકી છે. ડેસ્ટિનેશન વેડિંગ ચાહે દેશમાં હોય કે વિદેશમાં, તેમને સંપન્ન કરાવવામાં આ કંપનીઓ અથવા ગ્રૂપોનું મોટું યોગદાન હોય છે. દર વર્ષે દેશમાં વિવિધ સ્થળોએ થયેલા ડેસ્ટિનેશન વેડિંગ પોતાની ભવ્યતા અથવા વિશેષતાઓને કારણે ચર્ચાનો વિષય બને છે.