પિતાના માત્ર એક ફોનથી ૨૭ વર્ષના હનુમાન ચૌધરીના જીવનમાં પરિવર્તન આવ્યું છે. ઓસ્ટ્રલિયામાં ગોલ્ડ કોસ્ટમાં મેનેજરની નોકરી કરતા ચૌધરી રાજસ્થાનના નાગોરમાં પરત આવ્યો અને ચૂંટણી લડીને ગામનો સરપંચ બની ગયો છે. ચૌધરીના પિતા ભુરારામને એમના પુત્રને એટલા માટે પાછો બોલાવવો પડયો કે સરપંચની ચૂંટણી લડવા માટે શિક્ષણ એક શરત હતી. સરકારી આદેશ મુજબ જેને સરપંચની ચૂંટણી લડવી હોય એણે ઓછામાં ઓછું આઠમું ધોરણ પાસ કરેલું હોવું જોઇએ. ઉપરાંત પંચાયતના સભ્યો એ દસમું ધોરણ પાસ કરેલું હોવું જોઇએ. પરિણામે ૮૫ ટકા ઉમેદવારો મેદાનમાંથી નીકળી ગયા હતા. ‘ધોરણ આઠની લઘુત્તમ લાયકાતનો નિયમ અમલમાં આવતા ગામના લોકોએ મને સપંર્ક કર્યો હતો. મેં મારા ભાઇને પૂછ્યું તો એણે કહ્યું જો તારે સામાજિક સેવા કરવી હોય તો પાછો આવી જા. એણે મને સંપૂર્ણ ટેકો આપ્યો અને હું મોટી સરસાઇથી ચૂંટણી જીતી ગયો’, એમ ઓસ્ટ્રલિયામાં રૂ. બે કરોડ કમાનાર ચૌધરીએ કહ્યું હતું. એણે ઘેર ઘેર પ્રચાર કર્યો હતો અને વિક્રમી ૬૦૦૦ મતોની સરસાઇથી જીત્યો હતો. એણે કદી જાતીવાદની વાત કરી નહતી.