લંડનઃ યુકે અને ભારતના વડા પ્રધાનોની વર્ચ્યુઅલ મીટિંગમાં ભારતે યુકેમાં ગેરકાયદે વસતા ભારતીય માઈગ્રન્ટ્સને પાછા લેવા કરાર કર્યા છે. ગેરકાયદે ભારતીય માઈગ્રન્ટ્સને દેશમાં પરત લેવાના બદલામાં દર વર્ષે ૩,૦૦૦ ભારતીય પ્રોફેશનલ્સને નોકરીની તક આપવા યુકેએ ખાતરી આપી છે. જોકે, યુકેમાં એક લાખ ગેરકાયદે ભારતીયો વસતા હોવાના દાવાને ભારતે સ્વીકાર્યો નથી.
બ્રિટન અને ભારત વચ્ચે ૪ મે મંગળવારે હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ અને ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકર દ્વારા કરાયેલા માઈગ્રેશન અને મોબિલિટી પાર્ટનરશિપ કરાર હેઠળ યુકેમાં વસતા ગેરકાયદે ભારતીય માઈગ્રન્ટ્સને દેશમાં પરત લેવા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંમતિ આપી છે. તેના બદલામાં, યુકે દર વર્ષે ૩,૦૦૦ યુવા ભારતીય પ્રોફેશનલ્સ માટે એમ્પ્લોયમેન્ટની તકો આપશે. આ કરાર હેઠળ ૧૮-૩૦ વયજૂથના ભારતીયોને યુકેમાં ૨૪ મહિના સુધી કામ અથવા અભ્યાસ કરવા મળશે.
હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે આ કરારથી ઈમિગ્રેશન સિસ્ટમનો દુરુપયોગ કરનારા પર તૂટી પડવા સત્તાવાળાને છૂટ મળવા સાથે દરિયાપારની તેજસ્વી અને શ્રેષ્ઠ પ્રતિભાને યુકેમાં આકર્ષવામાં મદદ મળશે. જોકે, જોઈન્ટ કાઉન્સિલ ફોર ધ વેલ્ફેર ઓફ ઈમિગ્રન્ટ્સ દ્વારા ચેતવણી અપાઈ હતી કે આ યોજનાનો લાભ મેળવનારા લોકો બે વર્ષની મુદત પૂર્ણ થયા પછી યુકેમાં રહેવાનો પ્રયાસ કરશે તો દેશનિકાલનું લક્ષ્ય બની જશે.
ભારતના વિદેશ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી સંદીપ ચક્રબોર્તીએ નવી દિલ્હીમાં આ માહિતી આપતાં કહ્યું હતું કે, યુકેમાં વસતા કોઈપણ ભારતીય નાગરિક પાસે કોઈ ડોક્યુમેન્ટ્સ ના હોય, તેઓ ત્યાં કોઈ પ્રકારની મુશ્કેલીમાં હોય અથવા તો તેમને નાગરિકત્ત્વ કે રેસિડેન્સી પરમિટ અપાતા ના હોય, તો તેમને પાછા ભારત લાવવા આપણી પવિત્ર ફરજ છે.
ગેરકાયદે માઈગ્રન્ટ્સનો મુદ્દો બન્ને દેશો વચ્ચે લગભગ ત્રણ વર્ષથી ઘર્ષણનું કારણ બન્યો હતો. એ વખતે બ્રિટને એવો દાવો કર્યો હતો કે લગભગ એક લાખ જેટલા ભારતીયો ગેરકાયદે માઈગ્રન્ટ તરીકે યુકેમાં વસવાટ કરી રહ્યા છે. ભારતે આ આંકડા સ્વીકાર્ય નહીં હોવાનું જણાવ્યું હતું.