ઇન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૪મી સપ્ટેમ્બરે મધ્ય પ્રદેશના ઇન્દોરમાં મસ્જિદની મુલાકાત લીધી હતી. વ્હોરા સમુદાયના ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીને મસ્જિદના દરવાજે ઊભા રહીને નરેન્દ્ર મોદીનું ગળે મળીને સ્વાગત કર્યું હતું અને તેઓ જ તેમને મંચ સુધી પણ લઇ આવ્યા હતા. અહીં કાર્યક્રમને સંબોધિત કરતાં મોદીએ કહ્યું કે વ્હોરા સમાજ દેશભક્તિનું ઉમદા ઉદાહરણ છે. વ્હોરા લોકો દુનિયામાં આપણી વસુધૈવ કુટુમ્બકમની પરંપરાને આગળ વધારી રહ્યા છે. મોદીએ આ પ્રસંગે સ્વચ્છ ભારતનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે દેશમાં સ્વચ્છતા જાળવવા સાથે આપણે આપણા દિલ અને આત્માને પણ સ્વચ્છ રાખવાનો છે.
હુસૈન સાહેબનો સંદેશ અગત્યનો
દાઉદી વ્હોરા સમુદાયના વખાણ કરતાં મોદીએ કહ્યું કે ઇમામ હુસૈનના પવિત્ર સંદેશને પોતાના જીવનમાં ઉતાર્યો છે અને સદીઓથી દેશ અને દુનિયા સુધી પૈગામ પહોંચાડ્યો. ઇમામ હુસૈન અમન અને ઇંસાફ માટે શહીદ થઇ ગયા. તેમણે અન્યાય અને અહંકારના વિરુદ્ધ પોતાનો અવાજ બુલંદ કર્યો હતો. તેમની આ શીખ જેટલી ત્યારે જરૂરી હતી, એટલું જ આજની દુનિયા માટે અગત્યનું છે.
મોદીએ કહ્યું કે આ પરંપરાઓનો પ્રચાર કરવાની આવશ્યકતા છે. મને વિશ્વાસ છે કે સૈયદના સાહેબ અને વ્હોરા સમાજનો એક-એક જન તેમાં જોડાયેલો છે. મોદીએ કહ્યું કે વસુધૈવ કુંટુમ્બકમની આપણા સમાજ અને વારસાની આ શક્તિ છે જે આપણને દુનિયાના બીજા દેશોથી અલગ ઓળખ આપે છે. તેમણે કહ્યું કે ઐક્યભાવથી વ્હોરા સમુદાય આખી દુનિયાને સુંદર સંદેશો આપે છે. હું દુનિયામાં જયાં પણ જાઉં છું ત્યાં શાંતિ અને વિકાસ માટે વિવિધ સમાજના યોગદાનની વાતો ચોક્કસ કરું છું. શાંતિ, સદ્ભાવના, સત્યાગ્રહ, રાષ્ટ્રવાદ, અને સૌહાર્દના પ્રત્યે વ્હોરા સમુદાયની ભૂમિકા હંમેશા મહત્ત્વપૂર્ણ છે. સૈયદનાસાહેબ હંમેશા દેશ અને સમાજ માટે કામ કરવાની પ્રેરણા આપતા રહ્યાં છે.
સૈફી વિલામાં રોકાયા ગાંધીજી
મોદીએ ભૂતકાળને વાગોળતાં કહ્યું કે, મહાત્મા ગાંધીની વ્હોરા સમુદાયના વડા સાથે વર્ષો પહેલાં મુલાકાત થઇ હતી અને ઇન્દોરમાં સૈફી વિલામાં તેઓ રોકાયા હતા. આ જગ્યાને જોકે પછીથી રાષ્ટ્રને સમર્પિત કરી દેવાઇ હતી. વ્હોરા સમુદાય સાથે મારો જૂનો સંબંધ રહ્યો છે. આજે પણ મારા દરવાજા તમારા પરિવારજનો માટે હંમેશા ખુલ્લા રહ્યાં છે. મને પૂરો વિશ્વાસ છે કે તમારો અને તમારા આખા પરિવારનો સ્નેહ મારા પર અપરંપાર રહેશે. ગુજરાતનું કદાચ જ કોઇ ગામ એવું હશે, જયાં વ્હોરા સમાજના કોઇ પ્રતિનિધિ વેપારીને મળ્યો નહીં હોઉં. જ્યારે હું ગુજરાતનો મુખ્ય પ્રધાન હતો ત્યારે વ્હોરા સમુદાયે કદમ-કદમ પર મને સાથ આપ્યો હતો.
કુપોષણની લડાઈની વાત યાદ કરી
મોદીએ કુપોષણની વાતને યાદ કરતાં કહ્યું હતું કે આજથી થોડાંક પહેલાં મેં એક કાર્યક્રમમાં કુપોષણની વિરુદ્ધ લડાઇ માટે વ્હોરા સમાજ પાસે સહયોગ માગ્યો હતો. વ્હોરા સમાજે અને સૈયદનાસાહેબે ખભેખભા મિલાવીને તન મન ધનથી તે અંગે સહયોગ પૂરો પાડ્યો હતો. સંજોગ તો જુઓ કે જયારે વ્હોરા સમુદાય અશરા મુબારકના મોકાની તૈયારીમાં રત છે ત્યારે આખા દેશમાં પોષણ માસ મનાવાઇ રહ્યો છે.
કમ્યુનિટી કિચનના વખાણ
મોદીએ કહ્યું કે, કમ્યુનિટી કિચનના માધ્યમથી વ્હોરા સમાજ ખૂબ જ મહત્ત્વનો અને ભાઈચારાની ભાવનાનો સંદેશ ફેલાવી રહ્યો છે. આ સરાહનીય કાર્ય મનુષ્યમાં અન્ય મનુષ્ય પ્રત્યે દયા અને કરુણાને જન્મ આપે છે. કમ્યુનિટી કિચન દ્વારા સમાજનું કોઇ વ્યક્તિ ભૂખ્યુ ના સૂએ તેવો સદ્ભાવ આપે છે. સમાજના કેટલાય દયાળુઓ સ્વાસ્થ્યનું ધ્યાન રાખતાં કેટલીય હોસ્પિટલ ચલાવે છે અને સમાજના પ્રયાસોથી અત્યાર સુધીમાં ૧૧૦૦૦ લોકોને પોતાનું ઘર પણ મળી ચૂકયું છે. હવે સરકાર પણ બધાને ઘર આપવાના પ્રયત્નમાં છે. ૨૦૨૨ સુધી આ યોજના પરિપૂર્ણ કરવાનું લક્ષ્ય છે. એક કોરોડ લોકોને અત્યાર સુધીમાં સરકારે ઘરની ચાવી આપી છે. મોદીએ કહ્યું કે વ્હોરા સમાજના સુકાર્યો સમાજને જે ઉદાહરણ પૂરાં પાડે છે તે સામાન્ય માનવીથી લઈને મહાન વ્યક્તિઓ માટે પણ સાચી શીખ સમાન હોય છે.