વાજપેયી માનતા હતા કે ગોધરાકાંડ પછીનાં રમખાણો એક ભૂલ હતી

Monday 06th July 2015 09:36 EDT
 
 

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર સામે એક પછી એક નવી સમસ્યાઓ આવી રહી છે. પહેલા લલિત મોદી વિવાદ, મહારાષ્ટ્રમાં પ્રધાનોનાં કૌભાંડોના આરોપોથી ઘેરાયેલી ભાજપ સરકાર સામે હવે મુશ્કેલી આવી છે. ભારતની જાસૂસી સંસ્થા રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રો)ના ભૂતપૂર્વ વડા એ. એસ. દુલાતે પોતાના પુસ્તક અને એક ટેલિવિઝન ન્યૂઝ ચેનલને આપેલી મુલાકાતથી ભારતમાં રાજકીય ભૂકંપ આવ્યો છે. અટલબિહારી વાજપેયીનાં નેતૃત્વ હેઠળની એનડીએ સરકારના શાસનમાં થયેલાં ગુજરાતનાં રમખાણો અને કંદહાર વિમાન અપહરણકાંડ પર દુલાતે કરેલા દાવાથી વિરોધ પક્ષને એક નવો મુદ્દો મળ્યો છે. ડિસેમ્બર ૧૯૯૯માં આતંકવાદીઓ દ્વારા ઇન્ડિયન એરલાઇન્સનું વિમાન અપહરણ કરાયું ત્યારે રોના વડા એ. એસ. દુલાત ક્રાઇસિસ મેનેજમેન્ટના સભ્ય હતા, તેમણે વાજપેયીના શાસનમાં કાશ્મીરની સ્થિતિ પર લખેલાં પુસ્તક અને ગત સપ્તાહે કરણ થાપર શોમાં કરેલા દાવા પ્રમાણે વર્ષ ૨૦૦૨નાં ગુજરાતના કોમી રમખાણો પર તત્કાલીન વડા પ્રધાન વાજપેયીએ નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, તે અમારી ભૂલ હતી. કંદહાર અપહરણકાંડ અંગે દુલાતે જણાવ્યું હતું કે સરકારની અનિર્ણાયકતાને કારણે કંદહારકાંડે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. પ્રવાસીઓના જીવ જોખમમાં હોવાથી અમારામાંથી કોઇ નિર્ણય લેવા માગતું નહોતું. કોંગ્રેસે તો ૨૦૦૨નાં ગુજરાત રમખાણો માટે રાજ્યના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની માફીની માગ કરી હતી, તે ઉપરાંત તત્કાલીન એનડીએ સરકાર પર આતંકવાદીઓને મુક્ત થવાની સગવડ આપવાનો આરોપ મૂક્યો હતો, જોકે ભાજપે આવી કોઇ અનિર્ણાયકતાનો આરોપ ફગાવ્યો હતો. ભાજપે જણાવ્યું હતું કે, વાજપેયી સરકારે તમામ રાજકીય પક્ષો સાથે ચર્ચા કરીને નિર્ણય લીધા હતા.

દુલાતના જણાવ્યા મુજબ વાજપેયીએ ગુજરાતનાં કોમી રમખાણો મુદ્દે અત્યંત નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે આ કોમી રમખાણોને પોતાની ભૂલ ગણાવ્યા હતાં. વાજપેયી સાથેની પોતાની છેલ્લી મુલાકાતને ટાંકતાં દુલાતે ઉલ્લેખ કર્યો હતો કે ૨૦૦૨નાં ગુજરાતનાં રમખાણો પર પ્રતિભાવ આપતાં વાજપેયીએ કહ્યું હતું કે, ‘વોહ હમારે સે ગલતી હુઇ હૈ.’ વર્ષ ૨૦૦૦ સુધી રોના વડા રહેલા દુલાતને કાશ્મીર મુદ્દા પર વાજપેયીના વિશેષ સલાહકાર હતા. તેમણે જણાવ્યું હતું કે વાજપેયી માનતા રહ્યા હતા કે ગોધરાકાંડ પછીનાં રમખાણો એક ભૂલ હતી અને વર્ષ ૨૦૦૪ની ચૂંટણીમાં ગુજરાત રમખાણોને કારણે જ એનડીએની હાર થઇ હતી. આ વિજયને કોંગ્રેસ માની શકતી નહોતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter