ઉત્તરપ્રદેશમાં જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય મત્રક્ષેત્ર વારાણસીની કુલ ૪૮ બેઠકોમાંથી ૮ બેઠકો પર જ ભાજપના ઉમેદવારો જીતી શક્યા છે. મોદીએ દત્તક લીધેલા જયાપુરમાં ભાજપના અરુણસિંહને બસપાના રમેશ તિવારીએ હરાવ્યા હતા. કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહના સંસદીય મતક્ષેત્ર લખનઉમાં પણ ભાજપને ૨૮માંથી ચાર બેઠકો મળી છે તો કેન્દ્રીય પ્રધાન કલરાજ મિશ્રાના સંસદીય મતક્ષેત્ર દેવરિયામાં પણ ભાજપને ૫૬માંથી ૪૯ બેઠકો પર હાર મળી છે. આ જ રીતે કોંગ્રેસના પરંપરાગત ગઢ અમેઠી-રાયબરેલીમાં જિલ્લા પંચાયત સ્તરની બાવીસ બેઠકમાંથી ૨૧ બેઠકો ગુમાવી પડી છે.
કલ્યાણ-ડોંબીવલી ચૂંટણીમાં શિવસેનાની બાવન બેઠક: શિવસેના-ભાજપ વચ્ચેના આરોપપ્રત્યારોપને કારણે અતિશય પ્રતિષ્ઠાનો અને રાજ્યભરની જનતાનું ધ્યાન ખેંચનારી કલ્યાણ-ડોંબિવલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં શિવસેનાએ સૌથી વધુ બાવન બેઠકો પર જીત મેળવી ભગવો લહેરાવ્યો હોવા છતાં બહુમતિ માટેનો મેજિક ફિગર મેળવવા ૧૦ બેઠકની આવશ્યકતા છે. કુલ ૧૨૨ બેઠકમાંથી શિવસેનાને ૫૨, ભાજપને ૪૨, મનસેને ૮, કોંગ્રેસને ૪ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસને માત્ર ૨ બેઠકો મળી છે જ્યારે અપક્ષોએ ૧૧ બેઠકો પર જીત મેળવી છે.
અખિલેશ યાદવે પંજાબના નેતાને યુપીમાં કેબિનેટ પ્રધાન બનાવ્યાઃ ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન અખિલેશ યાદવે પોતાના પ્રધાનમંડળમાં ફેરફાર કરતાં ૨૯મી ઓક્ટોબરે ૮ પ્રધાનોને સસ્પેન્ડ કર્યાં અને ૯ પ્રધાનોને ખાતાઓ પરથી હટાવ્યા બાદ ઘોષણા કરી હતી કે, મુલાયમસિંહના મિત્ર અને પંજાબના નેતા બલવંતસિંહ રામુવાલિયાને પ્રધાનમંડળમાં સામેલ કરાયા છે. તો પહેલી નવેમ્બરે નવા પ્રધાનમંડળના શપથવિધિ સમારંભમાં રાજ્યપાલ રામ નાઇકે સમાપન દરમિયાન રાષ્ટ્રગાન અધવચ્ચે અટકાવીને સરદાર પટેલની જયંતીએ રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા હતા તેનાથી તેમના પર રાષ્ટ્રદોહનો આક્ષેપ થયો હતો જોકે, પછીથી વાતને વાળી લેતાં એવું ઘોષિત થયું હતું કે, તેમણે આવું ઇરાદાપૂર્વક કર્યું નથી. કુલ ૨૦ પ્રધાનોને નાઈકે શપથ લેવડાવ્યા હતા.