અમદાવાદ: ચૂંટણી પરિણામોથી સામાન્ય માણસને ભલે આંચકો લાગ્યો હોય પણ રાજકારણીઓ ખુશ છે. આ વખતનાં પરિણામો બધા નેતા રાજી થઈ જાય એવાં આવ્યાં છે. ભાજપને સ્પષ્ટ બહુમતી મળી ગઈ હોત તો ભાજપના નેતા જ ખુશ થયા હોત પણ કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી ના મળતાં બીજા પક્ષોના નેતા પણ ખુશ છે. આ નેતાઓનો કોઈ ભાવ નહોતું પૂછતું અને મીડિયા પણ તેમને ગણકારતું નહોતું પણ હવે રાષ્ટ્રીય સ્તરે તેમની ચર્ચા થઈ રહી છે.
• નરેન્દ્ર મોદીઃ ભાજપને ભલે સ્પષ્ટ બહુમતી ના મળી પણ એનડીએને સ્પષ્ટ બહુમતી મળી છે. મોદી હારની અપમાનજનક સ્થિતીમાં મુકાતાં બચી ગયા અને પોતાને સળંગ ત્રીજી વાર વડાપ્રધાન બનવા મળ્યું હોવાથી ખુશ છે.
• રાહુલ ગાંધીઃ સતત હારના કારણે રાહુલની ઈમેજ તરીકેની પડી ગઈ હતી. કોંગ્રેસ 99 બેઠકો સાથે ફરી બેઠી થઈ છે. રાહુલને નેતૃત્વને અંતે લોકોએ સ્વીકાર્યું છે. વિરોધીઓની બોલતી સાવ બંધ થઈ ગઈ છે તેથી રાહુલ ખુશ છે.
• મલ્લિકાર્જુન ખડગેઃ ખડગે માટે લોકસભાની આ પહેલી લોકસભા ચૂંટણી હતી. ખડગેને કોંગ્રેસને ફરી બેઠી કરવાનો યશ અપાય છે. પોતાના કાર્યકાળમાં કર્ણાટક, તેલંગાણા પછી રાષ્ટ્રીય સ્તરે પણ કોંગ્રેસને સફળતા મળતાં ખડગે ખુશ છે.
• અખિલેશ યાદવઃ ઉત્તર પ્રદેશમાં બે વિધાનસભા અને એક લોકસભા ચૂંટણીમાં હારના પગલે અખિલેશનો યોગી આદિત્યનાથ સામે કોઈ ક્લાસ નથી એવી ટીકા થતી હતી. આ વખતે જબરદસ્ત કમબેક કરીને અખિલેશ ખુશ છે.
• સોનિયા ગાંધીઃ રાહુલને મળી રહેલી નિષ્ફળતાઓના કારણે રાહુલ અને કોંગ્રેસ બંનેના ભાવિ અંગે સોનિયા ચિંતિત હતાં. લાંબા સંઘર્ષ પછી રાહુલના નેતૃત્વમાં કોંગ્રેસે શાનદાર દેખાવ કરતાં સોનિયાને દીકરો થાળે પડ્યાની ખુશી છે.
• મમતા બેનરજીઃ બંગાળમાંથી મમતાને ઉખાડવા અને પરેશાન કરવા ભાજપે પૂરી તાકાત લગાવી હતી. ચૂંટણીમાં ભાજપના મૂળીયા હાલી ગયા અને ટીએમસીને વધારે બેઠકો મળતા મમતા ખુશ છે.
• ઉદ્ધવ ઠાકરેઃ શિંદેના બળવાને કારણે ઉદ્ધવની છાપ બાળાસાહેબની શિવસેનાને સાચવી નહીં શકેલા નબળા નેતા તરીકેની પડી ગઈ હતી. ઉદ્ભવે વધુ બેઠકો જીતીને પોતાની અસલી શિવસેના હોવાનું સાબિત કરતાં ખુશ છે.
• નીતીશકુમારઃ નીતીશની રાજકીય કારકિર્દી પતી ગયેલી મનાતી હતી. ભાજપ મુખ્યમંત્રીપદેથી રવાના કરી દેશે એ ફફડાટ વચ્ચે જીવતા નીતીશ અચાનક જ કિંગમેકર અને રાષ્ટ્રીયસ્તરે સૌથી મહત્વના નેતા બની જતાં ખુશ છે.
• ચંદ્રાબાબુ નાયડુઃ જગન સામે હાર પછી ચંદ્રાબાબુને કોઈ ગંભીરતાથી નહોતું લેતું. ચંદ્રાબાબુ જેલમાં ગયા ત્યારે ભાજપના નેતા મળવા નહોતા આવ્યા. હવે અચાનક ભાજપવાળા આગળપાછળ ફરતા થઈ જતાં ચંદ્રાબાબુ ખુશ છે.
• શરદ પવારઃ અજીત પવારના બળવાને કારણે રાજકારણના ખેલંદા શરદ પવાર ઘરડા થઈ ગયા છે એવી ટીકા થવા માંડેલી. અજીત પવારનો સફાયો કરીને પવારે સર્વોપરિતા સાબિત કરી છે તેથી પવાર પણ ખુશ છે.
• ચૂંટણી પંચઃ ચૂંટણી પંચ સામે ચૂંટણી જાહેર થઈ ત્યાંથી પરિણામો જાહેર થવાના દિવસ સુધી વિવિધ આરોપો મુકાતા હતા. પરિણામો બાદ હવે ચૂંટણી પંચની પારદર્શકતા સિદ્ધ થઈ ગઈ છે તેથી ખુશ છે.
• ઈવીએમઃ આ ચૂંટણીમાં દરેક રાજકીય પક્ષોને લગભગ તેમની ધારણા પ્રમાણે પરિણામ મળ્યા હોય એમ જણાઈ રહ્યું છે. ખાસ કરીને વિપક્ષોના વોટ વધવાના કારણે ઈવીએમ ઉપર કોઈ ખોટા આક્ષેપો થયા ન હોવાથી ઈવીએમ ખૂબ જ ખુશ છે.
• મુખ્ય ચૂંટણી કમિશનરઃ મુખ્ય ચૂંટણી કમિશનર અને તેમના સાથી સામે કોઈ ખોટા આક્ષેપો થશે નહીં, સ્પષ્ટતા માટે કોઈ પ્રેસ કોન્ફરન્સો કરવી નહીં પડે તેથી તેઓ પણ ખુશ છે.
અને • પ્રજાઃ પ્રજાએ જનાદેશ થકી સંદેશો આપી દીધો તેના કારણે ખુશ છે. શેરબજારમાં કડાકો બોલ્યા બાદ વેચવાલીના સોદામાં કમાણી કરવા માગતા લોકો ખુશ છે.
તો પછી નાખુશ કોણ છે?
લોકોએ સોશિયલ મીડિયામાં મજા લીધી હતી કે, બધા જ જો એકંદરે ખુશ છે તો પછી નાખુશ કોણ છે. સમગ્ર દેશમાં પરિણામો બાદ સોંપો કેમ પડી ગયો છે.