વિદેશમાં છુપાવેલાં કાળા નાણા માટે નિયમો જાહેર

Monday 06th July 2015 09:58 EDT
 

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કાળા નાણા અંગેના કાયદા મુજબ વિદેશમાં થનારી આવક અને છુપાયેલી બેનામી સંપત્તિની ગણતરી માટે ગત સપ્તાહે નિયમો જાહેર કર્યા છે. જે ૧ જુલાઈથી અમલમાં આવ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી) દ્વારા જાહેર નિયમો મુજબ વિદેશમાં રહેલી સંપત્તિ કે જેમાં સ્થાવર મિલકત, દાગીના અને કિંમતી રત્નો, પુરાતત્વની દૃષ્ટિએ સંગ્રહ કરેલી વસ્તુઓ, પેઈન્ટિંગ્સ, શેર, જામીનગીરીઓ અને વિદેશમાં રહેલી અનલિસ્ટેડ કંપનીઓનાં શેરોનું મૂલ્યાંકન યોગ્ય બજાર કિંમતને આધારે કરાશે. વિદેશોમાં બેન્ક ખાતામાં મુકેલી રકમની ગણતરી જ્યારે ખાતા ખોલાયા હોય ત્યારે તેમાં મુકાયેલી રકમ સહિતની તમામ ડિપોઝિટ્સને ધ્યાનમાં લઈને કરાશે. સ્થાવર મિલકતનું બજાર મૂલ્ય આ મિલકત જ્યારે ખરીદી હોય તેની કિંમત કરતા વધુ રહેશે અથવા મૂલ્યાંકનની તારીખે ખુલ્લાં બજારમાં તેની જે કિંમત ઉપજે તેનાં કરતા ઊંચી રહેશે.

માહિતી આપવાની મુદ્ત

વિદેશોમાં બેનામી સંપત્તિ છુપાવનારને તેમના આવા કાળા કરતૂતમાંથી નિર્દોષ સાબિત થવા માટે બ્લેક મની (વિદેશમાં બેનામી આવક અને સંપત્તિ) એન્ડ ઈમ્પોઝિશન ઓફ ટેક્સ એક્ટ ૨૦૧૫ હેઠળ એક જ વખત માટે તેમની આવક અને સંપત્તિ જાહેર કરવા માટે ૯૦ દિવસની મુદત આપવામાં આવી છે.

૩૧ ડિસેમ્બર સુધી ટેક્સ-દંડ ભરી શકાશે

૩૦ સપ્ટેમ્બર સુધીની મુદતમાં જેમણે કોઈપણ આવક કે સંપત્તિ જાહેર કરી હશે તેમણે કુલ ૬૦ ટકા ટેક્સ અને દંડ ભરવાનો રહેશે. તેઓ જાહેર કરેલી આવક અને સંપત્તિ પર ૩૧ ડિસેમ્બર સુધીમાં ટેક્સ અને દંડની રકમ ભરી શકશે. જાહેર કરાયેલા નિયમો મુજબ વિદેશી આવક અને સંપત્તિનાં મૂલ્યને ધ્યાનમાં લઈને સરકારે નક્કી કરેલા ગાળા માટે અને તે સમય પૂરો થયા પછીનાં તબક્કા માટે એમ બંને રીતે ટેક્સ અને દંડની રકમની ગણતરી કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter