નવી દિલ્હીઃ ભારત સરકારે એનઆરઆઇ, ઓવરસિઝ સિટીઝન ઓફ ઇન્ડિયા (ઓસીઆઇ) માટે અને પર્સન ઓફ ઇંડિયન ઓરિજિન (પીઆઇઓ) માટે સીધા વિદેશી મૂડીરોકાણ (એફડીઆઇ)ના નિયમોને હળવા કરવાનો નિર્ણય લીધો છે. દેશમાં મૂડીપ્રવાહ વધારવાના ઉદ્દેશ સાથે આ પગલું લેવાયું છે. આર્થિક બાબતો અંગેની કેબિનેટ કમિટીએ ૨૧ મેના રોજ આ નિર્ણય કર્યો હતો. આ કમિટીનું નેતૃત્વ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખુદ સંભાળે છે.
એક સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય કેબિનેટે એનઆરઆઇ, પીઆઇઓ અને ઓસીઆઇ દ્વારા કરાતા રોકાણ માટેની એફડીઆઇ નીતિમાં સુધારાને મંજૂરી આપી છે. તેનાથી અર્થતંત્ર તથા શિક્ષણમાં પીઆઇઓ અને ઓસીઆઇને એનઆરઆઇની સમકક્ષ સ્થાન મળશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, એનઆરઆઇ, પીઆઇઓ અને ઓસીઆઇ માટે એફડીઆઇમાં સુધારો ભારે માત્રામાં વિદેશી રેમિટન્સ તથા રોકાણમાં પરિણમશે.
ડીઆઇપીપીની દરખાસ્ત અનુસાર, એનઆરઆઇ, પીઆઇઓ અને ઓસીઆઇ દ્વારા તેમના ભારત ખાતેના ખાતામાંથી કરાતા કોઈ પણ રોકાણને વિદેશી મૂડીરોકાણ તરીકે ગણવામાં નહીં આવે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, એનઆરઆઇના વિદેશી ફંડને સ્થાનિક ભંડોળ તરીકે ગણવામાં આવશે.
સરકાર ઇચ્છે છે કે, એનઆરઆઇ દ્વારા વિદેશી રોકાણને ઘરઆંગણાના રોકાણ તરીકે ગણીને એવા એનઆરઆઇના ભંડોળને ચેનલાઇઝ કરવામાં આવે, જેમણે હવે વિદેશમાં મોટા બિઝનેસ સ્થાપી દીધા છે. વ્યાખ્યા અનુસાર, એનઆરઆઇ એવા વ્યક્તિ છે કે જે ભારતની બહાર વસવાટ કરે છે, પરંતુ ભારતીય નાગરિક છે. નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે સંરક્ષણ, રેલવે, કન્સ્ટ્રકશન ડેવલપમેન્ટ, મેડિકલ ડિવાઇસ અને વીમા જેવા ક્ષેત્રો માટે એફડીઆઇની નીતિ હળવી કરી છે. હવે એનઆરઆઇ, પીઆઇઓ અને ઓસીઆઇનું રોકાણ મેળવવા માગે છે.
---------