ઇંદોરઃ ભારત સરકારના નાણાંમંત્રી નિર્મલા સીતારામનનું કહેવું છે કે, વિદેશમાં રહેતા ભારતીયોનું રેમિટન્સ ૧૨ ટકા વધીને લગભગ ૧૦૦ બિલિયન ડોલરે પહોંચ્યું છે. તેમણે તાજેતરમાં પ્રવાસી ભારતીય દિવસને સંબોધતાં નોન-રેસિડન્ટ ઇંડિયન્સ (NRI)ના યોગદાનની પ્રશંસા કરી હતી. નાણામંત્રીએ NRIsને ‘ભારતના સાચા એમ્બેસેડર્સ’ ગણાવ્યા હતા અને તેમને શક્ય હોય ત્યાં સુધી ‘મેડ ઇન ઇન્ડિયા’ પ્રોડક્ટ્સ અને સેવાઓના ઉપયોગનો આગ્રહ કર્યો હતો. જેથી વિશ્વભરમાં ભારતની બ્રાન્ડનો પ્રચાર થઈ શકે.
સીતારામને જણાવ્યું હતું કે, વિશ્વ ‘ચાઇના પ્લસ વન પોલિસી’ પછી હવે ‘યુરોપિયન યુનિયન (ઇયુ) પ્લસ વન પોલિસી’ની ચર્ચા કરી રહ્યું છે. સરકાર એક દેશ તરીકે ભારતને મજબૂત રીતે મલ્ટિનેશનલ કંપનીઓ સામે રજૂ કરી રહી છે અને દેશમાં તેમને નવી ફેક્ટરી સ્થાપવાનું આમંત્રણ આપી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય સમુદાયે દેશના નાના અને મોટા બિઝનેસમેન સાથે ભાગીદારી કરવી જોઇએ. જેથી ‘અમૃત કાળ’ના આગામી 25 વર્ષમાં NRIsની ઉદ્યોગ સાહસિકતા અંગેની નિપુણતાનો લાભ મેળવી શકાય.
નાણામંત્રીએ જણાવ્યું હતું કે, ‘ભારતમાંથી અન્ય દેશોમાં રહેવા ગયેલા અને ત્યાંથી દેશમાં નાણાં મોકલતા રેમિટન્સની રકમ 2022માં લગભગ 100 બિલિયન પહોંચી છે. 2021ની તુલનામાં આ રકમ 12 ટકા વધુ છે. મહામારીના એક વર્ષમાં લોકો એવું વિચારવા માંડ્યા હતા કે ભારતીય કામદારો ફરી વિદેશ નહીં જાય. તે વિદેશ તો ગયા જ પણ તેમને અન્ય દેશોમાં વધુ સારી રોજગારી મળી. એક જ વર્ષમાં તેમનું રેમિટન્સ 12 ટકા વધ્યું છે.’
સીતારામને આઇટી, ડિજિટલ ટેક્નોલોજી, ઓટોમોબાઇલ, સેમિકંડક્ટર ડિઝાઇનિંગ, ફાર્મા મેન્યુફેક્ચરિંગ અને અન્ય ક્ષેત્રોમાં ભારતીયોના પ્રભુત્વનો હવાલો આપી જણાવ્યું હતું કે, દેશ જ્ઞાન અને પ્રગતિનું વૈશ્વિક હબ બની રહ્યું છે. અમૃત કાળમાં ભારત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્વેસ્ટમેન્ટ, ઇનોવેશન અને ઇન્ક્લુઝન પર કામ કરશે.