નવી દિલ્હી: નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬માં વિદેશમાં વસતા ભારતીયો દ્વારા ભારતમાં મોકલાતી રકમ ૨૭ ટકા ઘટીને ૪૮ અબજ ડોલર રહી હતી. આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ ઓઇલ ક્ષેત્રમાં ચાલી રહેલી મંદી છે. આ મંદીને કારણે ખાડી દેશોમાં કાર્યરત અનેક ભારતીયોને પોતાની નોકરી ગુમાવવી પડી છે અને તે પૈકીના અનેકને ભારત પરત આવવાનો વારો આવ્યો છે.
વિદેશમાં વસતા ભારતીયો જે રકમ ભારતમાં મોકલતા તેમાં મોટા ભાગનો હિસ્સો ખાડી દેશોમાં કાર્યરત ભારતીયોનું છે. એક અંદાજ મુજબ ખાડી દેશોમાં ૭૦ લાખ ભારતીયો નોકરી કરે છે. જોકે મંદીને કારણે અનેક ભારતીયોને ભારત પરત આવવાની ફરજ પડી છે. આ વર્ષની શરૂઆતમાં જ કતારે ૧૦૦૦ ભારતીય પ્રોફેશનલોને ઘરભેગાં કરી દીધાં હતાં. અર્થશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને ભારતીય અર્થતંત્ર માટે આ સારી બાબત નથી. છેલ્લા બે વર્ષોમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટવાથી ભારતીય અર્થતંત્રને ભલે ફાયદો થયો હોય પણ વિદેશથી આવતા નાણાનો પ્રવાહ ઘટયો છે.