પૂણેઃ ભારત દેશ જ્યારે સ્વતંત્રતાનાં 75મા વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે વિદેશી ચીજો પરની ગુલામી અને અવલંબન ઘટાડવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને હાકલ કરી છે. જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (JITO)ની ‘JITO Connect - 2022’ બિઝનેસ મીટનું વોકલ ફોર લોકલનો મંત્ર અપનાવવા અનુરોધ કર્યો હતો. મોદીએ કહ્યું હતું કે આગામી 25 વર્ષમાં સ્વર્ણિમ ભારતનાં નિર્માણનો સંકલ્પ કરો.
મોદીએ કહ્યું કે દેશમાં આજકાલ ટેલેન્ટ, ટ્રેડ અને ટેકનોલોજીને વધુમાં વધુ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. દેશમાં દરરોજ સંખ્યાબંધ સ્ટાર્ટઅપ્સનું રજિસ્ટ્રેશન કરાઇ રહ્યું છે. દર અઠવાડિયે યુનિકોર્ન સ્થપાઈ રહ્યા છે. આત્મનિર્ભર ભારત એ આપણો રસ્તો પણ છે અને સંકલ્પ પણ છે. અંતરિયાળ ગામડાનાં લોકો અને નાના દુકાનદારો તેમજ સેલ્ફ હેલ્પ ગ્રૂપો સીધેસીધો તેમનો માલસામાન અને ઉત્પાદનો સરકારને વેચી શકે છે. GeM પોર્ટલ પર 40 લાખથી વધુ વેચાણકારો જોડાયા છે. ન્યૂ ઇન્ડિયાનો ઉદય સૌને આ રીતે જોડે છે. સરકારની કામગીરી અને વહીવટ પારદર્શક પારદર્શક બન્યો છે.
આખી દુનિયા ભારત તરફ વિશ્વાસ સાથે જોઈ રહી છે
આજે આખી દુનિયા ભારતનાં વિકાસનાં સંકલ્પોને પોતાનાં લક્ષ્યાંકો સિદ્ધ કરવાનું સાધન માની રહી છે. વૈશ્વિક શાંતિ હોય કે સમૃદ્ધ હોય કે વૈશ્વિક પ્રકારોને લગતા સમાધાન હોય આખી દુનિયા ભારત તરફ વિશ્વાસ સાથે જોઈ રહી છે. ભવિષ્યનો આપણો રસ્તો અને મંજિલ બંને સ્પષ્ટ છે. આત્મનિર્ભર ભારત આપણો રસ્તો પણ છે અને સંકલ્પ પણ છે. આ કોઈ સરકારનો નહીં પણ 130 કરોડથી વધુ ભારતવાસીઓનો સંકલ્પ છે. વીતેલા વર્ષોમાં આપણે તેના માટે જરૂરી માહોલ બનાવવા અથાગ પરિશ્રમ કર્યો છે.
આધુનિક ટેકનોલોજી લોકોપયોગી બનાવો
દેશમાં નવો ઉત્સાહનો સંચાર થઈ રહ્યો છે. તમામ જિલ્લાને હેલ્થ કેર સુવિધાથી જોડવામાં આવ્યા છે. નવી મેડિકલ કોલેજોને ઉપયોગી બનાવાનાં વિચારો કરો. નવી ટેકનોલોજીને લોકો સુધી લઈ જાઓ. આધુનિક ટેકનોલોજી કેવી રીતે લોકો માટે ઉપયોગી બને તે વિચારો. નેચરલ ફાર્મિંગ, ફાર્મિંગ ટેકનોલોજી અને ફૂડ પ્રોસેસિંગ સેકટરમાં વધુને વધુ રોકાણ કરો. આપ સૌ અર્થ એટલે પૃથ્વી અને ઇ એટલે પર્યાવરણની સમૃદ્ધિમાં રોકાણ કરો.