શ્રીનગરઃ કાશ્મીરના હંદવાડા વિસ્તારમાં વિદ્યાર્થિનીની સેનાના જવાન દ્વારા કથિત છેડતીની ઘટના પછી ૧૬મીએ ખીણ વિસ્તારમાં ફાટી નીકળેલી હિંસામાં પાંચ કાશ્મીરીઓનાં મોત થયા બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી છે. ૧૬મી એપ્રિલે પણ તણાવ જારી રહેતાં સત્તાવાળાઓએ ઉત્તર અને દક્ષિણ કાશ્મીરના વિસ્તારો અને શ્રીનગર શહેરના વિસ્તારોમાં કર્ફ્યુ જારી રાખવાનો નિર્ણય લીધો હતો. ૧૫મી એપ્રિલે સેનાના ગોળીબારમાં કુપવાડા જિલ્લામાં ધોરણ ૧૧માં અભ્યાસ કરતા ૧૮ વર્ષીય વિદ્યાર્થીનાં મોત બાદ તણાવ વધુ ઉગ્ર બન્યો હતો. છેલ્લા ૪ દિવસમાં ઉત્તર કાશ્મીરમાં સેના અને તોફાનીઓ વચ્ચેની હિંસક અથડામણોમાં પાંચ વ્યક્તિનાં મોત થયાં છે. દરમિયાન કેન્દ્ર સરકારે કાશ્મીર ખીણમાં અર્ધલશ્કરીદળોના વધારાના ૩,૬૦૦ જવાનો મોકલવાનો નિર્ણય લીધો છે.
બીજી તરફ વિદ્યાર્થિનીના પરિવારે કહ્યું છે કે, સેના દ્વારા જારી કરાયેલા વીડિયોમાં વિદ્યાર્થિની પાસે કબૂલાત કરાવી છે કે આવી ઘટનામાં તેની ગરસમજ થઈ છે અને ઘટનામાં લશ્કરી જવાનનો વાંક નથી. તે વીડિયોમાં બળજબરીથી વિદ્યાર્થિનીનું નિવેદન લેવાયું છે. વિદ્યાર્થિનીના પરિવારે કોર્ટમાં પહોંચીને મામલાની સ્વતંત્ર તપાસની માગ પણ કરી છે. વિદ્યાર્થિનીની માતાએ આરોપ મૂક્યો છે કે, વીડિયોમાં મારી દીકરી પાસે બળજબરીથી નિવેદન લેવાયું હતું કે સેનાના જવાને તેની છેડતી કરી નહોતી. સ્થાનિક યુવકો દ્વારા તેની છેડતી કરી હોવાનું નિવેદન આપવા કિશોરીને મજબૂર કરાઈ હતી.
કિશોરીની માતાએ ઘટના વિશે જણાવતાં કહ્યું છે કે, મારી દીકરીની હાલમાં ધરપકડ કરી લેવાઈ છે. મારી દીકરી અને અન્ય વિદ્યાર્થિનીઓ શાળામાંથી પરત ફરી રહી હતી ત્યારે મારી દીકરી બાથરૂમમાં ગઈ ત્યારે સેનાના જવાને તેનો પીછો કર્યો હતો. જવાનને જોતાં તેણે બુમરાણ મચાવી હતી. પોલીસ પણ ત્યાં દોડી આવી હતી, પરંતુ સેનાનો જવાન નાસી ગયો હતો.
કયા કાયદા અંતર્ગત વિદ્યાર્થિનીની અટકાયત કરી?: હાઈ કોર્ટ
જમ્મુ-કાશ્મીર હાઈ કોર્ટે ૧૬મીએ પોલીસને સવાલ કર્યો હતો કે, તમે કયા કાયદા અંતર્ગત ૧૬ વર્ષની યુવતીની અટકાયત કરી છે? યુવતીની માતા તાજા બેગમે હાઈ કોર્ટમાં અપીલ કરતાં દીકરી અને અન્ય બે પરિવારજનોને પોલીસની ગેરકાયદે અટકાયતમાંથી મુક્ત કરવાની માગ કરી હતી. હાઈ કોર્ટે વિદ્યાર્થિનીને હંદવાડાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી નિવેદન નોંધવાનો આદેશ આપ્યો છે.