ચેન્નઈઃ તામિલનાડુ સરકારને હાલમાં અનોખી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અહીં કેટલાક ફીમેલ ટીચર્સની પોતાના વિદ્યાર્થીઓ સાથે ભાગી જવાની ઘટનાઓ બહાર આવી છે. જોકે આ સમસ્યા કરતાં વધુ અજીબ છે ટીચર્સ એસોસિએશન દ્વારા કાઢવામાં આવેલું તેનું સમાધાન. એસોસિએશને ફીમેલ ટીચર્સને સલાહ આપી છે કે તેઓ વકીલોની જેમ કાળું લાંબું ગાઉન પહેરે, જેથી વિદ્યાર્થીઓ તેમના તરફ આકર્ષિત ન થાય.
એક વેબસાઇટ પર પ્રકાશિત એક રિપોર્ટ મુજબ આ અજીબ સલાહ રાજ્યમાં બે ઘટનાઓ બાદ અપાઈ છે. ૩૧ માર્ચના રોજ ૨૬ વર્ષની એક ટીચર્સ ૧૬ વર્ષના વિદ્યાર્થી સાથે ભાગી ગઈ. આ પછી ૨૨ વર્ષની બીજી શિક્ષિકા ૨૦ વર્ષના વિદ્યાર્થી સાથે ભાગી ગઈ. તેનાથી પરેશાન થઈને રાજ્ય સરકારે એક ઇન્ફોર્મલ કમિટી બનાવી અને ટીચર્સ એસોશિયેશન પાસે આ અંગે સલાહ માગી. એસોસિયેશને જે સલાહ આપી તેની હવે સોશિયલ મીડિયામાં ખૂબ જ મજાક થઈ રહી છે.
એસોસિયેશને કહ્યું કે ફીમેલ ટીચર્સને વકીલોની જેમ કાળું લાંબું ગાઉન પહેરીને આવવાનો નિયમ બનાવવામાં આવે. કલાસરૂમમાં મોબાઈલ લાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવે અને ટીચર્સ-વિદ્યાર્થીની વર્તણૂક પર નજર રાખવા માટે સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવે.
ટીચર્સ એસોસિયેશનનું માનવું છે કે આ બધું પશ્ચિમી સભ્યતા અને અંગપ્રદર્શનનું પરિણામ છે. એસોસિએશનના સભ્યોનું માનવું છે કે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે અને ટીચર્સે પોતાનું કામ કરવું જોઈએ. ફેશન પરસ્તીમાં લાગેલાં ન હોવું જોઈએ.
એસોસિયેશનના એક મેમ્બરે જણાવ્યું કે જો ટીચર્સ વેસ્ટર્ન કપડાં અને ટાઇટ ટીશર્ટ, જિન્સ અને ટૂંકા કપડાં પહેરશે તો વિદ્યાર્થીઓ તેમના તરફ આકર્ષિત થઈ શકે છે અને તેમનું ધ્યાન ભટકી શકે છે. એક સભ્યના જણાવ્યા મુજબ આજકાલ ટીચર્સ ક્લાસરૂમમાં સજીધજીને અને હેવી જ્વેલરી પહેરીને આવે છે, જે સ્કૂલના વાતાવરણ માટે યોગ્ય નથી. આવા સંજોગોમાં બાળકો ભણવા કરતા તેમના પર ધ્યાન કેન્દ્રિત કરવા લાગે છે. કેટલાક મેમ્બર્સને આ સલાહ ગમી નથી.