મુંબઇઃ મહાનગર પાલિકાની છ ગુજરાતી પ્રાથમિક શાળા અને ત્રણ ખાનગી અનુદાનીત ગુજરાતી શાળા બંધ કરાશે. સાથોસાથ મરાઠી માધ્યમની ત્રણ શાળા બંધ કરાશે. આ અંગેનો વહીવટીતંત્રને પ્રસ્તાવને શિક્ષણ સમિતિ સમક્ષ રજૂ કરાશે. આ પ્રસ્તાવને સ્વીકૃતિ મળશે તો શાળા બંધ થશે એવો ભય વાલીઓમાં વ્યાપ્યો છે.
મુંબઈ મહાનગરપાલિકા પ્રથમ શાળા ચલાવે છે. સાથોસાથ ખાનગી શાળાઓને અનુદાન આપીને પ્રાથમિક શાળા ચલાવે છે. જોકે ગત થોડાક વર્ષોથી વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ખાસ કરીને ગુજરાતી અને મરાઠી શાળાઓમાં વિદ્યાર્થીઓનો ઘટાડો થાય છે. હકીકતમાં અંગ્રેજી માધ્યમમાં બાળકોને અભ્યાસ કરવા મૂકતા હોવાથી ખાસ કરીને ગુજરાતી અને મરાઠી ભાષાની શાળાઓ બંધ થઈ રહી છે. ત્રણ ખાનગી અનુદાનિત ગુજરાતી માધ્યમની શાળાઓ બંધ થશે એમાં મલાડ (પૂર્વ)ની નિર્મલા મેમોરિયલ પ્રાથમિક શાળા, વિક્રોલીની આદર્શ વિદ્યાલય, દાદર મહિલા કલાકેન્દ્રનો સમાવેશ થાય છે.