નવી દિલ્હીઃ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સસ્તી એરલાન્સના ચેક ઇન બેગેજ માટે યાત્રીઓ પાસેથી નાણા વસૂલ કરવાનો પ્રસ્તાવ ફગાવ્યો છે. રાજ્યકક્ષાના ઉડ્ડયન પ્રધાન મહેશ શર્માએ જણાવ્યું કે યાત્રીઓ પર વધારાનો બોજો નાખી શકાય નહીં. સસ્તી એરલાઇન્સે આ બાબતના સંદર્ભમાં નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયને પ્રસ્તાવ આપ્યો હતો. જો આ પ્રસ્તાવ સ્વીકારવામાં આવે તો વિમાનના પ્રવાસીઓની સંખ્યા ઘટી શકે છે.
તેમણે જણાવ્યું કે વિમાન યાત્રા તરફ મધ્યમ વર્ગ આકર્ષિત થવાની આશા છે. જો હવે તેમને કિલો દીઠ સમાન માટે નાણાં આપવા પડશે તો તેઓ નિરાશ થશે અને વિમાનમાં પ્રવાસ કરવાનું ટાળશે. તેથી એરલાઇન્સ વર્તમાન વ્યવસ્થા ચાલુ રાખે અને સામાન વગર યાત્રા કરનારાઓને ઇન્સેટિવ આપે, એવી મારી ઇચ્છા છે. અત્યારે પ્રવાસી વિમાનમાં પોતાની સાથે ૧૫ કિલો સામાન મફતમાં લઈ જઈ શકે છે.