મુંબઈ: ક્રિકેટર વિરાટ કોહલીએ 2021માં સતત પાંચમા વર્ષે ભારતની સૌથી વધુ મૂલ્યવાન સેલિબ્રિટી બ્રાન્ડ તરીકેનું સ્થાન જાળવી રાખ્યું છે. ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાનપદેથી દૂર થયા બાદ આ વર્ષ કોહલીની બ્રાન્ડ વેલ્યૂમાં પાંચમાં ભાગનો ઘટાડો થયો હોવા છતાં તેને ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. કન્સલ્ટન્સી કંપની ડફ એન્ડ ફેલ્પ્સના રીપોર્ટ મુજબ કોહલીની બ્રાન્ડ વેલ્યૂ આશરે રૂ. 1,400 કરોડ (18.57 કરોડ ડોલર) અંદાજવામાં આવે છે, જે 2020ના 23.77 કરોડ ડોલર કરતાં ઓછી છે.
ફિલ્મ અભિનેતા રણવીર સિંહ બોલિવૂડના હરીફ અક્ષય કુમારને પાછળ રાખીને ભારતના બીજા ક્રમના સૌથી મૂલ્યવાન સેલિબ્રિટી બન્યા છે. રણવીર સિંહનું સેલિબ્રિટી મૂલ્ય 15.83 કરોડ ડોલર છે. અક્ષય કુમાર હવે 13.93 કરોડ ડોલરના બ્રાન્ડ વેલ્યૂ સાથે ત્રીજા ક્રમે છે. સૌથી વધુ બ્રાન્ડ વેલ્યૂ ધરાવતી સેલિબ્રિટીની યાદીમાં એક્ટ્રેસ આલિયા ભટ્ટ ચોથા સ્થાને છે. તેની બ્રાન્ડ વેલ્યૂ 6.81 કરોડ ડોલર છે. જોકે મહિલા સેલિબ્રિટીમાં તે ટોચના સ્થાને છે. દીપિકા પદુકોણ 5.16 કરોડ ડોલરના બ્રાન્ડ વેલ્યૂ સાથે સાતમા ક્રમે છે.
ટોપ-20માં બોલિવૂડનો દબદબો
કન્સલ્ટન્સી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અવિરલ જૈને જણાવ્યું હતું કે ટોચની 20 સેલિબ્રિટી બ્રાન્ડમાં બોલિવૂડ હસ્તીઓનો દબદબો ચાલુ રહ્યો છે, જ્યારે સચિન તેંડુલકર, રોહિત શર્મા અને પી.વી. સિંધુ જેવા સ્પોર્ટસપર્સન પણ આ યાદીમાં સામેલ છે. રણવીર સિંહ, આલિયા ભટ્ટ અને એમ.એસ. ધોનીની બ્રાન્ડ વેલ્યૂમાં અસાધારણ ઉછાળો આવ્યો છે.
કંપનીના એશિયા પેસિફિકના વેલ્યુએશન એડવાઇઝરીના વડા વરુણ ગુપ્તાએ જણાવ્યું હતું કે કંપનીઓ અને બ્રાન્ડે આ વર્ષે તેમની બ્રાન્ડની જાહેરખબર માટે સોશિયલ મીડિયા અને બીજા ઓનલાઇન પ્લેટફોર્મનો મોટાપાયે ઉપયોગ કર્યો છે. તેમણે પરંપરાગત માધ્યમમોને ઘણું ઓછું વેઇટેજ આપ્યું છે.
ટોચની 20 સેલિબ્રિટી દ્વારા એન્ડોર્સ કરાયેલી પ્રોડક્ટ્સની કુલ સંખ્યા વધીને 2021માં 376 થઈ હતી, જે 2020માં 357 હતી. છેલ્લાં બે વર્ષમાં સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ ક્ષેત્રમાં મોટા ફેરફાર આવ્યા છે. હવે સેલિબ્રિટી શબ્દ માત્ર બોલિવૂડના એક્ટર કે ટોચના ક્રિકેટર પૂરતો સીમિત નથી. તેમાં હવે સ્પોર્ટસ એથ્લીટ્સ અને સોશિયલ મીડિયાના પ્રભાવશાળી લોકો પણ સમાવેશ થયો છે. તેનું કારણ એ છે કે કોરોના મહામારીને કારણે સોશિયલ મીડિયાના ઉપયોગમાં વધારો થયો છે.
સૌથી વધુ બ્રન્ડ મૂલ્ય ધરાવતી હસ્તી
હસ્તી બ્રાન્ડ વેલ્યૂ
વિરાટ કોહલી 18.57 કરોડ ડોલર
રણવીર સિંહ 15.83 કરોડ ડોલર
અક્ષય કુમાર 13.93 કરોડ ડોલર
આલિયા ભટ્ટ 6.81 કરોડ ડોલર
દીપિકા પદુકોણ 5.16 કરોડ ડોલર