પ્રયાગરાજમાં 144 વર્ષના લાંબા અરસા બાદ યોજાયેલા ભવ્યાતિભવ્ય મહાકુંભના વિશાળકાય આયોજન અને તૈયારીઓ દુનિયાભરના મીડિયાની નજરે...
• આ દુનિયાનો સૌથી મોટો ધાર્મિક તહેવાર છે. છ સપ્તાહમાં 40 કરોડ લોકો આવશે તે આંકડો જ ચોંકાવનારો છે. આ માત્ર ધાર્મિક નહીં, પરંતુ સાંસ્કૃતિક પર્વ પણ છે. મહાકુંભમાં હિન્દુધર્મની સાથોસાથ ભારતની સંસ્કૃતિના દર્શન થાય છે. - સીએનએન
• 45 દિવસમાં અમેરિકાની વસતી કરતાં વધુ એટલે કે 40 કરોડ લોકો કુંભમેળામાં ભાગ લેશે. દર વર્ષે મક્કા-મદીનામાં 20 લાખ મુસ્લિમો હજયાત્રાએ જાય છે. તેની સરખામણીએ મહાકુંભમાં 200 ગણા વધુ શ્રદ્ધાળુ પવિત્ર સ્નાન કરશે. - એસોસિએટ પ્રેસ
• પ્રયાગરાજનો મહાકુંભ આયોજનની રીતે બેહદ ભવ્ય છે. અગાઉના બધા જ કુંભમેળાથી એનું આયોજન વધુ ભવ્ય અને બહેતર છે. તેનું ધાર્મિક ઉપરાંત રાજકીય મહત્ત્વ પણ છે. કુંભમેળો ભારતના ઉત્તર પ્રદેશમાં યોજાઈ રહ્યો છે. આયોજનમાં હિન્દુ એકતા દેખાય છે. જરૂરતમંદો માટે અને વૃદ્ધો માટે વિશેષ તબીબી સુવિધા થઇ છે તે પ્રશંસનીય છે. ભારતમાં ડિજિટલ ક્રાંતિ થઈ છે એની અસર કુંભમેળામાં પણ દેખાય છે. - ધ ગાર્ડિયન
• મહાકુંભ એટલે માનવતાનો સૌથી મોટો મેળવડો છે. દુનિયાનું સૌથી મોટું હિન્દુ પર્વ. આયોજન એટલું વિશાળ છે કે અંતરીક્ષમાંથી પણ તેને જોઈ શકાય છે. વિદેશીઓ પણ મહાકુંભના આકર્ષણથી બાકાત નથી. આર્જેટિનાથી લઇને અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા જેવા કેટલાય દેશોમાંથી લોકો અહીં પહોંચ્યા છે. 45 દિવસમાં 40 કરોડ લોકો મહાકુંભમાં આવશે એ જ મોટી વાત છે. - બીબીસી
• આટલા વિરાટ આયોજનમાં ફેસ રેકગ્નિશન ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે એ જોવા જેવો છે. એ એક રીતે કેસ સ્ટડી છે. તેનાથી લોકોની સુરક્ષા વધુ બહેતર બને છે. કોઈ ખોવાય જાય તો શોધવામાં પણ સરળતા રહેશે. ગંગાના પાણીને સ્વચ્છ રાખવા માટે જે ટેકનોલોજીનો ઉપયોગ થયો છે તેનો પણ અહેવાલમાં ઉલ્લેખ છે. - સ્કાય ન્યૂઝ
• મહાકુંભ હિંદુઓનો સૌથી મોટો તહેવાર છે. તેનું આયોજન ઘણાં સ્તરે કરાય છે અને બહુ સમય લાગે છે. આખું સરકારી તંત્ર એમાં દિવસ-રાત મહેનત કરે છે ત્યારે આ સ્તરે આયોજન પાર પડે છે. તાપમાન 15 ડિગ્રીથી નીચે પહોંચી જાય છે અને કાતિલ ઠંડીનું મોજું ફરી વળે છે છતાં લોકોનો સ્નાન કરવાનો ઉત્સાહ જોવા જેવો હોય છે. - એએફપી
• મહાકુંભ એટલે ધર્મ, અધ્યાત્મ અને પ્રવાસનનો અદ્ભુત સંગમ. કરોડો લોકો ગંગામાં પોતાના પાપ ધોવા માટે ડૂબકી લગાવે છે. આ પ્રકારનો ઉત્સવ અને ઉમંગ બીજે ક્યાંય દુર્લભ છે. સૌથી વધુ વસતિ હોય એવા દેશ માટે ભીડને કાબૂમાં કરવાનું કામ આસાન નથી હોતું, છતાં આ આયોજન બેનમૂન છે. તેમાં ભીડ બેકાબૂ બને તેવું જોખમ મંડરાતું રહે છે, છતાં લોકોનો વિશ્વાસ અખૂટ છે. સરકારી તંત્ર પણ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સતત મોનિટરિંગ કરે છે. - ધ રોઇટર્સ
• મહાકુંભ ભારતીયો માટે જ નહીં, વિદેશી નાગરિકો માટે પણ આગવું મહત્ત્વ ધરાવે છે. આંતરરાષ્ટ્રીય એકતા માટે આ મહાકુંભનું આયોજન જોવા જેવું છે. ધાર્મિક અભ્યાસ અને આધ્યાત્મિક અભ્યાસ માટે આ મહાકુંભ અદ્વિતીય છે. લોકોને પોતાની અંદર રહેલા સત્યને પામવા માટે આ મહાકુંભ મદદ કરે છે. - રેડિયો ફ્રાન્સ