નવી દિલ્હીઃ રવિવારે માત્ર ભારતમાં જ નહીં, વિશ્વભરમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે ભારત સહિત ૮૪ દેશોમાં યોગના કાર્યક્રમો યોજાયા હતા અને ભારતમાં તેનું નેતૃત્વ કર્યું હતું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ. સમગ્ર આયોજનની વિશ્વભરના અખબારી માધ્યમોમાં નોંધ લેવામાં આવી હતી. કેટલાક અગ્રણી અખબારોના અહેવાલના અંશ.
• બીબીસીઃ ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં ભાગ લેવાની વાત આશ્ચર્યજનક હતી. પ્રવચન બાદ તેઓ સ્ટેજ પરથી નીચે ઉતર્યા, પોતાની મેટ કાઢી અને યોગાસન કર્યા.
• સીએનએનઃ સંસ્કૃત શબ્દ યોગનો અર્થ થાય છે, જોડવું, પણ ભારતમાં કેટલાક લોકોને યોગે જેટલા વહેંચ્યા છે તેટલા કોઇએ નથી વહેંચ્યા. આમ તો, ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી વર્ષોથી યોગ કરી રહ્યા છે.
• ગાર્ડિયનઃ દુનિયાભરમાં યોગ ફેન્સે પ્રથમ યોગ દિવસ માટે પોતાની મેટ્સ બહાર કાઢી. ભારતના વડા પ્રધાન મોદીએ સૌથી મોટા યોગ ક્લાસનો વર્લ્ડ રેકોર્ડ બનાવવાના પ્રયાસનું નેતૃત્વ કર્યું.
• ટેલિગ્રાફઃ સૂર્યના ઊગવાની સાથે, ભારત ઉદયની સાથે નવો વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ. ભારતના વડા પ્રધાન મોદીએ આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું કે, કોણ જાણતું હતું કે, રાજપથ યોગપથ બની જશે.
• વોશિંગ્ટન ટાઇમ્સઃ લાખો લોકોએ પોતાના શરીર પાસે મુશ્કેલ આસનો કરાવ્યા. પ્રસંગ હતો આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો. વડા પ્રધાન મોદીએ તેનું નેતૃત્વ કર્યું હતું. તેમની સરકારે રાજપથને યોગપથ બનાવી દીધો.