ગુડગાંવ: વિશ્વ હિન્દુ પરિષદના સંરક્ષક અશોક સિંઘલનું ૧૮મી નવેમ્બરના રોજ નિધન થયું હતું. તેઓ નાદુરસ્ત તબિયતના કારણે છેલ્લા કેટલાક દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને વેન્ટિલેટર પર રાખવામાં આવેલા સિંઘલે ૧૮મીએ બપોરે ગુડગાંવની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં. ઉલ્લેખનીય છે કે ૧૮મી નવેમ્બરે સવારે જ અશોક સિંઘલના હાલચાલ પૂછવા ભાજપના વરિષ્ઠ નેતા એલ કે અડવાણી ગયા હતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ સિંઘલના હાલચાલ પૂછવા ટૂંક સમયમાં જ ગુડગાંવ જવાના હતા. વિશ્વ હિંન્દુ પરિષદના સંરક્ષક ૮૯ વર્ષીય અશોક સિંઘલની તબિયત કથળતાં તેમને ૧૪મી નવેમ્બરના રોજ ગુડગાંવની મેદાંતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલના તબીબોએ સિંઘળના નિધન બાદ શોક વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, અશોક સિંઘલની તબિયત ૧૭મી નવેમ્બરથી થોડી સુધારા પર હતી. તેઓ મુલાકાતીઓનું આંખોથી અભિવાદન પણ કરતા હતા. દરમિયાન તેમનું બ્લડ પ્રેશર પણ સામાન્ય થઈ રહ્યું હતું.