પ્રયાગરાજઃ પવિત્ર નગરી પ્રયાગરાજમાં 144ના વર્ષના લાંબા અંતરાલ બાદ યોજાયેલો મહાકુંભ શ્રદ્ધાની સાથોસાથ વેપારધંધાનો પણ મહાકુંભ બની રહ્યો છે. સનાતન ધર્મના આ સૌથી વિરાટ મેળાવડા દરમિયાન વિવિધ ચીજવસ્તુઓ અને સેવા મારફતે 3 લાખ કરોડ રૂપિયાના વ્યવસાય સાથે જ તે દેશની સૌથી મોટી આર્થિક ઘટના બની ચૂકી છે. વેપારીઓના રાષ્ટ્રીય સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએઆઇટી)ના સેક્રેટરી જનરલ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે વિશ્વના આ સૌથી મોટા મેળાએ શ્રદ્ધા અને અર્થતંત્ર વચ્ચે એક મજબૂત જોડાણ બનાવ્યું છે. 144 વર્ષ બાદ આયોજિત અને ગત 13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભ પર્વનું 26 ફેબ્રુઆરી - મહાશિવરાત્રિ પર્વે અંતિમ સ્નાન સાથે સમાપન થશે. જિંદગીભરમાં એક જ વખત મળતો આ લહાવો લેવા કરોડો શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચ્યા હતા. ખંડેલવાલે ઉમેર્યું હતું કે ઉત્તરપ્રદેશના અર્થતંત્રને વેગ મળ્યો છે અને વ્યવસાય માટે અનેક નવી તકોનું સર્જન થયું છે.
મહાકુંભને કારણે સ્થાનિક વેપારને વેગ મળ્યો છે. જેનું કારણ મહાકુંભની થીમ આધારિત પ્રોડક્ટ્સ છે.
જેમ કે ડાયરી, કેલેન્ડર, શણની બેગ તેમજ અન્ય સ્ટેશનરીની વધેલી માંગ છે. ઝીણવટભર્યા બ્રાન્ડિંગને કારણે પણ માલસામાનના વેચાણમાં ઉછાળો નોંધાયો છે. મહાકુંભની શરૂઆત પહેલા 40 કરોડ શ્રદ્ધાળુઓનું આગમન થવાનો અને આશરે 2 લાખ કરોડ રૂપિયાનો વ્યવસાય થવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું. જોકે, દેશભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડતાં મહાકુંભની પૂર્ણાહૂતિના ત્રણ દિવસ પહેલાં જ પવિત્ર સ્નાન કરનારાઓનો આંકડો 60 કરોડને પાર થઇ ગયો છે. આમ વ્યવસાય ૩ લાખ કરોડને આંબી ગયો છે.
આ મહાકુંભના કારણે, મહાકુંભની આર્થિક અસરોનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે હોસ્પિટાલિટી, ફૂડ એન્ડ બેવરેજીસ, ટ્રાન્સપોર્ટ લોજિસ્ટિક્સ, પૂજાસામગ્રી, ધાર્મિક પોશાક, હેન્ડિક્રાફ્ટ, ટેક્સટાઈલ્સ, કન્ઝ્યુમર ગુડ્સ, ટેલીકોમ, મોબાઈલ, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આધારિત ટેક્નોલોજી, સીસીટીવી કેમેરા જેવા સેક્ટર્સમાં મોટા પાયે વ્યવસાય નોંધાયો હતો.
પ્રયાગરાજ આસપાસનાં શહેરોમાં પણ વેપાર વધ્યો
મહાકુંભના માધ્યમથી થનારા આર્થિક ફાયદાઓ માત્ર પ્રયાગરાજ સુધી સીમિત નથી. પ્રયાગરાજથી 150 કિલોમીટરના અંતરે આવેલા શહેરો અને ગામોમાં પણ વ્યવસાયમાં તેજી જોવા મળતાં સ્થાનિક અર્થતંત્રને પણ મજબૂતી મળી છે. અયોધ્યા અને વારાણસી સહિતના ધાર્મિક સ્થળોએ ઉમટી પડેલો વિશાળ માનવમહેરામણ સ્થાનિક વેપાર-ઉદ્યોગ માટે લાભકારક પુરવાર થયો છે. આ વિસ્તારોમાં આર્થિક પ્રવૃત્તિઓમાં તીવ્ર ઉછાળો નોંધાયો છે.
દુનિયાએ નિહાળી આસ્થાની તાકાત
ઉત્તરપ્રદેશમાં વિપક્ષના નેતાઓ મહાકુંભને લઈને સતત સવાલ ઉઠાવી રહ્યા છે. આ બધા વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિપક્ષના નેતાઓ પર પલટવાર કરતો જવાબ પણ આપી દીધો છે. યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે મહાકુંભ મારફત દુનિયાએ આસ્થાની તાકાત જોઈ છે. પ્રયાગરાજ, કાશી અને અયોધ્યાએ ભારતનું પોટેન્શિયલ દેખાડયું છે. મહાકુંભના અદ્ભુત આયોજનનું આર્થિક પૂણ્ય ઉત્તરપ્રદેશને મળી રહ્યું છે. મુખ્યપ્રધાન યોગીએ સોમવારે યુવાન ઉદ્યોગપતિઓ સાથે વાર્તાલાપ દરમિયાન મહાકુંભના આયોજન પર સવાલ ઉઠાવનારા લોકોને જવાબ આપતાં જણાવ્યું હતું કે મહાકુંભનો વિરોધ કરનારા લોકોને જાણકારી હોવી જોઈએ કે મહાકુંભથી અમારી આવકમાં જોરદાર વૃદ્ધિ થઈ છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે સાથે મળીને મહાકુંભના આયોજન પાછળ રૂ. 7,500 કરોડનો ખર્ચ કર્યો હતો પણ તેના બદલામાં અર્થતંત્રને અત્યાર સુધીમાં ત્રણથી સાડા ત્રણ લાખ કરોડથી વધુ આવક થઈ હોવાનો પ્રાથમિક અંદાજ છે.