મુંબઇઃ વૈશ્વિક બજારોમાં સંકટના પગલે ભારતીય શેરમાર્કેટમાં પણ સોમવારે મંદીની સુનામી જોવા મળી હતી, અને બીએસઇ સેન્સેક્સમાં 2222 પોઇન્ટનો જ્યારે નિફ્ટી-50માં 662 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. ઈન્ટ્રા-ડેમાં તો સેન્સેક્સ 2700 અને નિફ્ટી 824 પોઈન્ટ ઘટયાં હતા. આ પ્રચંડ કડાકામાં રોકાણકારોની મૂડીમાં રૂ. 15.32 લાખ કરોડનું ધોવાણ થયું હતું અને માર્કેટકેપ ઘટીને રૂ. 441.84 લાખ કરોડ રહી હતી. ડોલર સામે રૂપિયો પણ ગગડી પ્રથમવાર 84ની સપાટી તોડી 84.09 બંધ રહ્યો હતો.
વૈશ્વિક બજારોમાં ઘટાડો લંબાશે તેવો અંદાજ છે પરંતુ ફેડરલ રિઝર્વની ઓચિંતી બેઠક વ્યાજદર ઘટાડીને સરપ્રાઈઝ આપી શકે છે જેના કારણે ઘટાડો સીમિત બની રહે તેવો અંદાજ છે. બજારમાં કડાકાનું મુખ્ય કેન્દ્રબિંદુ જાપાન હતું તો અમેરિકાની મંદીએ તેમાં બળતામાં ઘી હોમ્યું હતું. ભારતીય શેરબજારમાં ગભરાટ એટલે હદ સુધી વધ્યો હતો કે એક તબક્કે 500 શેરમાં નીચલી સર્કિટ જ્યારે એનએસઈમાં 320માં નીચલી સર્કિટ હતી. બીએસઇમાં માત્ર 664 વધનાર શેરો સામે 3414 ઘટનાર શેરો રહ્યા હતા. શેરબજારમાં સોમવારે જોવાયેલો ઘટાડો 2024નો બીજો સૌથી મોટો અને ચૂંટણી પરિણામ પછીનો પ્રથમ હતો. જ્યારે ઓલટાઈમ ઘટાડામાં છઠ્ઠા સ્થાને હતો.
વૈશ્વિક બજારોમાં પ્રચંડ કડાકા
માત્ર ભારતીય શેરબજારમાં જ નહીં, પરંતુ વિદેશી બજારોમાં પણ મોટા પાયે ધોવાણ જોવા મળ્યું છે. અમેરિકાથી જાપાન સુધીના શેરબજારોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. જાપાનના શેરબજારમાં 13 ટકાથી વધુનો ઘટાડો થયો છે, જે લગભગ ત્રણ દાયકાનો સૌથી મોટો ઘટાડો છે. બીજી તરફ અમેરિકામાં ડાઉ જોન્સ 1.51 ટકા ઘટ્યો છે, જ્યારે નાસ્ડેક કમ્પોઝિટ 2.43 ટકા તૂટ્યો હતો. એટલું જ નહીં, એસએન્ડપી-500 પણ 1.84 પોઇન્ટ ઘટ્યો હતો.
ક્યા પાંચ કારણ બજારને નડી ગયાં?
1) અમેરિકામાં બેકારી દર 3 વર્ષની ટોચે: અમેરિકામાં બેરોજગારીનો દર 3 વર્ષની ટોચે પહોંચી 4.3 ટકા રહ્યો છે, જે ઓક્ટોબર 2021 પછી સૌથી વધુ છે. 2) ઇઝરાયલ-ઇરાન યુદ્ધની આશંકાઃ વૈશ્વિક જિયો પોલિટિકલ ઇશ્યુની અસર વિશ્વભરના શેરબજારો પર જોવા મળી છે. જેમાં ઈઝરાયલ-ઈરાન વચ્ચે તણાવ વધવાની શક્યતા સામેલ છે.
3) જાપાને વ્યાજદર વધાર્યાઃ જાપાને તાજેતરમાં વ્યાજદર વધારતાં જાપાની યેન યુએસ ડોલર સામે મજબૂત બન્યો છે.
4) યુએસમાં મેન્યુફેક્ચરિંગના નબળા ડેટા: અમેરિકામાં ઉત્પાદનમાં મોટો ઘટાડો થયો છે. નવા ઓર્ડરમાં ઘટાડાથી જુલાઈમાં યુએસ મેન્યુ. આંક ઘટીને 46.8 થયો છે, જે છેલ્લા આઠ માસમાં સૌથી ઓછો આંક છે.
5) યુએસમાં આઇટી કંપનીઓમાં કટોકટીઃ અમેરિકન IT કંપનીઓમાં છટણીનો ટ્રેન્ડ ચાલે છે. ઘણી મોટી કંપનીઓમાં ઉથલપાથલ છે. આઈટીમાં છટણીની જાહેરાતથી વૈશ્વિક આઈટી સેક્ટર દબાણ હેઠળ છે.