વૈષ્ણૌદેવી: જગવિખ્યાત યાત્રાધામ વૈષ્ણોદેવી નજીક આવેલા ત્રિકુટ પર્વતના જંગલમાં ૧૮મીમેએ ભીષણ દાવાનળ ફાટી નીકળ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ વૈષ્ણોદેવીના બેઝ કેમ્પ બાલગંગા નજીક કટરા ગામના જંગલોમાં દાવાનળ ફાટી નીકળતાં ગભરાયેલા યાત્રિકોને સલામત સ્થળે ખસેડવા હેલિકોપ્ટરની મદદ લેવાઈ હતી.
જંગલમાં દાવાનાળને પગલે વૈષ્ણોદેવી હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ હતી અને યાત્રા સ્થગિત કરાઈ હતી. વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડે એરફોર્સને આગ બુઝાવવા વિનંતી કરી હતી. એરફોર્સે બે હેલિકોપ્ટરની મદદથી આકાશમાંથી પાણી છાંટી આગ બુઝાવવાની શરૂઆત કરી હતી. મોટા ભાગની આગ કાબૂમાં આવી ગઈ હોવાનું જણાવાયું હતું.
ઉત્તરાખંડમાં ગરમીનો પારો વધતાં ઉત્તરકાશી જિલ્લામાં ફરી દાવાનળ ફાટી નીકળ્યો હતો અને ૧૮૦ હેક્ટરના જંગલ બળીને ખાખ થયા હતા.
ઇસરોએ સેટેલાઇટ તસવીરો દ્વારા કરેલા અવલોકનોમાં ઉત્તર ભારતમાં છ સ્થળોએ દાવાનળ દેખાયો હતો. જેમાં ઉત્તરાખંડના પાંચ સ્થળો અને જમ્મુ કાશ્મીરનું એક સ્થળ હતું. ઉત્તરકાશી જિલ્લામાં ૧૧૧ સ્થળોએ દાવાનળ ફાટી નીકળ્યો હતો. ફેબ્રુઆરી પછી ઉત્તરાખંડમાં ૨૦૦ દાવાનળની ઘટના બની હતી.