વ્યાપમં કૌભાંડનું કવરેજ કરનાર પત્રકારનું શંકાસ્પદ મોત

Monday 06th July 2015 10:35 EDT
 

ઝાબુઆઃ મધ્યપ્રદેશનાં બહુચર્ચિત વ્યાપમં કૌભાંડનાં સમાચારોનું કવરેજ કરનાર એક ન્યૂઝ ચેનલના પત્રકારનું ૪ જુલાઇએ શંકાસ્પદ સ્થિતિમાં મોત થયું હતું. આ ઘટનાના બીજા દિવસે જબલપુર મેડિકલ કોલેજના ડીન અરુણ શર્મા દક્ષિણ દિલ્હીની એક હોટેલમાં શંકાસ્પદ હાલતમાં મૃત મળી આવ્યા હતા. આ કૌભાંડમાં સત્તાવાર રીતે ૨૬ વ્યક્તિના શંકાસ્પદ મોત થયા છે. જ્યારે મૃતકોનો બિનસત્તાવાર આંકડો ૪૪ પર પહોંચ્યો છે. ‘આજતક’ ન્યૂઝ ચેનલના પત્રકાર અક્ષયસિંહ વ્યાપમં કૌભાંડની મૃત આરોપી યુવતીનાં માતાપિતાનો ઈન્ટરવ્યૂ લેવા તેનાં ઘરે ગયા હતા. ઈન્ટરવ્યૂ પૂરો કર્યા પછી તેઓ આ મૃતક યુવતીનાં ઘરની બહાર આવ્યા ત્યારે અચાનક તેમનાં મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા હતા. થોડીવારમાં જ તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટના ઝાબુઆનાં મેઘનગર વિસ્તારમાં બની હતી. તેમને નજીકમાં ગુજરાતનાં દાહોદની હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઝાબુઆનાં જિલ્લા એસપી આબિદ ખાને અક્ષયસિંહનાં મૃત્યુની પુષ્ટિ કરી હતી. બે દિવસમાં બે મોતને કારણે કોંગ્રેસ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ સીબીઆઇ તપાસ માટે દબાણ વધાર્યું છે.

વ્યાપમ કૌભાંડ શું છે

મધ્યપ્રદેશ પ્રોફેશનલ એક્ઝામિનેશન બોર્ડ (MPPEB) દ્વારા લેવાતી રાજ્યની સરકારી સ્પર્ધાત્મક અને પ્રવેશ પરીક્ષાઓમાં થયેલી વ્યાપક ગેરરીતિ વ્યાપમ કૌભાંડ તરીકે ઓળખાય છે. જેમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સહિત ઘણા મોટા માથા સંડોવાયેલા છે. અત્યારે મધ્યપ્રદેશ હાઇકોર્ટની દેખરેખ હેઠળ વિશેષ ટાસ્ક ફોર્સ તેની તપાસ કરી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter