વ્યાપમ્ કૌભાંડઃ શંકાસ્પદ મૃત્યુની વણથંભી વણઝાર

Wednesday 08th July 2015 06:21 EDT
 
 

નવી દિલ્હી, ભોપાલઃ મધ્ય પ્રદેશમાં શિવરાજ સિંહની સરકારને હચમચાવી નાખનાર બહુચર્ચિત વ્યાપમ્ કૌભાંડનો દૈત્ય એક પછી આરોપીને ભરખી રહ્યો છે. આ કૌભાંડમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંડોવાયેલા આરોપીઓના એક પછી એક શંકાસ્પદ મૃત્યુએ દેશભરમાં સનસનાટી ફેલાવી છે. મધ્ય પ્રદેશ પ્રોફેશનલ એક્ઝામિનેશન બોર્ડ દ્વારા રાજ્યમાં યોજાતી સ્પર્ધાત્મક પ્રવેશ પરીક્ષાઓમાં આચરવામાં આવતી ગેરરીતિઓ ખુલ્લી પડી છે ત્યારથી સોમવાર સુધીમાં કુલ ૪૭ આરોપીઓ મૃત્યુ પામ્યા છે. વિપક્ષ કોંગ્રેસે મુખ્ય પ્રધાન શિવરાજ સિંહને બરતરફ કરીને સમગ્ર પ્રકરણની તપાસ સીબીઆઇ દ્વારા કરાવવાની માગણી કરી છે.
ત્રણ દિવસમાં ત્રણ મૃત્યુ
શંકાસ્પદ મૃત્યુની છેલ્લી ઘટના સોમવારે સવારે નોંધાઇ હતી. સાગર જિલ્લામાં આવેલી જવાહરલાલ નેહરુ પોલીસ ટ્રેનિંગ એકેડેમીના તળાવમાંથી ૨૫ વર્ષીય ટ્રેઇની સબ-ઇન્સ્પેક્ટર અનામિકા કુશવાહાનો મૃતદેહ મળી આવ્યો હતો. અનામિકા કુશવાહાની નિયુક્તિ કૌભાંડ અંતર્ગત થઇ હતી. સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સચિન અતુલકરે જણાવ્યું હતું કે પ્રાથમિક દૃષ્ટિએ આ કિસ્સો આત્મહત્યાનો લાગે છે. જોકે તેની પાસેથી કોઇ સ્યુસાઇડ નોટ ન મળતાં મોત રહસ્યમય બની રહ્યું છે. બીજી તરફ, અનામિકાની એક રૂમમેટે પોતાનું નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે અનામિકા તરવાનું જાણતી હતી, તેથી તેનું ડૂબીને મોત થઇ શકે જ નહીં.
આ ઘટનાના આગલા દિવસે, રવિવારે જબલપુર મેડિકલ કોલેજના ડીન અરુણ શર્મા દક્ષિણ દિલ્હીની એક હોટેલમાં શંકાસ્પદ હાલતમાં મૃત મળી આવ્યા હતા. જ્યારે એક દિવસ પૂર્વે, શનિવારે વ્યાપમ્ કૌભાંડનાં સમાચારોનું કવરેજ કરનાર ખાનગી ટીવી ન્યૂઝ ચેનલ આજ તકના પત્રકારનું શંકાસ્પદ સ્થિતિમાં મોત થયું હતું.
‘આજ તક’ ન્યૂઝ ચેનલના પત્રકાર અક્ષય સિંહ વ્યાપમ્ કૌભાંડની મૃત આરોપી યુવતીનાં માતા-પિતાનો ઈન્ટરવ્યૂ લેવા તેનાં ઘરે ગયા હતા. ઈન્ટરવ્યૂ પૂરો કર્યા પછી તેઓ આ મૃતક યુવતીનાં ઘરની બહાર આવ્યા ત્યારે અચાનક તેમનાં મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા હતા.
 થોડી વારમાં જ તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટના ઝાબુઆનાં મેઘનગર વિસ્તારમાં બની હતી. તેમને નજીકમાં ગુજરાતનાં દાહોદની હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઝાબુઆનાં જિલ્લા પોલીસ વડા આબિદ ખાને અક્ષય સિંહનાં મૃત્યુની પુષ્ટિ કરી હતી.
વ્યાપમ્ કૌભાંડ શું છે?
મધ્ય પ્રદેશ પ્રોફેશનલ એક્ઝામિનેશન બોર્ડ (એમપીપીઇબી) દ્વારા રાજ્યની સરકારી સ્પર્ધાત્મક અને પ્રવેશ પરીક્ષાઓ યોજાય છે, જેમાં થયેલી વ્યાપક ગેરરીતિ વ્યાપમ્ કૌભાંડ તરીકે ઓળખાય છે. ‘વ્યાપમ’ નામે ઓળખાતા મધ્ય પ્રદેશ વ્યાવસાયિક પરીક્ષા મંડળના ૨૦૧૩માં બહાર આવેલા આ કૌભાંડમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સહિત ઘણા મોટા માથા સંડોવાયેલા છે. અત્યારે હાઇ કોર્ટની દેખરેખ હેઠળ ‘સીટ’ તેની તપાસ કરી રહી છે.
શિવરાજ સરકાર ભીંસમાં
આ કૌભાંડ અને તેના પગલે એક પછી એક આરોપીઓના નીપજી રહેલા મૃત્યુએ ભાજપ શાસિત રાજ્ય સરકારને મુશ્કેલીમાં મૂકી દીધી છે. સોમવારે વધુ એક મોતની ઘટના બનતાં જ કોંગ્રેસે ભાજપશાસિત રાજ્ય અને કેન્દ્ર સરકાર પર પસ્તાળ પાડી હતી. કોંગ્રેસે મુખ્ય પ્રધાન શિવરાજ સિંહને તાત્કાલિક બરતરફ કરીને સુપ્રીમ કોર્ટની સીધી દેખરેખમાં સીબીઆઇ તપાસ કરાવવાની માગ કરી હતી. જોકે ભારત સરકારે આ માગણી ફગાવી દીધી છે.
અનામિકાના અપમૃત્યુની ઘટના બાદ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહે કહ્યું હતું કે દરેક મોતને વ્યાપમ્ કૌભાંડ સાથે સાંકળવું યોગ્ય નથી. હું તમામ જવાબદારી સાથે કહું છું કે આ મોતને વ્યાપમ્ સાથે કોઇ નિસ્બત નથી.
શિવરાજ જૂઠ્ઠું બોલે છેઃ કોંગ્રેસ
કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ જણાવ્યું તું કે ૪૮ લોકોનાં શંકાસ્પદ મૃત્યુ થઇ ચૂક્યા છે. અત્યાર સુધી ૧૪૦ એફઆઇઆર દાખલ થઇ છે. ૩૮૦૦ લોકો આરોપી છે. જેમાંથી ૮૦૦ લોકો ફરાર છે. શિવરાજ સિંહ ચૌહાણની હકાલપટ્ટી થશે તો જ કૌભાંડની નિષ્પક્ષ તપાસ થઇ શકશે. શિવરાજના કેટલાક નજીકના સાથીદાર પણ તેમાં સંડોવાયેલા છે. શિવરાજ આ મુદ્દે જૂઠ્ઠું બોલી રહ્યા છે. શંકાસ્પદ મૃત્યુની તપાસનો કોઇએ આદેશ આપ્યો નથી.
કોંગ્રેસના એક અન્ય પ્રવક્તા પી. સી. ચાકોએ પણ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ મૃત્યુઓની નૈતિક જવાબદારી લેવી જોઇએ. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમે પણ ટ્વિટ કર્યું હતું કે વ્યાપમનો પદાર્થપાઠ કોર્ટના અંતર્ગત સ્વતંત્ર તપાસની ગેરંટી નથી મળતી. મધ્ય પ્રદેશ સરકારે વધુ મૃત્યુ થાય તે પહેલાં સીબીઆઇ તપાસનો આદેશ આપવો જોઇએ.
સીબીઆઇ તપાસની માગ
કોંગ્રેસે આ કેસમાં સીબીઆઇ તપાસની માગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દિગ્વિજય સિંહ દ્વારા થયેલી અરજીને સુપ્રીમ કોર્ટે સ્વીકારને ગુરુવારે તેની વધુ સુનાવણી રાખી છે. આ પૂર્વે સુપ્રીમ કોર્ટે વ્યાપમ્ કૌભાંડમાં સંડોવણીના આરોપનો સામનો કરી રહેલા મધ્ય પ્રદેશના રાજ્યપાલ રામ નરેશ યાદવને હટાવવાની માગ કરતી અરજીની સુનાવણી કરવા પણ સંમતી દર્શાવી હતી.
‘મોટા માથા ખુલ્લા પડશે’
વ્યાપમ્ કૌભાંડને સામે લાવવામાં મહત્ત્વની ભૂમિક ભજવનાર ચાર વ્યક્તિઓ પૈકીના એક વ્હિસલ બ્લોઅર આશિષ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે રાજ્યની પોલીસ આ મામલાની યોગ્ય તપાસ કરી રહી નથી. હું વ્યાપમ્ કૌભાંડમાં સંડોવાયેલા મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ સહિતના મોટા માથાઓને ઉઘાડા પાડીશ. જોકે મારા જીવન પર જોખમ તોળાઇ રહ્યું છે. આગામી શિકાર હું પણ હોઇ શકું છું. નોંધનીય છે કે આશિષને રાજ્ય સરકાર દ્વારા પોલીસ રક્ષણ આપવામાં આવ્યું છે.
ભાજપમાં મતભેદ
ગૃહ પ્રધાન રાજનાથ સિંહે સોમવારે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વ્યાપમ્ કૌભાંડમાં સીબીઆઇ તપાસની કોઇ જરૂર નથી. હાઇ કોર્ટ વ્યાપમ્ તપાસતી સંતુષ્ટ છે. કેન્દ્ર સરકાર કોર્ટને આદેશ આપી શકે નહીં, જો હાઇ કોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ અમને આ સંદર્ભમાં કોઇ નિર્દેશ આપશે તો સીબીઆઇ તપાસનો આદેશ અપાશે.
ઉલ્લેખનીય છે કે હાલમાં વ્યાપમ્ કૌભાંડની તપાસ હાઇ કોર્ટ દ્વારા નીમાયેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી - ‘સીટ’) દ્વારા ચાલી રહી છે.
બીજી તરફ, નાણાં પ્રધાન અરુણ જેટલી બાદ કેન્દ્રીય જળસંસાધન પ્રધાન ઉમા ભારતીએ વ્યાપમ્ કૌભાંડની તપાસ સીબીઆઇ દ્વારા કરાવવાની માગ કરી છે. ઉમા ભારતીએ કહ્યું હતું કે શિવરાજ સિંહની નજીકના નેતાઓની સીબીઆઇ દ્વારા તપાસ થવી જોઇએ.
રાજ્યપાલ સામે પણ તપાસ
હાઇ કોર્ટના આદેશથી કૌભાંડની તપાસ કરી રહેલી ‘સીટ’ના ચેરમેન જસ્ટિસ ચંદ્રેશ ભૂષણે જણાવ્યું હતું કે, રાજ્યપાલ રામ નરેશ યાદવનું નામ ભલે હાઈ કોર્ટે તપાસમાંથી હટાવી દીધું હોય, પરંતુ તેમનું પદ છોડે તે પછી તેમની સામે કાર્યવાહી થશે. યાદવની સામે અમારી પાસે પૂરતા પુરાવા છે. તેમના આધારે જ અમે વ્યાપમ્ ગોટાળામાં તેમને આરોપી બનાવવા માટે લખ્યું હતું. હાઈ કોર્ટે જણાવ્યું છે કે યાદવની પૂછપરછ થઈ શકે છે, પરંતુ તેઓ જ્યાં સુધી ગવર્નરના પદ પર છે ત્યાં સુધી તેમની વિરુદ્ધ કોઈ કાનૂની કાર્યવાહી થઈ શકે નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter