શંકાસ્પદ આતંકી પ્રવૃત્તિ બદલ ચીનમાં ભારતીયની ધરપકડ

Thursday 16th July 2015 06:27 EDT
 

બીજિંગઃ ચીનના અધિકારીઓએ આંતકવાદી સંગઠન સાથે સંપર્ક હોવાની શંકાના આધારે મોંગોલિયાના એજિન હોરો એરપોર્ટ પરથી ૨૦ લોકોની ધરપકડ કરી છે. આ લોકોમાં એક ભારતીયનો પણ સમાવેશ થાય છે. આ તમામ શંકાસ્પદ લોકો ધાર્મિક રીતે પ્રેરિત આફ્રિકન ચેરિટી ‘ગિફ્ટ ઓફ ધી ગિવર્સ’ સાથે જોડાયેલા છે. આ ૨૦ લોકોનાં જૂથમાં ભારતીય સિવાય બ્રિટન અને દક્ષિણ આફ્રિકાના વતની પણ છે. ચીનના વહીવટીતંત્રના જણાવ્યા પ્રમાણે, આ લોકો એક હોટેલના રૂમમાં પ્રતિબંધિત આતંકી સંગઠનનો વીડિયો જોઇ રહ્યા હતા અને તેમને એક આતંકવાદી સંગઠન સાથે સંબંધ હોવાની શંકાને આધારે પકડવામાં આવ્યા છે.

પાકિસ્તાનમાં ત્રાસવાદ પીડિતોને ચીનની આર્થિક મદદઃ ચીન સરકારે પાકિસ્તાનમાં ત્રાસવાદ પીડિતોના પુનવર્સન માટે એક કરોડ ડોલર આપ્યા છે. ચીને ગત વર્ષે પણ આટલી રકમની આર્થિક મદદ કરી હતી. પાકિસ્તાનમાં ચીનના રાજદૂત સન વેઈડોંગ અને પાકિસ્તાનના નાણાં સચિવ મુહમ્મદ સેઠીએ ઇસ્લામાબાદમાં આ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. ઉત્તર વઝીરીસ્તાનમાં આતંકીઓના સ્થળો પર સૈન્યના હુમલાઓ બાદ એક વર્ષમાં અંદાજે ૧૦ લાખ લોકોએ આ પ્રદેશ છોડી દીધો છે. ચીનની સહાયથી તેમનું પુનર્વસન કરવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter