શનિ શિંગણાપુરમાં શનિની મૂર્તિ પર તેલ ચઢાવવા મહિલાઓને અધિકાર અપાવવા માટે સાતમી ફેબ્રુઆરીએ થયેલી બેઠકમાં પુરુષો પર પણ શનિદેવની પૂજાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બેઠક બાદ શ્રી શ્રી રવિશંકરે કહ્યું હતું કે, હવે માત્ર પૂજારી જ ચોતરા ઉપર ચડીને શનિદેવની પૂજા કરી શકશે. અગાઉ મહિલાઓ ચોતરા સુધી જઈ શકતી નહોતી અને હવે પુરુષો પણ ત્યાં સુધી નહીં જઈ શકે. શ્રી શ્રી રવિશંકરે તિરુપતિ બાલાજી દર્શન મોડેલનું શનિદેવ મંદિરમાં પણ અનુકરણ કરવા માટે સૂચવ્યું છે. જોકે મોડેલ હેઠળ અંદરના પવિત્ર સ્થાનમાં સ્ત્રીઓ સાથે પુરુષોને પણ જવાની મનાઈ રહેશે. આ નિર્ણય જાહેર કર્યા પછી શ્રી શ્રીએ વિવાદનો અંત આવ્યો હોવાનો દાવો કર્યો છે. બીજી બાજુ મહિલાઓને પણ શનિમંદિરમાં દર્શનની છૂટ મળે તે માટે જંગે ચડેલા ભૂમાતા સંગઠને બેઠકને નિષ્ફળ ગણાવી છે. ભૂમાતા સંગઠનના તૃપ્તિ દેસાઈએ જણાવ્યું છે કે, અમારી માગ મહિલાઓને પૂજાની મંજૂરી આપવાની હતી. તે માટે પુરુષો પર પ્રતિબંધ મૂકવાનું પગલું ખોટું છે. ફક્ત પૂજારીઓને શનિદેવની પૂજા કરવા દેવાય તો મહિલા પૂજારીઓ પણ રાખવી જોઈએ.