કોલકાતા: શરણાઈ વાદક દિવંગત બિસ્મિલ્લા ખાં પછી મશહૂર શરણાઈ વાદકોમાં સામેલ ઉસ્તાદ અલી અહમદ હુસેન ખાનનું ૧૬મી માર્ચે નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ખાનના પરિવારજનોએ જણાવ્યું હતું કે, કિડનીની તકલીફનો સામનો કરી રહેલા આ શરણાઈ વાદક છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતા. તેઓ ૭૭ વર્ષના હતા. તેમણે ૧૬મી માર્ચે સવારે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પરિવારમાં પાંચ પુત્રો, પાંચ પુત્રીઓ છે. શરણાઈ વાદનના બનારસ ઘરાનાના અનુયાયી ખાનને ૨૦૦૯માં સંગીત નાટક અકાદમી પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. ૨૦૧૨માં ખાનને પશ્ચિમ બંગાળ સરકારે ‘બંગભૂષણ’ની ઉપાધિ આપી હતી. મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ ખાનના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો.