શાંતિ પથ પર પગરણ

ભારત સરકાર અને નાગાલેન્ડના બળવાખોર જૂથ વચ્ચે શાંતિ કરાર

Tuesday 04th August 2015 14:23 EDT
 
 

નવી દિલ્હીઃ પૂર્વોત્તર ભારતના અશાંત પ્રદેશ નાગાલેન્ડમાં શાંતિનો સૂરજ ઉગે તેવો આશાસ્પદ માહોલ સર્જાયો છે. ભારત સરકાર અને નાગાલેન્ડના બળવાખોર જૂથ નેશનાલિસ્ટ સોશ્યાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ (ઈસાક મુઈવાહ) વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર થતાં આ પ્રદેશમાં બળવાખોરીનો અંત નિશ્ચિત મનાય છે. સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં બન્ને પક્ષકારોએ શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન ૭ રેસ કોર્સ રોડ ખાતે નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન રાજનાથ સિંહ, સંરક્ષણ પ્રધાન મનોહર પાર્રિકર, નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજિત ડોભાલ તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ અને અલગતાવાદી એનએસસીએન (આઈએમ)ના વડા થુંઈગાલેંગ મુઈવાહ તથા જૂથના અન્ય નેતાઓની હાજરીમાં આ સમજૂતીની જાહેરાત કરાઇ હતી.
સોમવારે સાંજે પોણા સાત વાગ્યે આ જાહેરાત કરાઇ તેની થોડી જ ક્ષણો પૂર્વે વડા પ્રધાન મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, 'અમે એક મોટી જાહેરાત કરવા જઇ રહ્યા છીએ, જે ઐતિહાસિક હશે.'
અલબત્ત, આ કરારમાં મણિપુર, અરુણાચલ પ્રદેશ, આસામના પૂર્વોત્તરમાં નાગા સમુદાયની વસ્તી ધરાવતા વિસ્તારોના એકત્રીકરણ માટેની એનએસસીએન (આઈએમ)ની વર્ષોજૂની મુખ્ય માગણી સંતોષવામાં આવી છે કે નહીં તે વિશે કોઇ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
આ કરારને ૧૬ વર્ષના ગાળામાં યોજાયેલી ૮૦ તબક્કાની વાટાઘાટોની ફળશ્રુતિ માનવામાં આવે છે. આ સમસ્યાના ઉકેલની દિશામાં પ્રથમ સિદ્ધિ ૧૯૯૭માં થયેલી શસ્ત્રવિરામ સમજૂતી હતી.
આ પ્રસંગે એનએસસીએન (આઈએમ)ના વડા મુઈવાહે જણાવ્યું હતું કે ‘આ યાદગાર ક્ષણ છે. નરેન્દ્ર મોદી જેવા વિઝનરી વડા પ્રધાનને કારણે જ આ સંભવ બન્યું છે.
આ નિર્ણયથી નાગાલેન્ડનાં લોકોનું ભલું થશે. હું આ માટે ઈશ્વરનો આભાર માનું છું. નાગાલેન્ડનાં લોકો મહાત્મા ગાંધી પ્રત્યે ખૂબ આદર ધરાવે છે. અમે નરસિંહ રાવ અને અટલ બિહારી વાજપેયીની કુનેહની સરાહના કરીએ છીએ.' વડા પ્રધાનની કુનેહને બિરદાવતાં કહ્યું હતું કે ‘વડા પ્રધાન મોદીના શાસનકાળમાં અમે એકબીજાને સમજી શકીએ તેટલા નજીક આવ્યા છીએ અને બન્ને પક્ષો વચ્ચે એક નવો સંબંધ વિકસ્યો છે. નાગા સમુદાય તમને (નરેન્દ્ર મોદીને) તમારી મુત્સદીગીરી માટે હંમેશાં યાદ રાખશે.’
હિંસા સમસ્યાનું સમાધાન નથી: વડા પ્રધાન
વડા પ્રધાને આ શાંતિ કરાર પર હસ્તાક્ષરનો પ્રસંગ ઐતિહાસિક ગણાવ્યો હતો. તેમણે આ માટે શાણપણ અને હિંમત દાખવવા બદલ જૂથના નેતાઓ મુઈવાહ અને ઈસકા સ્વુના બિરદાવ્યા હતા. તેમણે કહ્યું હતું, ‘અમે એકબીજાને સમજી ન શક્યા એટલા માટે નાગા સમસ્યા છ દસકા સુધી ઉકેલાઈ શકી નહોતી. હિંસા કોઈ સમસ્યાનું સમાધાન નથી. નાગા લોકોએ શાંતિ સમજૂતીને જે અભૂતપૂર્વ સમર્થન આપ્યું છે તેના માટે હું તેમની પ્રશંસા કરું છું. મારો ઉત્તર-પૂર્વ સાથેનો સંબંધ ગાઢ થયો છે.’
અલગતાવાદની હિંસામાં ૩૦૦૦થી વધુ ભોગ બન્યા
નાગાલેન્ડના સૌથી મોટા બળવાખોર જૂથ સાથે શાંતિ કરાર થયાને પગલે છેલ્લા છ દાયકાથી નાગાલેન્ડનો રાજકીય વિવાદ ખતમ થયો છે. આ સમસ્યાએ આઝાદી પછી ૩૦૦૦નો ભોગ લીધો છે. નાગાલેન્ડના અલગતાવાદી જૂથો ભારતીય અર્ધલશ્કરી દળો અને સલામતી રક્ષકોને નિશાન બનાવતા હતા. આથી નાગાલેન્ડ અને મણિપુરના લોકો અનેક સમસ્યાનો ભોગ બનતા હતા.
એનએસસીએન નામના સંગઠનના બે ફાંટા
નેશનલ સોશિયલ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ (એનએસસી-એન) સંગઠનની સ્થાપના ઇસાક ચિશી સ્વુ, થુઇંગલેંગ મુઇવાહ અને એસ. એસ. ખાપલાંગ દ્વારા થઈ હતી.
તે વખતે નાગા નેશનલ કાઉન્સિલે ભારત સરકાર સાથે કરેલા શિલોંગ કરારના વિરોધમાં સંગઠન રચાયું હતું. સંગઠનનો ઉદ્દેશ બળવાખોરી દ્વારા ‘નાગાલિમ’ નામના સાર્વભૌમ રાષ્ટ્રની સ્થાપના કરવાનો હતો. એનએસસીએન અને ભારત સરકાર ઘણી વખત વાટાઘાટો કરવા માટે મળ્યા હતા. બન્ને પક્ષકારો શસ્ત્રવિરામ માટે સંમત થયા હતા, પરંતુ તેનું કશું નક્કર પરિણામ આવ્યું નહોતું.
દરમિયાન ૧૯૮૮માં ભારત સરકાર સાથે શાંતિ વાટાઘાટો યોજવાના મુદ્દે એનએસસીએનના નેતાઓ વચ્ચે મતભેદ ઊભો થતાં તેમાંથી બે જૂથ અલગ પડ્યા હતા. આમાનું એક જૂથ એનએસસીએન (ઈસાક-મુઈવાહ) બન્યું અને બીજું એનએસસીએન (ખાપલાંગ) તરીકે ઓળખાયું.
ખાપલાંગ હાલમાં મ્યાંમારથી ઓપરેટ થાય છે. તેમનાં સંગઠનમાં હાલમાં ૨,૦૦૦ જેટલા ઉગ્રવાદીઓ હોવાનું મનાય છે. ભારતીય સેના દ્વારા હાલમાં જ મ્યાંમારની સરહદમાં જઈ તેમના એક મોટા કેમ્પ પર હુમલો કરવામાં આવ્યો હતો. અલબત્ત, ભારતીય સુરક્ષા દળો દ્વારા થયેલી આ લશ્કરી કાર્યવાહી અંગે વિવાદ પણ થયો હતો, પરંતુ વિશ્વભરમાં તેની નોંધ લેવામાં આવી હતી. ખાસ કરીને પાકિસ્તાને આ કાર્યવાહીના તીવ્ર પ્રત્યાઘાત આપ્યા હતા.
આ વખતે પણ શાંતિ ઠગારી ન નીવડે તો સારું
ભારત સરકાર અને એનએસસીએન (આઇએમ) વચ્ચે અગાઉ પણ એક કરતાં વધુ વખત શાંતિ સમજૂતી થઈ ચૂકી છે, પરંતુ તેમણે વારંવાર આ સમજૂતીનો ભંગ કરતાં પૂર્વોત્તર રાજ્યોમાં શાંતિ સ્થાપવા માટે કંઇ નક્કર પગલાં લઇ શકાયા નહોતા.
ભારતમાં મુખ્યત્વે અલગતાવાદી ખાપલાંગ ગ્રૂપ દ્વારા હુમલા થઇ રહ્યા છે. આ સમજૂતી બાદ ખાપલાંગ ગ્રૂપ હુમલા બંધ કરશે જ તેવી કોઇ ખાતરી નથી. થોડાંક સમય પહેલાં જ આ સંગઠને ભારતીય સેનાની ટુકડી પર જીવલેણ હુમલો કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter