ભારત પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં શરૂ કરાયેલી શાંતિમંત્રણાના ભાગરૂપે બંને દેશોના વિદેશ સચિવો વચ્ચેની બેઠકમાં એવું સ્પષ્ટ થયું છે કે, ઇસ્લામાબાદ કાશ્મીરને મુખ્ય મુદ્દો બનાવવા વલખાં મારે છે. પાકિસ્તાની વડા પ્રધાન નવાઝ શરીફના વિદેશી બાબતોના સલાહકાર સરતાજ અઝીઝે બેઠક બાદ જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં ઇસ્લામાબાદમાં ભારતના વિદેશ સચિવ એસ. જયશંકર સાથેની મંત્રણામાં કાશ્મીર ટોચનો એજન્ડા રહેશે. પાંચમી ફેબ્રુઆરીએ કાશ્મીર એકતા દિવસ પર પીએમ નવાઝ શરીફે જણાવ્યું હતું કે, કાશ્મીર અંગેના વિવાદના ઉકેલ વિના દક્ષિણ એશિયામાં વિકાસ અને શાંતિ શક્ય નથી. અઝીઝે રેડિયો પાકિસ્તાનમાં નિવેદન આપ્યું હતું કે, ઇસ્લામાબાદે કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્રના ઠરાવોના અમલ મામલે આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી છે.
બાસમતી ચોખા વિવાદમાં પાકિસ્તાનનો પરાજય
એક તરફ બંને દેશોની શાંતિમંત્રણા ચર્ચામાં છે ત્યારે બાસમતી ચોખાના મામલે ભારતને પછડાટ આપવાના પાકિસ્તાનના પ્રયાસોને ગંભીર ફટકો પડયો છે. ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી એપલેટ બોર્ડે પાકિસ્તાનના બાસમતી ચોખાને જીઆઈ ટેગ આપવાનો ઇનકાર કરી દીધો છે, હવે ભારતના બાસમતી ચોખાને આ ટેગ મળી શકે છે. લાહોરસ્થિત પાકિસ્તાનના બાસમતી ગ્રોઅર્સ એસોસિએશને ભારતીય સંસ્થા એપીડાની અરજી સામે આઈપીએબીમાં પડકાર ફેંક્યો હતો. એપીડાએ ભારતના પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડમાં પાકતા બાસમતી ચોખા માટે જીઆઈ ટેગની માગ કરી હતી, જેનો પાકિસ્તાન દ્વારા વિરોધ કરાયો હતો. તેની દલીલ હતી કે જીઆઈના આસિસ્ટન્ટ રજિસ્ટ્રારે મધ્ય પ્રદેશમાં પાકતા બાસમતી ચોખાની ગુણવત્તા પર સવાલ ઉઠાવ્યા હતા, જોકે આઈપીએબીએે પાકિસ્તાનની દલીલો કાને ધરી નથી.
સીએમએસઃ 8-2-2016