નવી દિલ્હીઃ સોશિયલ મીડિયાના માધ્યમથી ફેલાયેલી ગૌમાંસ ખાવાની અફવા બાદ મુસ્લિમ વ્યક્તિ અખલાકની હત્યા અને તેના પુત્ર દાનિશને ગંભીર ઇજાના બનાવના મુદ્દે એક ટીવી ચેનલ પર થઈ રહેલી ચર્ચા દરમિયાન શાયર મુનવ્વર રાણાએ સાહિત્ય અકાદમી એવોર્ડ અને સન્માનરૂપે મળેલા રૂ. ૧ લાખ સરકારને પાછા આપવાની જાહેરાત હતી. રાણાએ એમ પણ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં ક્યારેય તેઓ કોઈ સરકારી સન્માન સ્વીકારશે નહીં. વધતી સાંપ્રદાયિક ઘટનાઓ, રાઇટ-ટુ-સ્પીચના વિરોધમાં જતા માહોલ અને લેખકો પર થતા હુમલાના વિરોધમાં આ પહેલાં ૧૩ જેટલા સાહિત્યકારો પોતાના સન્માન સરકારને પરત કરી ચૂક્યા છે.