મુંબઈ, નવી દિલ્હીઃ બ્રિટનના શાહી યુગલ પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટનનું ૧૦મી માર્ચે મુંબઇ એરપોર્ટ પર ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. એરપોર્ટ પરથી મુંબઇની તાજમહલ હોટેલ પર પહોંચેલા શાહી યુગલની હોટેલમાં પણ પારંપારિક રીતે વધામણી થઈ હતી. રોયલ કપલે મુંબઈમાં થયેલા ૨૬/૧૧ના આતંકી હુમલામાં ભોગ બનેલા લોકોને તાજ પેલેસ હોટેલ ખાતે બનેલા મેમોરિયલ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
ચેરિટી મેચ બાદ ભવ્ય ભોજન
વિલિયમ અને કેટ ૧૦મી માર્ચે ચેરિટી મેચ માટે ચર્ચગેટના ઓવલ મેદાનમાં ગયા હતા. સ્થાનિક ક્રિકેટ એકેડમી અને ત્રણ એનજીઓના બાળકોની બનેલી ટીમ સાથે બંને ક્રિકેટ રમ્યા હતા. કેટે ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરની બોલિંગનો સામનો પણ કર્યો હતો. તેમણે એક બોલ ફટકાર્યો પણ તેઓ કેચ આઉટ થઈ ગયા હતાં. એ સમયે વિલિયમ અન્ય ફિલ્ડર્સ સાથે ફિલ્ડીંગ કરી રહ્યા હતા.
ચેરિટી મેચ બાદ ચેરિટી ફંકશન નિમિત્તે યોજાયેલા ભોજન સમારંભમાં કેટ બ્લુ રંગની સાડીમાં જોવા મળી હતી. આ કાર્યક્રમમાં બોલિવુડ સ્ટાર શાહરુખ ખાન, આમિર ખાન, હૃતિક રોશન, ઐશ્વર્યા રાય અને માધુરી દીક્ષિત સહિત ફિલ્મી કલાકારોએ સહર્ષ હાજરી આપી હતી.
કેટે કેક ન ખાધી
ભારતની મુલાકાતના બીજા દિવસે મુંબઈમાં યંગ બિઝનેસમેન સાથે મુલાકાત દરમિયાન વિલિયમે પોતાના હાથથી ઈન્ડિયન સ્ટાઈલમાં પેન કેક બનાવી હતી. તેમણે એક ટુકડો કરીને કેટને ઓફર કરી હતી પરંતુ તેણે 'નો થેન્ક્સ' કહીને કેક ખાવાનું ટાળ્યું હતું.
અહીં બેંગલુરુ સ્થિતિ સ્ટાર્ટઅપ કંપની ડોસામેટિક દ્વારા બનાવાયેલા મશીનમાં પ્રિન્સ વિલિયમે ઢોંસાનું લિક્વિડ નાખ્યું હતું અને કેટે કેટલાક બટન દબાવતાં મશીને તેનું કામ શરૂ કરી દીધું હતું.
થોડીક મિનિટોમાં જ ઢોસો મશીનમાંથી બહાર આવ્યો. પ્રિન્સે તેનો એક ટુકડો લઇને ટેસ્ટ કર્યો હતો અને કહ્યું કે, નમસ્તે મુંબઇ. ઢોસાનો અનુભવ આપવા બદલ આભાર. આવતી વખતે આ વધુ શાનદાર બનશે. મશીનથી બનાવેલા ઢોસાનો સ્વાદ પ્રિન્સ વિલિયમે માણ્યો હતો પરંતુ કેટ તો દૂર રહી હતી.
અમર જવાન જ્યોતીની મુલાકાત
કેટ અને વિલિયમે ૧૧મીએ દિલ્હી ખાતે અમર જવાન જ્યોતીની મુલાકાત લીધી હતી અને ત્યાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યાર પછી રોયલ કપલ ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ પહોંચ્યું હતું. ગાંધી સ્મૃતિ મ્યુઝિયમમાં ખાદીની શાલ ઓઢાડીને રોયલ કપલનું સ્વાગત કરાયું હતું.
મોદી સાથે ભોજન અને બાળકો સાથે રમત
ભારત અને ભૂતાનની એક સપ્તાહની મુલાકાતે આવેલા શાહી દંપતી પ્રિન્સ વિલિયમ અને કેટે મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી અને તેમની સાથે ભોજન પણ લીધું હતું. આ અગાઉ, ડ્યૂક અને ડચેસ ઓફ કેમ્બ્રિજે નવી દિલ્હીની ‘સલામ બાલક’ ચેરિટીની મુલાકાત લઈ શેરીઓના બાળકો સાથે પણ સમય વીતાવ્યો હતો. આ પછી, મોડેથી તેઓ પૂર્વોત્તર રાજ્ય આસામ જવા રવાના થયા હતા, જ્યાં તેઓ કાઝિરંગા નેશનલ પાર્કની મુલાકાત લીધી.
સંપૂર્ણ શ્વેત વસ્ત્રોમાં સજ્જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા આવી પહોંચેલા ડ્યુકે બ્લુ સૂટ અને ડચેસે લીલા રંગના વસ્ત્રો ધારણ કર્યાં હતાં. વડા પ્રધાન સાથે ચાલતા ચાલતા થોડી વાતો કર્યા પછી તેમણે કેમેરા સામે પોઝ આપ્યા હતા. આ પછી તેઓ વડા પ્રધાન સાથે ખાનગી ભોજન માટે હૈદરાબાદ હાઉસ જવા રવાના થયા હતા.
અગાઉ, શાહી દંપતીએ રેલવે સ્ટેશન નજીક ‘સલામ બાલક’ ચેરિટી અને તેના ૮૫ વર્ષીય સ્થાપક પ્રવીન નાયરની મુલાકાત લીધી હતી.
તેમની પુત્રી મીરા નાયરની ઓસ્કાર નોમિનેટેડ ‘સલામ બોમ્બે’ ફિલ્મની આવકમાંથી ૨૮ વર્ષ અગાઉ આ ચેરિટીની સ્થાપના થઈ હતી.