શિરડી સાંઈની દાનપેટીમાં રૂ. ૮૫ લાખના હીરા મળતાં સંસ્થાન અવઢવમાં

Saturday 23rd April 2016 07:55 EDT
 
 

મુંબઈઃ દેશવિદેશમાં લાખો ભક્તો ધરાવતાં શિરડીના સાંઈબાબાના મંદિરમાં એક ભક્ત રૂ. ૮૫ લાખના બે હીરા દાનપેટીમાં પધરાવીને જતો રહેતાં સંસ્થાન ટ્રસ્ટ હવે સમસ્યામાં સપડાયું છે. સાંઈ ટ્રસ્ટને સમસ્યા છે કે આ હીરાનું હવે શું કરવું? કારણ કે મુંબઈ હાઈ કોર્ટના આદેશને પગલે આવી મૂલ્યવાન વસ્તુ અંગે કોઈપણ નિર્ણય લેવાની છૂટ સંસ્થાનને નથી.

૧૯મી એપ્રિલે સાંજે સંસ્થાનના લોકોએ દાનપેટી ખોલી ત્યારે તેમને તેમાંથી બે હીરા જડેલી ચેન મળી હતી. આ સંદર્ભે સાંઈ સંસ્થાના ચિફ એકાઉન્ટન્ટ દિલીપ ઝીરપે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે આટલી મોટી રકમનું દાન દાનપેટીમાં કોઈ નાંખતું નથી. દાનકર્તા સંસ્થાનની કચેરીમાં દાન જમા કરાવીને તેની રસીદ લે છે. આ હીરા મળ્યા પછી પહેલાં તો એવું લાગ્યું હતું કે કોઈ સામાન્ય પથ્થર હશે, પણ સંસ્થાના નિયમો મુજબ હીરાનું મૂલ્યાંકન કરવા મુંબઈથી વેલ્યુઅર આવ્યા અને તેમણે આ હીરાની કિંમત રૂ. ૮૫ લાખની હોવાનું પ્રમાણપત્ર આપ્યા બાદ ટ્રસ્ટની સમસ્યામાં વધી ગઈ છે. હીરાની કિંમત જોતાં હવે તેનું શું કરવું તે માટે સાંઈમંદિરે હાઇ કોર્ટમાં અરજી કરીને સમસ્યાનું સમાધાન મેળવવું પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter