હિન્દી સિનેજગતના જાણીતા ગીતકાર, કવિ અને પટકથા લેખક જાવેદ અખ્તરે જણાવ્યું છે કે અયોધ્યામાં રામમંદિરના નિર્માણ સામે કોઈને વાંધો ન હોવો જોઈએ. તેમણે મંદિરનિર્માણથી લોકોની ખુશીને ધ્યાનમાં રાખીને કહ્યું કે આ વિશ્વનો સૌથી મોટો ઉત્સવ છે અને તેની ઉજવણી મનાવવામાં કંઈ જ ખોટું નથી. સુપ્રીમ કોર્ટના ચુકાદાથી જ અયોધ્યામાં મંદિરનિર્માણ થઇ રહ્યું હોવાથી આ મુદ્દે હોબાળો કરવાનો કોઈ અર્થ નથી. જાવેદ અખ્તર તાજેતરમાં મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં યોજાયેલા અજંતા-ઇલોરા ફેસ્ટિવલમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે રામમંદિર સાથે જોડાયેલા મુદ્દા પર વાતો કરી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી જાવેદ અખ્તર રામમંદિરના નિર્માણ સંબંધી નિવેદનોને કારણે સમાચારમાં છે. તેમણે અગાઉ મનસેના વડા રાજ ઠાકરે દ્વારા આયોજીત દીપોત્સવ કાર્યક્રમમાં કહ્યું હતું કે ભગવાન શ્રીરામ અને સીતાજી માત્ર હિન્દુ દેવી-દેવતા નહીં પણ ભારતનો સાંસ્કૃતિક વારસો છે. મને રામ-સીતાની ભૂમિ પર જન્મ લેવાનો ગર્વ છે. હું નાસ્તિક હોવા છતાં રામ-સીતાને આ દેશની ધરોહર માનું છું અને તેથી જ અહીં આવ્યો છું. રામાયણ આપણો સાંસ્કૃતિક વારસો છે. આપણે જ્યારે મર્યાદા પુરુષોત્તમની વાત કરીએ ત્યારે શ્રીરામ જ ધ્યાનમાં આવે છે. તેમણે લખનઉંમાં વીતાવેલા બાળપણના દિવસો યાદ કરતાં જણાવ્યું હતું કે બાળપણમાં તેઓ જોતાં કે ધનિકો સવારે એકબીજાને મળે ત્યારે ગુડ મોર્નિંગ કહેતા પણ રસ્તે જતાં સામાન્ય માણસો ‘જય સિયારામ’ કહીને એકબીજાનું અભિવાદન કરતા. સિયારામ શબ્દ પ્રેમ અને એકતાનું પ્રતીક છે. તેમણે ઉમેયું હતું કે ભારતમાં લોકશાહી હિન્દુઓના કારણે બચી છે.