સંઘ અને મુસ્લીમ લીગ સમાન છે

Tuesday 05th May 2015 15:44 EDT
 

નવી દિલ્હીઃ વારંવાર વિવાદાસ્પદ નિવેદનો કરીને મીડિયામાં ચમકી રહેલા સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ માર્કન્ડેય કાત્જુએ ફરીથી આરએસએસ અને ભાજપ પર આક્રમક પ્રહાર કર્યા છે. કાત્જુએ તેમના બ્લોગમાં ગૌહત્યા અને ગૌસંરક્ષણના મુદ્દે મચેલા હોબાળા અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તેમણે ભાજપ અને સંઘની કાર્યશૈલી સામે સવાલો ઉઠાવ્યા છે અને સંઘને ‘મુસ્લિમ લીગ’ સમાન ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે ભાજપ અને સરકાર પર સંઘનું વર્ચસ્વ છે, તેના પ્રધાનો અને હોદ્દેદારો સંઘના સભ્યો છે. આરએસએસ એવી સંસ્થા છે કે જેની રચના બ્રિટિશરાજ વખતે થઈ હતી.

મધ્ય પ્રદેશમાં બસ સળગતા ૫૦ મુસાફરો ભૂંજાયાંઃ મધ્ય પ્રદેશના પન્ના જિલ્લામાં સોમવારે એક બસ અનિયંત્રિત થઈને પલટી જતાં તેમાં આગ લાગી હતી, જેમાં ૫૦ મુસાફરો જીવતાં સળગી ગયા હતા. આ ઉપરાંત ૧૨ લોકો ગંભીર રીતે દાઝી ગયાં હતાં. પોલીસના જણાવ્યા પ્રમાણે બસ છતરપુરથી પન્ના જઈ રહી હતી ત્યારે બપોરના સમયે જ્યારે પાંડવફોલ પાસે પુલ પર ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બસ પલટી ગઈ હતી અને તેમાં આગ લાગી હતી. યાત્રીઓ ઝડપથી બહાર ના નીકળી શકતાં તેઓ બસમાં લાગેલી આગથી દાઝીને મૃત્યું પામ્યાં હતાં.

મોદી અલ-કાયદાના નિશાના પરઃ ત્રાસવાદી સંગઠન અલ કાયદાએ તેના કોઈ વીડિયોમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રથમવાર નામોલ્લેખ કર્યો છે. અલ-કાયદાની પ્રચાર પાંખ- અસ-સહાબના તાજેતરના વીડિયોમાં અમેરિકા, સંયુક્ત રાષ્ટ્રો, વર્લ્ડ બેંક અને નરેન્દ્ર મોદીને ઈસ્લામના દુશ્મન ગણાવાયા છે. આ વીડિયોમાં અલ-કાયદાએ ધમકીઓ પણ આપી છે.

દાઉદને ભારતમાં શરણે આવવું હતુંઃ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ ૧૯૯૩માં મુંબઇમાં થયેલા શ્રેણીબદ્ધ બોંબ વિસ્ફોટના ૧૫ મહિના બાદ ભારત સરકારની શરણાગતિ સ્વીકારવા ઇચ્છતો હતો. દિલ્હીના પૂર્વ પોલીસ કમિશનર અને સીબીઆઇના તત્કાલીન ડીઆઇજી નીરજકુમારને ટાંકીને એક અંગ્રેજી અખબાર દ્વારા દાવો કરાયો છે, જોકે નીરજકુમારે આ પ્રકારનો કોઇ દાવો કર્યાનો ઇનકાર કર્યો હતો. સીબીઆઇના તત્કાલીન ડાયરેક્ટર વી. રામારાવે પણ નીરજકુમારના કથિત દાવાને ફગાવતાં જણાવ્યું હતું કે તેમને નીરજકુમાર અથવા અન્ય સિનિયર અધિકારીઓ દ્વારા આ પ્રકારની કોઇ માહિતી અપાઇ નહોતી. અખબારે પ્રસિદ્ધ કરેલા ઇન્ટરવ્યુમાં નીરજકુમારે જણાવ્યું હતું કે હું સીબીઆઇનો ડીઆઇજી હતો ત્યારે મેં દાઉદ ઇબ્રાહીમ સાથે જૂન ૧૯૯૪માં ત્રણ વાર ફોન પર વાત કરી હતી. દાઉદ તે સમયે ભારતમાં શરણાગતિ સ્વીકારવા વિચારી રહ્યો હતો, પરંતુ તેને ભય હતો કે જો તે ભારત પરત ફરશે તો હરીફ ગેંગસ્ટરો તેનો સફાયો કરી નાખશે. મેં તેને આશ્વાસન આપ્યું હતું કે તેની સુરક્ષાની જવાબદારી સીબીઆઇની રહેશે, પરંતુ તેની શરણાગતિ અંગેની શરતો પર વાત થાય તે પહેલાં જ સીબીઆઇમાંના મારા ઉચ્ચ અધિકારીઓએ મને વાટાઘાટોથી દૂર રહેવાની સૂચના આપી હતી.

અને જાન લીલા તોરણે પાછી ફરીઃ પૈસાની ગણતરી ન કરી શકનાર એક યુવકને માંડવેથી વિલા મોં એ પાછા ફરવાનો વારો આવ્યો હતો. ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં શુક્રવારે એક યુવતીના મનોજ નામના યુવક સાથે લગ્ન થવાના હતા, પરંતુ યુવતીને શંકા ગઇ કે મારો ભાવી પતિ ભણેલો નથી. એણે મારિતર ગામના આ અભણ યુવકને અજમાવવા માટે એક યુક્તિ રચી અને યુવકને કેટલાક નોટો આપીને એને ગણવા કહ્યું. પરંતુ યુવક એટલો તો ગમાર હતો કે એને ચલણી નોટો ગણતા પણ ન આવડી. અંતે હોંશિયાર અને સ્નાતક યુવતીએ લગ્ન મંડપમાં જ એ અભણ યુવક સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો. આ ઘટનાના પગલે બન્ને પક્ષો વચ્ચે ઝગડો થયો અને પંચાયત બોલાવવામાં આવી હતી. જોકે, અંતે યુવતીની ઇચ્છા મુજબ જ થયું. વરરાજાને વિલા મોંએ બિહાર પાછા જવું પડયું અને અફસોસ કરતો રહ્યો કે જો હું ભણ્યો હોત તો આ દિવસો જોવા ન મળ્યા હોત.

મહારાષ્ટ્રના ૪ યુવાનોના ISIS કનેક્શનઃ મહારાષ્ટ્રના ચાર યુવાનોને સુન્નીઓના કટ્ટર ત્રાસવાદી સંગઠન આઇએસઆઇએસમાં જોડાવવા માટે એક અફઘાન બિઝનેસમેને ભોળવ્યા હોવાનો નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ (એનઆઇએ) દાવો કર્યો છે. અફઘાનિસ્તાન પાસેથી તે શખસની વિગતો પણ માગી છે. ભારતમાં ડ્રાયફ્રુટ્સનો બિઝનેસ કરતા આ શખસનું નામ ગુપ્ત રાખવામાં આવ્યું છે. આ શખસે મુંબઇના કલ્યાણ વિસ્તારના અરીબ માજીદ સહિત ચાર યુવાનોનો સંપર્ક કરીને આઇએસઆઇએસમાં જોડાવવા તેમનું ‘બ્રેઇનવોશ’ કર્યું હતું.

મિત્રની હત્યા માટે IASની ધરપકડઃ મિત્રની હત્યા માટે સોપારી આપનાર આઇએએસ અધિકારી સંજીવકુમારની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. સંજીવે ગેંગસ્ટર શોકત પાશા સાથે મળીને બિઝનેસ પાર્ટનર ટિક્કા હસન મુસ્તફાની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. ટિક્કા તેની સંપત્તિની દેખભાળ કરતો હતો. ટિક્કા સંપત્તિ પચાવી પાડશે એવો સંજીવને ભય હતો. સંજીવકુમાર હરિયાણાના જેબીટી કૌભાંડમાં સસ્પેન્ડ થયો છે. કોર્ટે સંજીવને દોષિત ઠરાવીને દસ વર્ષની સજા ફટકારી છે. દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાંચે ૨૫ એપ્રિલે સંજીવ કુમાર અને ગેંગસ્ટર પાશાના બે શાર્પ શૂટર્સની પણ ધરપકડ કરી છે. પાશાના કહેવાથી સંજીવે ટિક્કાની હત્યા કરવા શાર્પ શૂટર્સ રાખ્યા હતા.

ગિલાની દ્વારા અમરનાથ યાત્રાનો વિરોધઃ જમ્મુ-કાશ્મીરમાં પીડીપી-ભાજપની સરકાર રચાયા બાદ પીડીપીએ અપનાવેલી નીતિઓને કારણે અલગતાવાદી શક્તિઓ બેફામ બની રહી છે. ર્હુરિયત કોન્ફરન્સના જહાલવાદી તબકાના અધ્યક્ષ સૈયદઅલી શાહ ગિલાની રેલી યોજવા પોલીસને ચકમો આપીને દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલ ખાતે પહોંચી ગયા હતા. અલગતાવાદીઓ સામે ભારત સરકારે અપનાવેલાં કડક વલણ છતાં ગિલાનીની સભામાં પાકિસ્તાની ઝંડો ફરકાવાયો હતો. રેલીને સંબોધિત કરતાં ગિલાનીએ હિંદુઓની પવિત્ર અમરનાથ યાત્રાનો વિરોધ કર્યો હતો. ગિલાનીએ કાશ્મીરી પંડિતો માટે અલગ વસાહતો સ્થાપવાની સરકારની યોજનાનો પણ વિરોધ કર્યો હતો.

કાયદા પ્રધાનની કાયદાની ડિગ્રી જ બનાવટી! દિલ્હીના કાયદા પ્રધાન જિતેન્દસિંહ તોમરની ડિગ્રી બનાવટી હોવાના મુદ્દે વિવાદ ઊભો થયો છે. બિહાર યુનિર્વિસટી દ્વારા દિલ્હી હાઈકોર્ટ સમક્ષ એવી રજૂઆત થઇ છે કે તોમર જે ડિગ્રી રજૂ કરીને વકીલ બન્યા છે તે પ્રોવિઝનલ ડિગ્રી બોગસ અને બનાવટી છે. બીજી તરફ તોમરે દાવો કર્યો છે કે તેમની ડિગ્રી સાચી છે અને આ મામલે તેઓ રાજીનામું આપશે નહીં. કોંગ્રેસ અને ભાજપ દ્વારા આ મુદે તોમરનાં રાજીનામાની માગણી કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter