નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ગાયના સંવર્ધન માટે દેશભરમાં ટૂંક સમયમાં ૧૨૦ કામધેનુનગર ઊભા કરશે. જ્યાં પવિત્ર પ્રાણીઓની માવજત થશે અને લોકોને તેનું મહત્ત્વ સમજાવાશે. આ પ્રયાસથી ગુના પણ ઘટશે અને ગુનેગારો સુધરશે તેવું સંઘ માને છે. કામધેનુનગરમાં ગૌશાળા હશે અને નજીકમાં નિવાસસ્થાન પણ હશે. સંઘ સાથે જોડાયેલી સંસ્થા અખિલ ભારતીય ગૌ સેવાના પ્રમુખ શંકરલાલે કહ્યું હતું કે, ‘ગાય આપણા રોજિંદા જીવનનો ભાગ બનશે ત્યારે જ તેનું રક્ષણ થશે. અમે આજુબાજુના લોકો સાથે વાત કરી રહ્યા છીએ, જેઓ ગાયનાં જતન માટે તેમની જમીન પર શેડ આપવા તૈયાર છે. આ ગૌશાળા જે-તે કોલોનીને દૂધ, દવા, દૂધની અન્ય પ્રોડક્ટ્સ, ગોબર ગેસ વગેરે પૂરા પાડશે અને એ રીતે આ કોલોની ગૌશાળાનું જતન કરશે.
સંઘે ગુજરાત, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આવા ૧૦૦થી વધુ સ્થળ નક્કી કર્યા છે. શંકરલાલે કહ્યું કે કામધેનુનગરની તમામ ગાય સંપૂર્ણપણે ભારતીય મૂળની હશે, મતલબ કે જર્સી ગાય નહીં હોય, જેથી લોકોને અને ખાસ કરીને બાળકોને જરૂરી પોષણ મળી રહેશે. તેમણે કહ્યું કે ‘ગુનામુક્ત ભારત માટે આપણા બાળકોને ભારતીય ગાયનું જ દૂધ મળે તે જરૂરી છે, કારણ કે ગાયનું દૂધ તેમને સાત્ત્વિક બનાવે છે. જર્સી ગાય અને ભેંસનું દૂધ પીવાથી તેમના વિચારો પર અસર થાય છે, જે તેમને ગુના તરફ પ્રેરી શકે છે.’