નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દિલ્હીમાં આયોજિત ‘ભવિષ્ય કા ભારત’ નામના ત્રિદિવસીય કાર્યક્રમમાં બીજા દિવસે ૧૮મી સપ્ટેમ્બરે મોહન ભાગવતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કરેલા આક્ષેપો અંગે તેમનું નામ લીધા વગર જ કહ્યું હતું કે, સરકાર નાગપુરથી ચાલતી નથી તો બેઠકના ત્રીજા દિવસે સંઘના વડાએ પ્રશ્નોત્તરીમાં જવાબ આપ્યો હતો કે સંઘના નેતા તરીકે ઇચ્છું છું કે રામમંદિર જલદીથી બને. આ ઉપરાંત શિબિરમાં મોહન ભાગવતે રિલિજિયન અને હિંદુઈઝમ શબ્દ અંગે પણ વિચાર વ્યક્ત કર્યા હતા.
નાગપુરથી સરકાર ચાલતી નથી
ભાગવતે ૧૮મીએ કહ્યું હતું કે, કેટલાક લોકો આરોપ મૂકે છે કે, સરકારને નાગપુરથી ફોન કરાય છે, પરંતુ એવું નથી. સરકારમાં અનેક વરિષ્ઠ પ્રચારકો છે. જેથી તેમને અમારે સલાહ આપવાની જરૂર જ નથી. અમે તેમના રાજકારણ વિશે નથી જાણતા. જો તેઓ સલાહ માગે તો જ અમે આપીએ છીએ અને ક્યારેક ચર્ચા વિમર્શ કરીએ છીએ. રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓ ભાજપ સરકાર નાગપુરથી ચાલતી હોવાના આક્ષેપો કરી ચૂક્યા છે. જોકે, ભાગવતે કોઈનું નામ લીધા વિના આ વાત કરી હતી. તેમણે એવું પણ કહ્યું કે, અમે ફક્ત રાષ્ટ્રનીતિ વિશે બોલીએ છીએ. અમે છુપાઈને નથી બોલતા. અમે અમારા સામર્થ્ય પ્રમાણે તેનો અમલ કરાવીએ છીએ, જેથી સત્તાધારી લોકો નવરા ના બેસી રહે. એટલે જ અમે વ્યક્તિ નિર્માણની દિશામાં કામ કરીએ છીએ.
રિલિજિયનનો અનુવાદ
હિંદુત્વ વિશે ભાગવતે કહ્યું હતું કે, હિંદુત્વનો વિચાર સંઘે નથી શોધ્યો, પરંતુ પહેલેથી પ્રસ્થાપિત થયેલો છે. દુનિયા સુખની ખોજ અંદર કરી રહી હતી ત્યારે ભારત એ શોધ અંદર કરી રહ્યું હતું. એ શોધમાંથી જ આપણા પૂર્વજોને અસ્તિત્વની એકતાનો મંત્ર મળ્યો. આજે લોકો હિંદુત્વને સનાતન ધર્મ કહે છે. નવમી સદીમાં લોકભાષામાં અને વિદેશી વિચારકોના આગમન સાથે આપણા ગ્રંથોમાં હિંદુ શબ્દ આવ્યો. ત્યાર પછી સંતો થકી તે પ્રચલિત થયો.
ધર્મ શબ્દ પણ ભ્રામક છે. આ શબ્દ ભારતીય ભાષાઓમાં જ મળે છે. રિલિજિયનનો અનુવાદ ધર્મ ના કરી શકાય. ધર્મશાસ્ત્ર ફક્ત હિંદુઓ માટે નથી, સમગ્ર માનવજાતિ માટે છે. ભારતના ધર્મો તો હિંદુ શબ્દ ઉદ્ભવ્યો એ પહેલાં જ સર્જાયા હતા. આપણે અનેક વિવિધતાઓને લઈને એક રાષ્ટ્ર અને એક સમાજને સાથે લઈને ચાલી રહ્યા છે. તેની સરખામણી પાશ્ચાત્ય દેશો સાથે ના થઈ શકે. આપણે ત્યાં કહેવાય છે કે, કમાણી કરવી એ મુખ્ય નહીં પણ તેની વહેંચવું એ મુખ્ય બાબત છે. દેશભક્તિ, પૂર્વ ગૌરવ અને સંસ્કૃતિ હિંદુત્વના ત્રણ પાયા છે.
બંધારણનું પાલન એ ફરજ
ભાગવતે કહ્યું હતું કે, આધુનિક યુગમાં ભારતે બંધારણ બનાવ્યું. તે આપણા જ લોકોએ બનાવ્યું છે. બંધારણનું પાલન કરવું એ આપણી ફરજ છે. વિદ્વાન અને વિચારશીલ લોકોએ બંધારણ બનાવ્યું છે. તેનો એક એક શબ્દ મહત્ત્વ ધરાવે છે.
બંધારણમાં નાગરિકોના અધિકારો અને ફરજોની પણ વાત છે. એ બધાનું પાલન થવું જોઈએ. બંધારણની પ્રસ્તાવનામાં સોશિયાલિસ્ટ અને સેક્યુલર શબ્દો તો પછી આવ્યા, એ વાત જાણીતી છે. સંઘે કાયદો અને બંધારણનું હંમેશા સન્માન કર્યું છે. અમારી વિરુદ્ધ બંધારણના ઉલ્લંઘનનું એક પણ ઉદાહરણ નથી. ભારતના ભવિષ્ય વિશે સંઘ વિચારે છે કે, આપણને ભારતને સામર્થ્યવાન દેશ બનાવવાનો છે. તેનો અર્થ બીજાને દબાવવા એવો નથી થતો. વિશ્વ કલ્યાણ માટે આપણી પાસે સામર્થ્ય હોવું જોઈએ. આપણો દેશ શોષણથી મુક્ત હોવો જોઈએ અને વંચિતોને પણ તમામ હક મળવા જોઈએ. દેશમાં મહિલાઓને પણ પૂજવાની જરૂર નથી. તેને દાસી બનાવવાની પણ બિલકુલ જરૂર નથી. તેનું સ્થાન બરાબરીનું હોવું જોઈએ. આપણે મહિલાઓનો ઉદ્ધાર કરવાનો છે એવો ભાવ લાવવાની જરૂર જ નથી. અનેક ક્ષેત્રોમાં મહિલાઓ પુરુષોથી આગળ છે. પુરુષ અને મહિલા પૂરક છે.
આ પ્રસંગે ગૃહ રાજ્ય પ્રધાન કિરણ રિજિજુ, પ્રકાશ જાવડેકર, રામ માધવ, દલબીર સિંહ સુહાગ, વિજય ગોયલ, કે. સી. ત્યાગી, સુબ્રમણ્યમ સ્વામી, ઉમા ભારતી અને આર. કે. સિંહ જેવા નેતાઓ હાજર રહ્યા હતા.
આંબેડકરની સલાહ
ભાગવતે કહ્યું હતું કે, સંસદમાં હિંદુ કોડ બિલની ચર્ચા ચાલતી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે, તમે કોડને ધર્મ સમજી રહ્યા છો. હું ફક્ત કોડ બદલી રહ્યો છું, મૂલ્યો તો એ જ રહેશે. ત્યારથી લઈને આજ સુધી આપણા દેવીદેવતાઓ બદલાયા છે. હિંદુત્વ ક્યારેય ખાણી-પીણીના વ્યવહારોને લઈને સંકુચિત તેમજ ખાસ પૂજા, ભાષા, પ્રાંત, પ્રદેશને જ મહત્ત્વ આપનારી વ્યવસ્થા ન હતી. એટલે જ હિંદુત્વ ભારતમાં પેદા થયું, પરંતુ વિશ્વભરમાં ફેલાયું.
હિંદુત્વ માને છે કે, તમામ મત સાચા છે. હિંદુત્વ વિવિધતાનો સ્વીકાર કરે છે, તેનું સન્માન કરે છે. આપણે અધર્મીનો નહીં પણ અધર્મનો નાશ ઈચ્છીએ છીએ. બાબાસાહેબ આંબેડકરે કહ્યું હતું કે, મેં સ્વતંત્રતા જેવા મૂલ્યો ફ્રાન્સના બંધારણમાંથી નહીં પણ ભારતની માટીમાંથી લીધા છે. જો આપણે આંબેડકરની સલાહ પ્રમાણે, બંધુત્વનો ભાવ ઉત્પન્ન નહીં કરીએ તો દેશને કેવા દિવસો જોવા પડશે એ કહેવાની મારે જરૂર નથી. હિંદુત્વમાં હંમેશા બંધુભાવ લાવવાનો પ્રયાસ થાય છે.
મુસ્લિમોની હકાલપટ્ટી નહીં
સંઘના વડાએ કહ્યું હતું કે, હિંદુ રાષ્ટ્રનો અર્થ મુસ્લિમોને કોઈ જ સ્થાન નહીં એવો બિલકુલ નથી થતો. હિંદુત્વનો અર્થ જ તમામ લોકોની શ્રદ્ધાઓનો સ્વીકાર એવો થાય છે. હિંદુત્વ એ ભારતના સાંસ્કૃતિક મૂલ્યોનો આત્મા છે. તેનો હેતુ જ વૈશ્વિક બંધુત્વની ભાવના મજબૂત કરવાનો છે. બંધુત્વનો વૈશ્વિક સિદ્ધાંત જ વિવિધતામાં એકતા છે. હિંદુત્વ એ ભારતીયતાનો સમાનાર્થી છે. જે તમામ ધર્મના લોકોને લાગુ પડે છે અને તે જ આપણી વૈવિધ્યતામાં એકતાનું દર્શન કરાવે છે. હિંદુત્વ વસુધૈવ કુટુંબકમની ભાવનામાં વિશ્વાસ કરે છે.
સંઘ પણ ‘સર્વે સુખિનો સન્તુ’માં માને છે. ભલે તે હિંદુત્વ આધારિત હોય પણ તેમાં બધી જ શ્રદ્ધાઓની વાત કરાય છે. આપણે અનેક રાજ્યો, ભાષાઓ અને જાતિઓમાં વહેંચાયેલા હોવા છતાં ભારત માતાને ચાહીએ છીએ અને વૈશ્વિક માનવીય મૂલ્યોમાં વિશ્વાસ કરીએ છીએ.
રામઃ ઇમામ-એ-હિંદ
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના ત્રણ દિવસના કાર્યક્રમના અંતિમ દિવસે ૧૯મીએ લોકો સંઘના વડા મોહન ભાગવતને લોકોએ ચિઠ્ઠીઓનાં માધ્યમથી સવાલો પૂછયા હતા. ભાગવતે આ સવાલ જવાબ દરમિયાન કહ્યું હતું કે સંઘ ક્યારેય કોઈ જાતિ વિશે ટિપ્પણી કરતો નથી. ત્રણ દિવસના રામ રાગ આલાપતાં તેમણે કહ્યું હતું કે, રામમંદિર ઉપર વટહુકમ લાવવાની સત્તા સરકાર પાસે છે અને આયોજન કરવાનું કામ રામજન્મભૂમિ મુક્તિ સંઘર્ષ સમિતિ પાસે છે. એ બંનેમાં હું નથી. આંદોલનમાં શું કરવાનું છે તે ઉચ્ચ અધિકારી સમિતિ નક્કી કરે. તેઓ મારી પાસે સલાહ માગવા આવશે તો હું આપીશ. હું સંઘના નેતા તરીકે ઇચ્છું છું કે, રામજન્મભૂમિ ઉપર ભવ્ય મંદિર બને અને ઝડપથી બને. ભગવાન રામ આપણા દેશની બહુમતી ધરાવતી જનતાના ભગવાન છે. લોકો તેમને ઇમામ-એ-હિંદ માને છે. તેને કારણે રામજન્મભૂમિ છે ત્યાં તેમનું મંદિર બનવું જોઈએ અને ઝડપથી બનવું જોઈએ.
હિંદુત્વને હિંદુઇઝમ કહેવું ખોટું
ભાગવતને પુછાયેલા પહેલા જ સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે, હિંદુત્વને હિંદુઇઝમ કહેવું ખોટું છે. સત્યની નિરંતર શોધનું નામ હિંદુત્વ છે. સતત ચાલનારી પ્રક્રિયા છે. તેને કારણે જ આ શબ્દને હિંદુઇઝમ ન કહી શકાય. હિંદુત્વ જ છે જે સૌથી સાથે તાલમેલનો આધાર બની શકે છે. ભારતમાં રહેનારાં લોકો હિંદુ જ છે. કેટલાંક લોકો હિંદુત્વ વિશે જાણે છે પણ તેના વિશે વાત કરતાં સંકોચ અનુભવે છે. ભારતમાં ક્યાંય પારકા અને પોતાના તેવા અભિગમ રાખવામાં આવતા નથી. આવા અભિગમ અમે ક્યારેય બનાવ્યા જ નથી.