નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-ભાજપની ત્રણ દિવસની સમન્વય બેઠક અહીં યોજાઇ હતી. જેમાં ૪ સપ્ટેમ્બરે ઉપસ્થિત રહેલા વડા પ્રધાન મોદીએ આપેલા ૧૫ મિનિટના ભાષણમાં જણાવ્યું હતું કે આરએસએસના સ્વયંસેવક હોવાનું મને ગૌરવ છે. સંઘના સંસ્કારોના કારણે હું વડા પ્રધાન છું. સત્તા સંભાળી ત્યારે દેશની સ્થિતિ સારી નહોતી પરંતુ સરકાર મોટા પરિવર્તનની દિશામાં કામ કરી રહી છે, સરકારની કામગીરીના પરિણામો ટૂંકસમયમાં દેખાશે. મોદી સરકારના પ્રધાનોએ બેઠકમાં હાજર રહી તેમની કામગીરીનો હિસાબ આપ્યા પછી વડા પ્રધાન મોદી પણ મધ્યાંચલ ભવનમાં સંઘને માહિતી આપવા પહોંચ્યા હતા. સંઘ રિમોટ કન્ટ્રોલ દ્વારા સરકાર ચલાવી રહ્યો હોવાની ટીકાઓ નકારી કાઢતાં સંઘના સંયુક્ત મહાસચિવ દત્તાત્રેય હોસાબોલેએ જણાવ્યું હતું કે, મોદી સરકાર પ્રતિબદ્ધતા સાથે સાચી દિશામાં આગળ વધી રહી છે. સંઘ મોદી સરકારની કામગીરીની સમીક્ષા કરી રહ્યો નહોતો પરંતુ પ્રધાનો સંઘના સ્વયંસેવકો હોવાથી તેમને માહિતી આપવામાં આવી હતી. હજુ મોદી સરકારને ૧૪ મહિના જ થયાં છે. તેની પાસે કામ કરવાનો હજુ ઘણો સમય છે. બેઠકમાં સંઘે રામમંદિર પ્રત્યે તેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સંઘનું માનવું છે કે આ મામલો અદાલતમાં છે તેમ છતાં સરકાર યોગ્ય પગલાં લેવાનો પ્રયાસ કરશે. સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે સંઘ મોદી સરકારના સમયપત્રક પ્રમાણે રામમંદિર મામલે લેવાનારા પગલાંની રાહ જોશે.