નવી દિલ્હી: એક સમયે સંરક્ષણ ઉત્પાદનો અને શસ્ત્રસરંજામના ક્ષેત્રે મોટા આયાતકાર તરીકેની ઓળખ ધરાવતા ભારતની ગણના હવે સંરક્ષણ ક્ષેત્રે વિશ્વના ટોચના નિકાસકારોમાં થઈ રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં ભારતે સાતથી વધુ દેશોમાં અંદાજે 38 હજાર કરોડ રૂપિયાના સંરક્ષણ ઉત્પાદનોની નિકાસ કરી છે. એશિયામાં મ્યાંમાર અને શ્રીલંકા ઉપરાંત મોરેશિયસ, મોઝામ્બિક અને સેશેલ્સ જેવા આફ્રિકન દેશોમાં ભારતે નિકાસ કરી છે.
ઇન્ડિયા એક્ઝિમ બેન્કના રિપોર્ટ અનુસાર આફ્રિકાના દેશોની સમુદ્રી, જમીની અને હવાઈ સંરક્ષણ જરૂરિયાતો પૂરી કરવા માટે ભારત સક્ષમ છે. ભારતે સંરક્ષણ ઉત્પાદનના ક્ષેત્રમાં ખાનગી કંપનીઓને પણ સામેલ કરી છે. દેશના એરોસ્પેસ અને ડિફેન્સનું માર્કેટ ગત વર્ષે 85 હજાર કરોડ રૂપિયાનું હતું, જે આગામી બે વર્ષમાં - 2024 સુધીમાં 2 લાખ કરોડ રૂપિયાનું થશે એવું અનુમાન છે. તેમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી હાલ 20થી 25 ટકા છે.
રિપોર્ટમાં જણાવાયું છે તે પ્રમાણે ટાટા, અશોક લેલેન્ડ જેવી કંપનીઓ ઉપરાંત એક ડઝનથી વધુ એમએસએમઇ પણ ડિફેન્સ ક્ષેત્રમાં ઉત્પાદન કરી રહી છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટના અહેવાલ મુજબ છેલ્લા પાંચ વર્ષમાં ભારતની શસ્ત્રસરંજામની આયાતમાં અંદાજે 33 ટકાનો ઘટાડો થયો છે. 2025 સુધીમાં ભારતનું લક્ષ્યાંક 41 હજાર કરોડ રૂપિયાના ઉત્પાદનોના નિકાસનું છે.