નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન બાકી હોવાથી ઓપિનિયન કે એક્ઝિટ પોલના તારણ તો જાહેર થયા નથી, પરંતુ સહુ કોઇની નજર પરિણામના દિવસ ચોથી જૂન પર છે. રાજકીય વિશ્લેષકો પોતપોતાની રીતે ગણતરી માંડીને વિવિધ પક્ષોના જય-પરાજયના અહેવાલ આપી રહ્યા છે. આવા વિશ્લેષકોમાં મોખરાનું સ્થાન ધરાવતા ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરનું માનવું છે કે ભાજપ ચૂંટણી તો જરૂર જીતી જશે, પણ અબકી પાર 400 પારનો નારો સાકાર થવાની કોઇ શક્યતા નથી. પ્રશાંત કિશોર માને છે કે ભાજપનો વિજય રથ ગત વખતના આંકડા કરતાં આગળ વધે તેવી શક્યતા નથી.
પ્રશાંત કિશોરનું આ તારણ રજૂ થતાં જ વિરોધ પક્ષોએ દેકારો મચાવ્યો છે. તેમનું કહેવું છે કે પ્રશાંત કિશોરના દાવા ચોથી જૂને ખોખલા સાબિત થવાના છે.
પ્રશાંત કિશોરે તાજેતરના કેટલાક ઈન્ટરવ્યૂમાં ભાજપની જીતનો દાવો કર્યો છે. તેમણે કહ્યું હતું કે, 2019ની ચૂંટણીમાં ભાજપ જેટલી બેઠકો જીત્યો હતો તેની આસપાસ જ આ ચૂંટણીમાં પણ તેની બેઠકો આવશે. તે સિવાય તેમણે ત્રીજી વાર વડાપ્રધાન બનવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રાથમિકતાઓ વિશે પણ આગાહી કરી હતી. તેમના આ નિવેદનની વિપક્ષ અને વિરોધીઓ ટીકા કરી રહ્યા છે.
પીકેના નામે પ્રખ્યાત પ્રશાંત કિશોરે એક ટ્વિટ કરીને પોતાના ટીકાકારો પર વ્યંગ કરતા તેમને આગામી 4 જૂનના રોજ ભરપૂર પાણી પીવાની સલાહ આપી હતી. પ્રશાંત કિશોરે લખ્યું હતું કે પાણી પીવું સારું છે, કારણ કે તે આપણા મગજ અને શરીર બંનેને હાઈડ્રેટેડ રાખે છે. જે લોકો આ ચૂટણીના પરિણામો વિશે મારા અંદાજથી ચકિત છે, તેમણે 4 જૂનના રોજ ભરપૂર પાણી પોતાની પાસે રાખવું જોઈએ. 2 મે, 2021 અને બંગાળને યાદ રાખજો. પીકેએ 2021ની પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરિણામ અને તે પહેલા કરાયેલી આગાહીઓને યાદ રાખવાની પણ સલાહ આપી હતી. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનું પરિણામ સામે આવ્યા પહેલા પીકેએ કહ્યું હતું કે ભાજપ પશ્ચિમ બંગાળમાં ત્રણ આંકમાં નહીં પહોંચે. જ્યારે ટીવી ચેનલોએ ભાજપની જીતનું અનુમાન લગાવ્યું હતું.
મોદી સરકાર સામે આક્રોશ નથી દેખાતો
પ્રશાંત કિશોરે તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મને લાગે છે કે મોદીના નેતૃત્વ હેઠળ ભાજપ સત્તા પર વાપસી કરી રહ્યો છે. ભાજપને ગત ચૂંટણી જેટલી સીટો મળી શકે છે અથવા તો તેમનું પ્રદર્શન પહેલા કરતા થોડું સારું રહી શકે છે. લોકોમાં ભલે ભાજપ સરકાર પ્રત્યે નિરાશા હોય કે નારાજગી હોય પરંતુ વ્યાપક સ્તરે મોદી સરકારને હટાવવા અંગે ગુસ્સો જોવા મળી રહ્યો નથી.