નવી દિલ્હીઃ વર્ષ ૨૦૧૪માં આયોજિત લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભાજપને મળેલા વિજયને ૧૬ મેએ એક વર્ષ પૂર્ણ થયું. ચીન સહિત ત્રણ દેશોની વિદેશયાત્રાએ ગયેલા મોદીએ ટ્વિટ કરીને આનંદ વ્યક્ત કરતાં યાદો તાજી કરી હતી. દેશનાં એક અગ્રણી અખબાર દ્વારા થયેલા સર્વેના આધારે દાવો થયો છે કે મોદી સરકારનું એક વર્ષનું રિપોર્ટકાર્ડ કહે છે કે મોદીલહેર હજી પણ દેશમાં ચાલે છે, પરંતુ છેલ્લા પાંચ મહિનામાં મોદી સરકારની કામગીરી નબળી પડી છે. સર્વે પ્રમાણે ફક્ત ૨૦ ટકા લોકો એમ માને છે કે મોદી સરકારની કામગીરી ઘણી સારી રહી છે. ચૂંટણીમાં આપેલાં વચનોના મામલે સરકારે ઘણી પીછેહઠ કરી હોવાનું ઘણા લોકો માને છે. કોંગ્રેસે જણાવ્યું હતું કે, સરકારે લોકોને કરેલા વાયદાઓ હજુ પૂરા કર્યા નથી. ઔદ્યોગિક સંગઠન એસોચેમએ જણાવ્યું હતું કે, મોદી સરકારને તેમની વ્યાપક યોજનાઓ પર ૧૦માંથી ૭ નંબર મળવા જોઈએ. સંગઠને સરકારને મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, ડિજીટલ ઇન્ડિયા, સ્વચ્છ ભારત, સ્માર્ટ સિટી અને નમામિ ગંગે જેવી યોજનાઓ તથા જન ધન યોજના, ફુગાવામાં ઘટાડો તેમ જ પ્રત્યક્ષ વિદેશી રોકાણને કારણે મજબૂત થયેલા અર્થતંત્રના આધારે ૧૦માંથી ૭ નંબરો આપ્યા છે.