નવી દિલ્હીઃ દેશમાં સૌને પરવડે તેવી રીતે હવાઈ પ્રવાસ સસ્તો કરવા માટે સરકારે નવી એવિએશન નીતિનાં મુસદ્દાની જાહેરાત કરી છે. જેમાં દરેક લોકો માટે રિજનલ કનેક્ટિવિટી વધારવા તેમજ એક કલાકની ફ્લાઈટ માટેનું હવાઈ ભાડું રૂ. ૨૫૦૦ કરવાની દરખાસ્ત છે. જોકે, સરકારે તમામ રૂટ્સ માટે એર ટિકિટ પર બે ટકા સેસ લાદવા કહ્યું છે. આમ હવાઈ પ્રવાસ સસ્તો કરવા માગતી સરકારે સેસ લાદતા ટિકિટો મોંઘી થશે. આ ક્ષેત્રમાં એફડીઆઈ મર્યાદા ૪૯ ટકાથી વધારવા પણ વિચારણા કરાઈ છે. પ્રાદેશિક હવાઈ સફર માટે જેટ ફ્યુઅલ પર કસ્ટમ્સ ડયુટી નહીં લગાવવાની તેમાં જોગવાઈ કરાઈ છે.