નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક સમયથી ભારત અને પાકિસ્તાન વચ્ચે જે વિવાદનો મુદ્દો રહ્યો છે તેનું સમાધાન કરવામાં બંને દેશ સફળ રહ્યા છે. ભારત અને પાકિસ્તાન મહત્ત્વના મુદ્દે એકબીજા સાથે ચર્ચા વધારવા માટે પ્રયાસ કરવા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર શાંતિ જાળવવા માટે એકમત થયા છે. ૧૦ સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં બંને દેશોના ડાયરેક્ટર જનરલ કક્ષાની બેઠક યોજાઈ હતી, જેમાં બંને દેશોની સેનાના ઉચ્ચ કમાન્ડરોએ ચર્ચા કરી હતી અને નિયંત્રણ રેખા પર તણાવ ન વધે તેનું ધ્યાન રાખવા ફળદાયી વિચારણા કરી હતી.
શાંતિ માટેની ભારતીય અપીલના જવાબમાં પાકિસ્તાને વચન આપ્યું છે કે તેના સૈનિકો હવે સરહદ પર સંઘર્ષવિરામનું કડક પાલન કરશે. બેઠકના આગલા દિવસે પાકિસ્તાની રેન્જર્સનું ૧૫ સભ્યોનું પ્રતિનિધિ મંડળ નવી દિલ્હી પહોંચ્યું હતું.