સરોગસી બિલ અંગે વિવિધ ક્ષેત્રના વિશેષજ્ઞોનો મત

ખુશાલી દવે મિતુલ પનિકર Wednesday 31st August 2016 08:27 EDT
 
 

તાજેતરમાં જ કેન્દ્રમાં પસાર થયેલા સરોગસીના ખરડા અંગે ખુશાલી દવે અને મિતુલ પનિકરે વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોના મત જાણવાનો પ્રયત્ન કર્યો હતો તેના અંશો અહીં વિસ્તૃત રીતે રજૂ કર્યા છે.
જેમ દરેક મુદ્દાના સબળા અને નબળા પાસાં હોય છે એમ સરોગસીના મુદ્દે પણ છે. સરોગસી ટ્રીટમેન્ટ કેટલીક મહિલાઓ માટે આશીર્વાદ સમાન નીવડી છે તો કેટલીક મહિલાઓનું તેનાથી શોષણ થયું છે. મેં જોયું છે કે ડો. નયના પટેલ સરોગેટ મધર્સ માટે કેટલી સહિષ્ણુતા ધરાવીને તેમની આર્થિક સામાજિક અને માનસિક જરૂરિયાતોની માવજત કરે છે. તેઓ સરોગેટ મધર્સના આર્થિક ભવિષ્ય માટે ચિંતા કરે છે. મેં બાળક ઝંખતા દંપતીનો વલખાટ પણ જોયો છે. કેન્દ્રમાં રજૂ થયેલા ખરડામાં ઘણા સુધારા વધારાની જરૂર મારા મતે લાગે છે. ખરેખર તો સરકારે સરોગેટ મધર્સનું શોષણ કરતા પરિબળોની શોધ કરીને તેમને સજા કરવી જોઈએ. આ ઉપરાંત આ બિલ સિંગલ પેરેન્ટ બનવા ઇચ્છતા લોકો સાથે અન્યાય કરનારું છે. આ કાયદો સરોગસીના મુદ્દે બ્લેક માર્કેટ ઊભો કરનારો છે.
- મલ્લિકા સારાભાઈ સામાજિક કાર્યકર, નૃત્યાંગના
સરોગસી ટ્રીટમેન્ટ એ બે સ્ત્રીઓ અને એક પુરુષ વચ્ચેનો ખૂબ જ અંગત મામલો છે. એક દંપતી બાળક દુનિયામાં લાવવા માટે ઈચ્છા રાખે તેમાં એક સ્ત્રી તેમની સાથે જોડાય તે તેમની અત્યંત અંગત બાબત છે જેમાં ડોક્ટર ત્રણેયની મદદગાર હોય છે. હવે કેન્દ્રમાં આ મુદ્દે બિલ પસાર થયું તેને હું વખોડી પણ શકું નહીં કારણ કે સમાજે આ આખી વ્યવસ્થાને અવ્યવસ્થામાં ફેરવી નાંખી છે. આ વ્યવસ્થાને અતિવ્યાવસાયિક બનાવી નાંખી છે. સરકારના પ્રતિબંધ છતાં આજેય ઘણી જગ્યાએ સતીપ્રથા, દહેજપ્રથા દેખાય છે. એવી જ રીતે આ મુદ્દે પણ વિચાર કરવો જોઈએ. ખરેખર તો આખું વિશ્વ આજે ઇનફર્ટિલિટીના પ્રશ્નથી પીડાઈ રહ્યું છે તે અંગે વિચાર થવો વધુ મહત્ત્વનો છે.
- ઈલાબહેન ભટ્ટ, ‘સેવા’ના સંસ્થાપક
સરોગસી નવો ખરડો અત્યંત કડક અને પાલન માટે અશક્ય છે. સરોગસી માટે કુટુંબમાંથી જ મહિલાની પસંદગી કરવી એ આજના જમાનામાં કેટલે સુધી શક્ય બની શકે? આજે દરેકને એક કે બેથી વધુ સંતાનો હોતાં નથી. એક ઉદાહરણ જોઈએ તો આ ખરડા અનુસાર કોઈ નણંદને સંતાન જોઈતું હોય તો ઘરમાં તેની ભાભી પર સરોગેટ મધર બનવા માટે કેટલું દબાણ હોઈ શકે? કુટુંબમાંથી જ સરોગેટ મધર હોય તો અન્ય સંબંધોમાં પણ ઘણી ગૂંચવણ ઊભી થઈ શકે. વળી આ પ્રકારના કિસ્સામાં ક્યારેક બંને માતા તથા બાળક પર નેગેટિવ સાયકોલોજિકલ ઇફેક્ટ પણ ઊભી થઈ શકે. સરોગસી માટે પાંચ વર્ષ સુધી દંપતીએ રાહ જોવાની જોગવાઈ પણ યોગ્ય નથી. જે દંપતીને પોતાની શારીરિક સ્થિતિ અંગે જાણ હોય તેઓ સરોગસી ટ્રીટમેન્ટ માટે શા માટે પાંચ વર્ષ સુધી રાહ જુએ? એનઆરઆઈ દંપતી સરોગસી ટ્રીટમેન્ટ માટે ભારતમાં આવતા હતા તેથી વિદેશી નાણું દેશમાં આવવા સાથે સરોગેટ મધરને પણ સારી એવી આર્થિક મદદ મળી રહેતી હતી.
ખરડામાં એવું પણ જણાવ્યું છે કે દેશમાં અનાથ બાળકોને દત્તક લેવા માટે પ્રોત્સાહન મળે તેથી પણ આ ખરડો કડક કરાયો છે તો મારું કહેવું છે કે લોકશાહી દેશમાં સરકાર કોઈને પણ એવું દબાણ કેવી રીતે કરી શકે કે તેનું સંતાન તે કેવી રીતે મેળવે? કોઈ પણ વ્યક્તિને જિનેટિકલી પોતાનું સંતાન મેળવવાનો પૂરેપૂરો હક હોવો જોઈએ તે છીનવી શકાય નહીં. સેલિબ્રિટીઝની વિચારસરણી જોઈએ તો શાહરુખ ખાનને બે બાળકો હોવા છતાં તેમણે સરોગસીથી બાળક મેળવ્યું છે. અન્ય ફિલ્મ સ્ટાર આમિર ખાન અને તુષાર કપૂરે પણ સરોગસીથી બાળક મેળવ્યાં છે. ભારતમાં જો હવે સરોગસીથી બાળક મેળવવા પર પ્રતિબંધ જેવી સ્થિતિ આવશે તો ફિલ્મ સ્ટાર તો વિદેશમાં જઈને પણ આ ટ્રીટમેન્ટના ઉપયોગથી સંતાન મેળવી શકશે, પરંતુ દેશમાં રહેતા જરૂરિયાતમંદ દંપતીઓ માટે દ્વાર બંધ થઈ જશે.
- ડો. નયના પટેલ, ગાયનેકોલોજિસ્ટ
સરોગસીની કાયદેસરતા અંગે પારદર્શિતા લાવવાની વધુ જરૂર છે. સરોગેટ મધરના કેસિસ માટે રજિસ્ટ્રેશન બાદ સરોગેટ મધર્સને પૂરતો આર્થિક ન્યાય મળે તેવી જોગવાઈ ખરડામાં દાખલ કરવી જોઈએ. સરોગસી માટે એજન્ટ આર્થિક લાભ લઈને સરોગેટ મધરનું શોષણ કરે છે તે બંધ થવું જોઈએ. આજે ઘણા વિદેશી દંપતીઓ ભારતમાં વ્યાવસાયિક સરોગસી ટ્રીટમેન્ટને પ્રાધાન્ય આપે છે કારણ કે વિશ્વના ઘણા દેશોમાં સરોગસી ટ્રીટમેન્ટને માન્યતા નથી. આવા કિસ્સામાં સરોગેટ મધર માટે ચોક્કસ આર્થિક વળતરની નીતિ હોવી જોઈએ.
ખરડામાં પ્રમાણે કુટુંબની જ કોઈ મહિલા સરોગેટ મધર બની શકે, પણ મારી પાસે જ બેથી ત્રણ કેસિસ એવા હતા કે, દેરાણી અને જેઠાણીની સંમતિથી પહેલાં સરોગસી ટ્રીટમેન્ટથી બાળક કુટુંબમાં આવ્યું હોય અને બે કે ત્રણ વર્ષ પછી સરોગેટ મધર બાળક પોતાનું છે એવું વારંવાર દબાણ કરતી હોવાથી બંને માતાઓ અને કુટુંબ વચ્ચે આંતરિક વિવાદ ઊભો થયો હોય. ત્યાં સુધી કે બાળકની કસ્ટડી બાબતે સામાજિક ગૂંચવણ ઊભી થાય. જો કમર્શિયલ સરોગસીના મામલે સરોગેટ મધરના સ્વાસ્થ્યની ચિંતાનો મુદ્દો હોય તો સરોગેટ મધર માટે એવી જોગવાઈ કરવી જોઈએ કે કોઈ મહિલા બે કે ત્રણ વખતથી વધુ તેની કૂખ ભાડે આપી શકશે નહીં. હા અન્ય કોઈ ઓર્ગનની વાત હોય તો તે ઠીક છે, પણ સરોગસીમાં મહિલાની કૂખ તો અંતે તેની પાસે જ રહેવાની હોય છે.
સરોગસીથી નહીં પણ બાળકો દત્તક લઈને ઉછેરો. સરકારના આ મુદ્દે જોઈએ તો કોઈ પણ કપલ જિનેટિકલી પોતાનું સંતાન ઈચ્છે તો તેને રોકવું વાજબી નથી. આપણા દેશમાં બાળક દત્તક લેવા માટે નોંધણીના બે વર્ષ પછી કાર્યવાહી આગળ ચાલે અને પછી પણ પોતાને ગમતું બાળક દંપતીને મળે કે નહીં તેની ખાતરી નહીં એ કરતાં કોઈ પણ દંપતી પોતાનું ડીએનએ ધરાવતું બાળક સરોગસીથી નવ મહિનાથી દોઢેક વર્ષમાં મેળવે છે તો તેમાં કંઈ અયોગ્ય નથી. હા, સિંગલ પેરેન્ટ્સના મુદ્દે કહીશ કે, એકલ પિતાને સરોગસી દ્વારા બાળક મેળવવા પર પ્રતિબંધ હોવો જોઈએ કારણ કે તેનાથી બાળકના સર્વાંગી વિકાસ અંગે શંકા રહે. સંતાનને માતા પિતા બંનેનો પ્રેમ અને હૂંફ ન મળી શકે. બાળકના માનસ પર કેવી અસર ભવિષ્યમાં પડી શકે તે અંગે ચિંતા રહે છે.
- ડો. ગિતેશ આર શાહ, ગાયનેકોલોજિસ્ટ
તાજેતરમાં જ કેન્દ્રમાં આવેલા સરોગસીના ખરડા અંગે મારું માનવું છે કે, તે સાવ નેગેટિવ નથી કે એકદમ પોઝિટિવ પણ નથી. જોકે તેમાં ફેરફાર જરૂરી છે. આજે કુટુંબમાંથી જ સરોગેટ મધર શોધવી ઘણી મુશ્કેલીભર્યું છે એટલે કમર્શિયલ સરોગસી પર પ્રતિબંધ કરતાં તેનો દુરુપયોગ ન થાય તેવી રીતે કાયદો ઘડાવો જોઈએ. જેમકે આ ખરડામાં કહેવાયું છે કે સરોગસી માટે તૈયાર થતી સ્ત્રીનું શોષણ થાય છે હું દૃઢપણે માનું છું કે તે ચોક્કસપણે અટકવું જોઈએ. એ માટે સારા સરોગસી સેન્ટર્સમાં જ સરોગસી માટેની ટ્રીટમેન્ટ થાય અને સરોગેટ મધરને યોગ્ય વળતર મળે તેવી જોગવાઈની હોવી જોઈએ.
બીજું ખરડામાં બાળક દત્તક લેવા પર સરકાર દ્વારા ભાર મૂકવામાં આવ્યો છે. ખરેખર તો કોઈ વ્યક્તિ પોતાનું ડીએનએ ધરાવતું સંતાન ઈચ્છે તો તેમાં કંઈ ખોટું નથી. વળી, ભારતમાં બાળક દત્તક લેવા માટેની પદ્ધતિ ખૂબ જ લાંબો સમય માગી લે છે. નોંધણીના બે વર્ષ પછીની કાર્યવાહી બાદ બાળક છેક ત્રણ સાડા ત્રણ વર્ષે દત્તક લેનાર દંપતીને મળે. હા, ખરડામાં પાંચ વર્ષ પછી જ કપલ સરોગેટ મધરની શોધ કરીને બાળકને દુનિયામાં લાવે એ યોગ્ય છે કારણ કે સામાન્ય રીતે ભારતમાં યુવાન વયમાં જ લગ્ન થતાં હોય છે તેથી દંપતી ત્રીસેક વર્ષનું થાય ત્યાં સુધીમાં તેમને ફેમિલી પ્લાનિંગ કેવી રીતે કરવું તેની જાણ થઈ જાય અને તેઓ સરોગસી ટ્રીટમેન્ટ માટે પ્લાન કરી શકે છે. એનઆરઆઈ કપલ માટે આ કાયદા બાબતે કહીશ કે, મેં મેડિકલ પ્રેક્ટિસ દરમિયાન એવા કિસ્સા જોયા છે કે, એનઆરઆઈ કપલ ઈન્ડિયા આવે સરોગસી માટેની ટ્રીટમેન્ટ કરાવે અને પાછા જે તે દેશમાં રહેતા હોય ત્યાં પાછા ચાલ્યા જાય. બાળકનો જન્મ થાય એટલે બાળક લેવા માટે ઇન્ડિયા આવે અને પછી પાછા બાળકને લઈને વિદેશ ચાલ્યા જાય. ખરેખર તો આવા કિસ્સા માટે જોગવાઈ હોવી જોઈએ કે સરોગેટ મધરની ટ્રીટમેન્ટ દરમિયાન એટલે કે સરોગેટ મધરના ગર્ભના નવ મહિના દરમિયાન તેની પૂરતી સંભાળ એનઆરઆઈ દંપતી દ્વારા લેવામાં આવે. ખરડામાં એવી જોગવાઈ હોવા જોઈએ કે જેથી સરોગેટ મધરની સામાજિક આર્થિક અને માનસિક મદદ થઈ શકે.
ડો. સુજલ મુન્શી, ગાયનેકોલોજિસ્ટ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter