નવી દિલ્હીઃ ભારત સરકારે સરોગસી બિલને બહાલી આપીને દેશમાં વ્યાપારી ધોરણે કૂખ ભાડે આપવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. સરોગેટ માતાના અધિકારોને રક્ષણ આપતું તેમજ સરોગસીથી જન્મેલાં બાળકોને કાનૂની પિતૃત્વ પ્રદાન કરવાના ઈરાદાથી કેન્દ્રીય કેબિનેટે બુધવારે આ સરોગસી બિલને બહાલી આપી હતી. આ બિલ અમલી બનતાં જ કોઈ મહિલા સરોગસી માટે વ્યાપારી ધોરણે તેની કૂખ ભાડે આપી શકશે નહીં. અલબત્ત, કોઈ વ્યક્તિમાં પ્રજનનક્ષમતા ન હોવાનું પુરવાર થશે તો તેવા કિસ્સામાં સરોગસીને મંજૂરી અપાશે. આ ઉપરાંત પરોપકાર કરવા નિઃસ્વાર્થપણે સરોગસીની પરવાનગી અપાશે, પણ આવા કિસ્સામાં સરોગસીથી બાળકને જન્મ આપવાનો મેડિકલ ખર્ચ બાળક દત્તક લેનાર દ્વારા ચૂકવવામાં આવે તે અનિવાર્ય કરાયું છે.
આ બિલ અનુસાર, માત્ર સંતાનને જન્મ આપવાના ઈરાદાથી કોઈ વ્યક્તિ સરોગેટ માતાની કૂખ ભાડે મેળવી શકાશે નહીં. બિલમાં એવી સ્પષ્ટતા કરી છે કે આવા કિસ્સામાં માત્ર નજીકનું સગપણ ધરાવતી મહિલા જ સરોગેટ માતા બની શકશે. અપરિણીત દંપતી, લિવ-ઈનમાં રહેતા દંપતી અને સમલિંગી દંપતી હવે પરમાર્થ કે પરોપકારનાં નિઃસ્વાર્થ ધોરણે સરોગસીથી સંતાનને જન્મ આપી શકશે નહીં.
સરોગસી સેલિબ્રિટીઓ માટે ‘ફેશન’
વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજે કેબિનેટના આ નિર્ણય બાદ પ્રેસકોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, દેશમાં કેટલીક સેલિબ્રિટીઓ મદદના નામે સરોગસીને ફેશન તરીકે લઈ રહી છે. જરૂરિયાતની બાબતને ફેશન બનાવવાની તેમણે ભારે ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, આ બિલ કોમર્શિયલ સરોગસીથી બાળકો ઝંખતા લોકો પર નિયંત્રણ લાવી દેશે. સ્વરાજે કહ્યું કે, આપણે ત્યાં ઘણી સેલિબ્રિટીઓ છે જેમને પોતાના બે બાળકો - એક દીકરો અને એક દીકરી છે તેઓ સરોગસીથી વધુ બાળકો મેળવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે શાહરુખ ખાને અને તેની પત્ની ગૌરીએ સરોગસીથી અબરામ નામના દીકરાને જન્મ અપાવ્યો છે. તે જ રીતે આમિર ખાન પણ સરોગસીના આશરે ફરીથી પિતા બનવાનો છે. તુષાર કપુરે તો લગ્ન વિના પિતા બનવાની સિદ્ધિ મેળવી લીધી છે.
ભારતીય દંપતીને જ સરોગસીનો લાભ
સૂચિત કાયદામાં એવી જોગવાઈ કરાઈ છે કે માત્રને માત્ર ભારતીય દંપતી કે જેમનાં લગ્નને પાંચ વર્ષ થયાં હોય તેઓ જ સરોગસીનો લાભ લઈ શકશે. આ સાથે જ ૨૦૦૭માં કોંગ્રેસની સરકાર દ્વારા દાખલ કરાયેલું આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજી બિલ જે ૨૦૧૫ સુધી ચર્ચામાં રહ્યું હતું તેની કેટલીક જોગવાઈઓ હવે રદ થાય છે.
વિદેશીઓ પર સરોગસી માટે પ્રતિબંધ
સંતાન મેળવવા માટે હવે વિદેશીઓ પણ સરોગેટ માતાની કૂખ ભાડે લઈ શકશે નહીં. સરોગેટ બાળકના જન્મ પછી તેની નાગરિકતા, સરોગેટ પદ્ધતિથી જન્મેલાં બાળકને જે તે દેશમાં લઈ જવા પર પ્રતિબંધ કે વિઝા આપવાનો ઈનકાર તેમજ પાસપોર્ટ આપવાના મામલે વિવાદ સર્જાતા હતા. આથી વિદેશ મંત્રાલયે વિદેશીઓને સરોગેટ બાળક દત્તક લેવા પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી હતી.
સરોગસીના વેપાર પર લગામ લાગશે
કોઈ પણ વ્યક્તિ હવે સંતાન મેળવવા સરોગેટ માતાની કૂખ ભાડે મેળવી શકશે નહીં. આમ દેશમાં કોર્મિશયલ ધોરણે સરોગસીની પદ્ધતિનો પણ અંત આવે છે. કોઈ પણ મહિલા હવે વ્યાપારી ધોરણે તેની કૂખ ભાડે આપી શકશે નહીં.
દંડ અને સજાની જોગવાઈ
જો કોઈ બાળક સ્વાસ્થ્ય સમસ્યા સાથે કે વિકલાંગ જન્મ્યું હોય અને આવાં બાળકને સ્વીકારવા લાભાર્થી માતા-પિતા કે વાલી ઈનકાર કરશે તો તેવા કિસ્સામાં તેમની પાસેથી દંડ વસૂલવા કે તેમને કેદની સજા કરવાની બિલમાં જોગવાઈ છે.
સરોગસી પર પ્રતિબંધ ક્યા ક્યા દેશમાં?
ઓસ્ટ્રેલિયા, યુકે, કેનેડા, ફ્રાન્સ, જર્મની, સ્વિડન, ન્યૂઝીલેન્ડ, જાપાન તેમજ થાઈલેન્ડમાં વ્યાપારી ધોરણે કૂખ ભાડે આપવા પર પ્રતિબંધ છે. વિશ્વમાં પાંચ કરોડ દંપતી એવાં છે કે જેઓ પ્રજનનક્ષમતા ધરાવતાં નથી. આવા દંપતીઓમાંથી કેટલાંક કૂખ ભાડે મેળવવા ભારત કે થાઈલેન્ડ તરફ નજર દોડાવતાં હતાં.